Oct’12 : અપડેટ્સ

Post - Oct'12 : અપડેટ્સ

– લખવામાં તો ઘણું બધુ છે પણ જરૂરી નોંધ ટપકાવીને આજે અહીથી જલ્દી વિરામ લેવાનો વિચાર છે. (કારણ – અતિવ્યસ્તતા)

– ઓકે. પ્રથમ તો શ્રી વ્રજકુમારને લગતી અપડેટ્સ; (આ મુદ્દો હવે કાયમી રહેશે…જેને દરેક સજ્જનોએ સહન કર્યે જ છુટકો..)

  • તેને માથા ઉપર થોડા વાળ આવવા લાગ્યા છે. (શરૂઆતમાં નહિવત કહી શકાય એવા હતા.)
  • ત્રણ દિવસ પછી તેને બે મહિના પુરા થશે. વજન ૫.૫ કિલોએ પહોંચ્યું છે.
  • તે પંખા અને હવા સાથે પણ ઘણી વાતો કરે છે!! (સાચ્ચે યાર….) તેને એકલો મુકી દો તો લગભગ એક કલાક એમ જ કાઢી નાખે બોલો…
  • તે મામાના ઘરે ગયો તેને એક અઠવાડીયું વિત્યું છે અને હજુ ૧૫-૨૦ દિવસ આમ જ એકલા-એકલા કાઢવાના છે. (આ વિરહ કપરો છે ભાઇ..) જો કે શ્રી ટેકનોલોજી-દેવ ની અસીમ કૃપાથી તથા મોબાઇલ-ભગવાન ના વરદાન અને શ્રી ઇંટરનેટ-મહારાજ ના આશિર્વાદથી દરરોજ તેના તાજા-તાજા ફોટો-વિડીયો જોવા મળી જાય છે!
  • દસ દિવસ પહેલા તેને અલગ-અલગ પ્રકારની ત્રણ રસી પીવડાવવામાં આવી હતી. (થેંક્સ ટુ ન્યુ સાયન્સ, તેને રસી બાદ તાવ કે કોઇ બીજા દર્દમાંથી ગુજરવું ન પડયું.)

– આજથી દોડવાના નિત્યક્રમનો શાનદાર શુભઆરંભ કરી દેવામાં આવ્યો છે અને મને દોડવા માટે માનસિક ધક્કો મારનાર શ્રી કાર્તિકભાઇનો તે બદલ આભાર માનુ છું ( ‘ગુજરાતીઓ આરંભે શુરા !’ – આ કહેવત મારી ઉપર લાગુ ન થાય તે અંગે જાગૃત રહેવાનો હું સંપુર્ણ પ્રયત્ન કરીશ.)

– શ્રાધ્ધનું હવે નેશનલાઇઝેશન થઇ રહ્યું છે. પંજાબી, મરાઠી, કેરેલીયન જેવા નોન-ગુજરાતી કે જેમને શ્રાધ્ધ વિશે ટકા નીયે સમજણ નથી પડતી એ પણ આજકાલ – “સેરાદ મેં હમ કુછ નહી ખરીદેંગે” ; એવા ડાયલૉગ મારે છે ! (સેરાદ=શ્રાધ્ધ !)

– નવરાત્રીના પડઘમ સંભળાઇ રહ્યા છે. (આસપાસમાં જ કોઇ ગાયકોની નેટ-પ્રેક્ટિસ આખી રાત ચાલુ રહે છે!)

– આચારસંહિતાના અમલથી પેલી સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ રાજકીય જાહેરાતોનો ત્રાસ દુર થયો છે. (જાહેરાત માટે આ લોકોએ આક્ષેપ સિવાય કંઇ નવું પણ વિચારવું જોઇએ એવી મારી નાનકડી સલાહ છે.)

– કોમ્પ્યુટરના એન્ટીવાઇરસ સોફ્ટવેર અને iTunes ને આપસમાં કોઇ અણબનાવ થવાના કારણે તે iTune ની કોઇ ફાઇલમાં વાઇરસ હોવાનું જણાવીને ડિલિટ કરી નાખે છે અને iTune પણ એવું હઠીલું છે કે તે એક ફાઇલ વગર આગળ વધવા તૈયાર નથી. (છે કોઇ ઉપાય?) બીજી સમસ્યા: ડેસ્કટોપ ઉપરના icon ને તરછોડીને સિસ્ટમમાંથી ‘ક્રોમ’ અચાનક ગાયબ થઇ ગયું છે. કોઇ તો ગડબડ જરૂર હૈ…..

– ઘણાં દિવસથી લખાયેલી અને હવે ‘ડ્રાફ્ટ’માં વારંવાર નડતી એક ‘સણસણતી’ પોસ્ટને બે દિવસ પછી જાહેરમાં મુકવામાં આવશે. (કોઇને સવાલ થશે કે જો લખાયેલી જ પડી છે તો આજે જ પોસ્ટ કરી દેવામાં વાંધો શું છે? તો..કારણ આ રહ્યા…)

– ‘બે દિવસ’ વધારવાના ત્રણ કારણો છે;

  • કારણ ૧ – પોસ્ટમાં ઘણાંને ડામ લાગે તેવી વાતો છે એટલે તેને આજની સુવાળી વાતો સાથે રજુ કરવી ઠીક નથી લાગતું.
  • કારણ ૨ – એક જ દિવસમાં બે પોસ્ટ મુકીને સુજ્ઞ વાચક-જનો ઉપર માનસિક અત્યાચાર તો ન કરાય ને…. અને;
  • કારણ ૩ – બગીચાની હરીયાળીવાતોના શોખીનોને કાંટાળા બાવળની જેમ નડતી એ વાતોથી બે દિવસ વધુ છુટ આપવાનો મારો શુભ આશય. 🙂

Post - Oct'12 : અપડેટ્સ

13 thoughts on “Oct’12 : અપડેટ્સ

  1. @અનુરાગભાઇ, ફોટો અને વિડીયોનો તો હમણાંથી કોઇ માપ નથી રહ્યો… 360GBની એક પોર્ટેબલ ડ્રાઇવ આખી તેના નામે કરી દીધી છે અને તેનો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે તે જોતા લાગે છે કે એક વર્ષ સુધીમાં તો તે ‘હાઉસફુલ’ થઇ જશે.

    @કાર્તિકભાઇ, હવે જયારે અમદાવાદ આવો ત્યારે મુલાકાત પાક્કી. સ્થળ અને સમય તમે નક્કી કરો એ મુજબ. ફોટો તો ભુલાઇ જાય પણ મુલાકાત હંમેશા યાદ રહે !!
    અને એક ખાસનોંધ – આ પિતા ચા નથી પીતા.

    1. એતો એવું જ હોય! મેં તો અમારા ફોટા સાચવવા માટે એક અનલીમીટેડ સર્વર જ લઇ લીધું છે. એમાં ફોટો ગેલેરી બનાવી દીધી છે અને ફોટા ચડાવે રાખું છું.

    1. એ પણ કરી જોયું. install તો થઇ જાય છે પણ ફરી જયારે એન્ટીવાઇરસ સોફ્ટવેર ચાલુ કરો ત્યારે તે ફરી તેની ફાઇલ ડીલીટ કરી નાખે છે. એન્ટીવાઇરસને કાયમી બંધ રાખુ તો iTunesમાં કોઇ પ્રોબ્લેમ નથી થતો પણ તેને હંમેશ માટે બંધ રાખવું આ વાઇરસ-યુગમાં શક્ય નથી.

      અને ભઇલા, હજુ મારી આ કાચી જવાની જેવી ઉંમરમાં મને કાકા કહી દીધું તો દિલમાં થોડું લાગી આવ્યું છે હોં…..

      1. iTunes for Windows is the worst software I encountered in my life time 🙂 I never synced our iPhone/iPod after my Macbook went dead. I guess there is no need of it apart from copying songs etc. You can now update software (firmware/os) and apps using wifi. My prediction is that it’ll be obsolete in near future. Stay tuned!

બોલો, શું કહેવું છે તમારે...