લોકસભા ચુટણી – 2014 : અપડેટ્સ

– ઘણાં સમયથી દેશની રાજકીય પરિસ્થિતિ અને ઇલેક્શન વિશે લખવાનું વિચાર્યું હતું પણ કેટલાક કારણોસર તેને અમલમાં મુકવાનું રહી ગયું છે. પણ આજે તો મેં મારી જાતને ઓર્ડર આપ્યો છે કે ‘અબકી બાર, લીખ લો યાર!

– હા, ગુજરાતમાં મતદાનના દિવસે વિચાર્યું’તું કે આ બાબતે એકાદ પોસ્ટ ઢસડી નાંખીએ પણ પછી થયું કે આચારસંહિતાનું પાલન કરવું એ નેતાઓની સાથે-સાથે પબ્લીકની પણ ફરજ બને છે; એટલે તે દિવસે કંઇ કરવામાં ન આવ્યું. (એમ તો અમે કાયદાને બહુ માન આપીયે હોં…) પરંતુ આજે લાગે છે કે આવી પોસ્ટ માટે આચારસંહિતાનું બહાનું બતાવવું ઠીક નથી. તો હાજર છે વર્ષ 2014 લોકસભા ચુટણીની નોંધવા જેવી નાની-મોટી બાબતો. (અલબત્ત મારી નજરે)

– અત્યારે દેશમાં મતદાનની મોટાભાગની કામગીરી પુરી થઇ ગઇ છે અને હવે એક જ તબક્કાનું મતદાન બાકી છે, જે આજે પુરુ પણ થઇ જશે. આશા છે કે આ વખતે મતદારો કોઇ પક્ષની વોટબેંક બનવા કરતાં યોગ્ય નેતા-પક્ષને ઓળખીને તેમનો અમુલ્ય મત કોને આપવો તે નિર્ણય લીધો હશે. (અમે તો આવી આશા જ રાખી શકીએ.)

– આ વખતનું ઇલેક્શન ઘણી રીતે સ્પેશીયલ બની રહ્યું. સ્વાભાવિક રીતે અહી સવાલ ઉભો થાય કે, એ કઇ રીતે?…. જો જવાબ મેળવવામાં રસ હોય તો જ આગળ વાંચજો. (નહી તો ફરી મળીશું કોઇ નવી અપડેટ્સ વખતે.)

– ઓકે. દેશનું આ પ્રથમ ઇલેક્શન છે જેમાં બધા POLL (ગુજરાતીમાં બોલે તો.. આગમવાણી) અને રાજકીય વિશ્લેષકો કોઇ એક પક્ષ/વ્યક્તિ સત્તા સ્થાને પહોંચશે તે માટે સંપુર્ણ એકમત છે! (હવે યાર… તે પક્ષ/વ્યક્તિનું નામ પુછીને શરમાવશો નહી. )

– ઘણાં લાંબા સમય પછી એક ગુજરાતી દેશના સર્વોચ્ચ પદ માટે આગળ વધી રહ્યા છે અને હાલ તો તેમને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળતું દેખાઇ પણ રહ્યું છે તે જોઇને ગર્વ થાય તે સ્વાભાવિક છે. (જો કે કેટલાક ગુજરાતીઓ અંગત કારણોસર અમારા જેવો ગર્વ નથી અનુભવી શકતા તેઓ પ્રત્યે અમે સહાનુભૂતિ પણ ધરાવીએ છીએ.)

– ચુટણીમાં વિવાદોની શરૂઆત વિવિધ પક્ષોમાં ટિકીટની ફાળવણીના કારણે થઇ અને ત્યાર પછી આજસુધી સમગ્ર સમય દરમ્યાન નાના-મોટા વિવાદોથી રાજકીય વાતાવરણમાં ગરમાવો ફેલાયેલો રહ્યો. (આ ગરમાવાનું પ્રમાણ દેશમાં વધતી ગરમી સાથે-સાથે વધતું પણ ગયું!) સમાચાર માધ્યમોમાં પ્રાદેશીક કરતાં રાષ્ટ્રીય પક્ષો વધુ ચર્ચામાં રહ્યા.

– એક પક્ષ ચુટણી લડવાથી ભાગતા નેતાઓના કારણે તો એક પક્ષ ચુટણી લડવા માટે પડાપડી કરતા નેતાઓના કારણે ચર્ચામાં રહ્યો. એક નવો-નવો પક્ષ તેના મુખ્ય નેતાઓ દ્વારા પક્ષ છોડવાના કારણે પણ ચર્ચામાં રહ્યો. ઘણાં નેતાઓ પોતાનો પક્ષ બદલીને પણ ચર્ચામાં રહ્યા અને અડવાણીજી અગાઉની જેમ રિસાઇને ચર્ચામાં રહ્યા. અગાઉ કહેવાતું હતું કે અણ્ણા પણ આ વખતે ઇલેક્શનમાં મોટો ભાગ ભજવશે, પણ શરૂઆતમાં મમતાજીને સમર્થન આપ્યા બાદ એવા ખોવાઇ ગયા કે આજ સુધી તેમનો કોઇ પત્તો નથી મળતો.

– આ ઇલેક્શન જાણે એક નેતા વિરુધ્ધ સેકડો નેતાઓ દ્વારા લડવામાં આવી રહ્યું હોય એવો માહોલ ઉભો થયો અને વધુ નવાઇની વાત રહી કે આ એક નેતા બધા વિરોધીઓને એકસાથે ભારે પડી રહ્યા. અહી વિરોધીઓ પણ સ્વીકારશે કે આ ચુટણી સમય દરમ્યાન માત્ર એક વ્યક્તિ આખા દેશના જનમાનસમાં હાવી રહ્યા અને મોટાભાગની વાતો તેમની આસપાસ ફરતી રહી. (જનતા નોંધ લે કે અમે વ્યક્તિ કરતાં મુદ્દા આધારિત ચુટણીના પક્ષમાં વધુ છીએ.)

– દેશભરમાં આક્રમક પ્રચાર રણનીતિ અમલમાં મુકનાર ભાજપ પક્ષ ગુજરાતમાં મોદીની રેલીઓ સિવાય ચુટણી પ્રચાર માટે ટીવી-રેડિયો-હોર્ડિંગ સુધી વધારે સિમિત રહ્યો. લોકસંપર્કમાં ‘આપ’ અને કોંગ્રેસના નેતાઓ વધુ આગળ આવ્યા. (ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એકાદ બેઠક મળશે તો પણ મને નવાઇ લાગશે.)

priyanka-wadra-gandhi

– શ્રીમતી પ્રિયંકા વાડ્રા-ગાંધીએ અચાનક ભાઇ અને માં ના ઉમેદવારી ક્ષેત્રમાં પ્રચાર માટે મેદાનમાં આવીને ખેલ પાડી દીધો અને મારા આશ્ચર્ય સાથે પબ્લિકમાં તેણે સોનિયાજી-રાહુલ ગાંધી કરતાં વધુ પ્રભાવ ઉભો કર્યો! મને એ વાતનો અફસોસ છે કે કોંગ્રેસને આ યોધ્ધાના યુધ્ધ કૌશલ્યનો લાભ શરૂઆતથી અને રાષ્ટ્રીય સ્તરે મોટી સભાઓ દ્વારા લેતા ન આવડયું. હવે ગાંધી પરિવારના ભક્તોને પ્રિયંકામાં ઇન્દીરાનો બીજો અવતાર દેખાય તો નવાઇ લાગડવા જેવી નથી. (ભવિષ્ય આ માટે તૈયાર પણ રહે.)

વારાણસી અચાનક જ ચુટણીના રાજકારણનું કેન્દ્ર સ્થાન બન્યું. જો કે તેનો શ્રેય પણ ત્યાંથી ઉમેદવારી-પત્ર ભરનાર મોદીને જ જાય છે. ભાજપ માટે આ બેઠક મેળવવી પ્રતિષ્ઠાનો મુદ્દો છે; તો અન્ય પક્ષો માટે મોદીને આગળ વધતા અટકાવવો રસ્તો છે. જો કે મારા અંદાજ મુજબ આ બેઠક પર મોદીની જીત કરતા જીતના અંતરનો સવાલ વધુ મહત્વનો બનશે. જો કે અમેઠી અને રાયબરેલી બેઠક પર પણ પ્રતિષ્ઠાનો જંગ ખેલાઇ રહ્યો છે!

mulaya-akhilesh-omar-mamta-mayavati-jaylalitha-lalu-nitish

– પ્રાદેશિક તાકાત જેવી કે; યુ.પી.માં મોટા નાકવાળા બાપ-બેટાજી અને માયાજાળથી ભરપુર માયવતીજી, બિહારથી ગુસ્સો-ભરેલી આંખોવાળા નિતિશજી અને ગોટાળા કરી-કરીને ચુટણી લડવાની યોગ્યતા ખોઇ ચુકેલા લાલુજી, કાશ્મીરથી આખા દેશને બ્લેક્મેઇલ કરતાં નેશનલ કોન્ફરન્સવાળા બાપ-દિકરો અને પી.ડી.પી.વાળા બહેન મહેબુબાજી, બંગાળથી મારફાડ મમતાજી વગેરે વગેરે નેતાએ પણ તેમના કદ અનુસાર કેન્દ્ર સરકારમાં તેમની જગ્યા બનાવવામાં દિવસ-રાત એક કર્યા છે પણ આ વખતે તેઓ ખાસ ઉકાળી શકે એમ લાગતું નથી.

the accidental prime minister book
manmohan-sonia

મનમોહનજી હજુ દેશના વડાપ્રધાન તરીકે શોભી રહ્યા છે તે જ્ઞાન લગભગ દરેક લોકો ભુલી ગયા છે અથવા તો ભુલવા ઇચ્છી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે તેઓ આજકાલ પ્રધાનમંત્રી નિવાસમાં તેમનો સામાન પેક કરવામાં વ્યસ્ત છે. જો કે ચુટણીના સમયમાં જ સરકારના અંગત અધિકારીઓ દ્વારા મનમોહન સરકાર પર જે પુસ્તક બોંબ ફેંકવામાં આવ્યા છે તે તેમની માટે પડતાને પાટુ મારવા સમાન બન્યા છે અને તેની કળ વળવી પણ અઘરી છે.

– મનમોહનજી હજુ સુધી તે પુસ્તકોમાં જણાવેલી વાતો વિરુધ્ધ બોલ્યા નથી! બની શકે કે તેઓને હજુ બોલવાની છુટ ન આપવામાં આવી હોય અથવા તો દસ વર્ષ ચુપચાપ રહીને હવે તેઓ ખરેખર બોલવાનું ભુલી ચુક્યા હોય.. કારણ જે હોય તે પણ ભવિષ્યની પ્રજા આવા મુંગા પ્રધાનમંત્રી તરીકે મનમોહનજીને કયારેય માફ નહી કરી શકે. (હા બોલો, જનતા માફ નહી કરેગી..)

– પુસ્તકમાં ભલે છાપીને જાહેર કરવામાં આવ્યું હોય પણ ભારત દેશના (અને વિદેશના) દરેક વ્યક્તિઓ જાણે છે કે છેલ્લા દસ વર્ષની મનમોહન-સરકારનું રિમોર્ટ કોની પાસે હતું એટલે હવે તેને માત્ર ઓપન-સિક્રેટ કહી શકાય એમ છે. (તમને ખબર છે પણ તમે મને ન કહેતા અને મનેય ખબર છે પણ હું તમને નહી કહું.. ઓકે?)

– આજકાલ તો લગભગ દરેક નાની-મોટી ન્યુઝ ચેનલો, પ્રિન્ટ-ન્યુઝ હાઉસ અને પત્રકારો મોદીના ઇન્ટર્વ્યુ માટે પડાપડી કરી રહ્યા છે અને મોદી દરેકને મુલાકાત પણ આપી રહ્યા છે. જાણે ૧૬ મે નું પરિણામ શું આવશે તે બધાને એડવાન્સમાં ખબર પડી ગઇ હોય! (ઇન્ટર્વ્યુ સુધી ઠીક હતું પણ મોદી શું ખાય છે? શું પીવે છે? કયારે ઉઠે છે અને કયારે સુઇ જાય છે? કેવી કસરત કરે છે અને કેવી રીતે દિવસ પસાર કરે છે? વગેરે વગેરે પ્રોગ્રામથી લોકોને પરાણે મોદી-ભક્તિમાં જોતરી રહ્યા છે.)

– આ મુલાકાતોના દૌરમાં બીજા પક્ષના મુખ્ય નેતાઓ બિલકુલ ખોવાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે પત્રકારોને તેમની મુલાકાતમાં રસ નથી કે પછી નેતાઓને મુલાકાત આપવામાં રસ નથી તે સમજવું મારી માટે અઘરું નથી. (ઇચ્છુક વ્યક્તિ જાતે સંશોધન કરી લે તો સારું.)

– જો કે આ આક્ષેપ તો મોદી ઉપર પણ હતો કે તેઓ લોકસંપર્ક માટે મોટી-મોટી સભાઓ કરી રહ્યા છે, પરંતુ પત્રકારોને જવાબ આપતા નથી. પણ… આપ કી અદાલતમાં રજત શર્માને આપેલી એક મુલાકાતથી તેમણે બધા આક્ષેપોની સાથે-સાથે ઇન્ડીયા ટીવીની અને ન્યુઝ-મુલાકાત TRPના પણ રેકોર્ડ તોડી નાખ્યા (સાઇડટ્રેકઃ ઇન્ડીયા ટીવીને એક સમયે અમે ગપ્પા ટીવી તરીકે ઓળખતા) અને આ પછી તો નરેન્દ્ર મોદીની મુલાકાતોનું જાણે વાવાઝોડું આવી ગયું.

– મોદીએ પણ પત્રકારોની આ અધીરતાનો લાભ લઇને મીડિયા સાથે બરોબર બદલો પણ લઇ લીધો છે. હમણાં જ છેલ્લે-છેલ્લે એક ક્રાંતિકારી ચેનલે લીધેલા તેમના ઇન્ટર્વ્યુંમાં પત્રકારોએ તેમનો જે અનુભવ કર્યો છે તે જોઇને થતું હતું કે તે બંને બિચારા ચાલુ વાર્તાલાપ વચ્ચે સાહેબને પગે ન પડી જાય તો સારું..

– અરે હા, મોદીના આપ કી અદાલત વાળી મુલાકાત વખતે જ રાહુલ ગાંધીની એકમાત્ર એક્સક્લુઝિવ મુલાકાત રજુ થઇ પણ આપણાં કમનસીબે દેશના કહેવાતા રાજકુમાર નરેન્દ્ર મોદીના ચાહકોની આંધીમાં ભુલાઇ ગયા. તે પછી તેમનો કે તેમના તરફના કોઇ મોટા નેતાનો ઇન્ટર્વ્યુ જાહેરમાં ચર્ચાયો હોય એવું મારી જાણમાં નથી. (ઓકે, જુઓ… રાજઠાકરેને મોટા નેતા ન કહેવાય.)

– ૨૦૧૪ લોકસભા-ચુટણીના કુરુક્ષેત્રમાં ચાલતી રાજકીય લડાઇમાં કેજરીવાલ/આમ આદમી પાર્ટી નામક એક નાનકડી સત્તાએ પણ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે ઘણું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતાને/પોતાના પક્ષને અને પોતાના ઉમેદવારોને ‘સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ-નિષ્કલંક‘ ઓળખાવીને ગાદીએ બેસવા માટે માત્ર તેઓ જ યોગ્ય છે એવું મતદારોના મગજમાં ઠસાવવા પ્રયત્ન કર્યો છે. (સાચું-ખોટું તો મારો રામ જાણે…)

modi rahul kejriwal– મોદી સાહેબ રાહુલજીનો ગઢ ફતેહ કરવા અમેઠી ફરી વળ્યાના સમાચાર છે અને બદલો લેવા રાહુલજી  વારાણસીમાં રોડ શો કરી આવ્યા છે! (આ રોડ શો થી યાદ આવ્યું કે એકસો-દસ ટકા શુધ્ધ રાજકારણી અને ઉચ્ચ રાજકીય નિતિમત્તા ધરાવતા શ્રી કેજરીવાલજી એ પણ વારાણસીમાં ઘણાં ચપ્પલ ઘસ્યાં છે!)

– મારે અહી નોંધવું જોઇએ કે આ સજ્જને એક સમયે મારી ઉપર ખાસ્સો પ્રભાવ પાડ્યો હતો, પણ તે બધી ઇજ્જત તેણે દિલ્લીના મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસીને કરેલા કારસ્તાનોમાં ખોઇ નાખી અને તેમના માટે જે થોડીઘણી આબરૂ મારા મનમાં બચી હતી તે બધી તેમણે દિલ્લી સરકારમાંથી રાજીનામું આપીને મુખ્યમંત્રીની ખુરશીની જેમ ગુમાવી દીધી. (હવે અમે આ પક્ષ/વ્યક્તિ વિશે જરાયે આશાવાદી નથી.)

– એક વાત નોંધી રાખજો, ઇતિહાસ આ વ્યક્તિને ‘હોંશિયાર મુર્ખ‘ના રૂપમાં યાદ કરશે. જો આ સજ્જન થોડો સમય પણ દિલ્લી ઉપર સ્થિરતાથી ટકયા હોત અને પ્રજાકલ્યાણમાં સાચા-ખોટા કામ કરી દીધા હોત તો મોદીની લહેરને ચીરનારા મહાન વ્યક્તિ સાબિત થયા હોત અને લોકસભાની આ ચુટણીમાં એક મજબુત પક્ષ તરીકે બહાર આવ્યા હોત. પણ…. આખો લાડવો ખાવાના ચક્કરમાં આ ભાઇએ ભાગે આવેલો નાનો ટુકડો પણ ગુમાવ્યો છે. તેમણે મળેલી તકને જે બેવકુફીથી વેડફી છે તે જોઇને ભલભલા ધુરંધરો હવે તેને સાથ આપતા પહેલા સો વખત વિચારશે. (તેને માથે ચઢાવીને મોટો-ભા બનાવનાર મીડીયાએ પણ અત્યારે તેનાથી મોઢું ફેરવી લીધું છે.)

Rakhi-Sawant– ઓહ! એક ન્યુઝ આ પણ છે કે, આ વખતે ઇલેક્શનમાં ‘લીલી મિર્ચી‘ ના ચુટણી પ્રતિક સાથે સુ.શ્રી. કુમારી રાખીજી (આ દેવીને ન ઓળખ્યા ને? યાર.. આપણી રાખી સાવંત!) પણ મેદાનમાં છે. આ બહેનના કારણે પબ્લીકે સર્વાનુમતે શ્રી કેજરીવાલને આપેલું ‘રાજકારણના રાખી સાવંત’નું નામ પાછું લેવું પડયું બોલો…

– એકાદ રસ્તો ભુલેલા ટીવી ચેનલના પત્રકાર કે મનોરંજનના રિપોર્ટર-લોગ સિવાય કોઇ આ બહેનને પુછવા ગયા હોય એવું સંસ્થાના ધ્યાનમાં નથી. જો કે આ પક્ષે લોકો વચ્ચે જવાની અને થોડીઘણી નિરર્થક મહેનત કરી હોવાના સમાચાર પણ છે. (અત્રે સંસ્થા ઉમેદવારના દેશસેવાના જોશને બિરદાવે છે; પણ માત્ર જોશથી દેશ ન ચાલે, તેમાં હોશ અને અક્કલ પણ જરૂરી છે.)

પબ્લીકની ક્રિએટીવીટી આખા ઇલેક્શન દરમ્યાન ઉડીને આંખે વળગે એવી રહી છે. સોશિયલ મીડીયાથી જોડાયેલા લોકોને આ વિશે ખ્યાલ તો હશે જ. ન્યુઝ-ચેનલો પણ નવાં-નવાં અખતરાઓ કરીને ચુટણી-સમાચારો વચ્ચે પબ્લીકને મનોરંજન પુરુ પાડવાનું કામ કર્યું. આ વખતે રાજકીય પક્ષોએ સમગ્ર દેશ-શહેરોના ટીવી-રેડીયો-પ્રિન્ટ-હોર્ડીંગમાં જે જાહેરાતોનો મારો ચલાવ્યો હતો તેણે તો હદ કરી નાખી હતી અને તે બધું કયારેક તો માનસિક ત્રાસરૂપ લાગ્યું. (મોટા તો ઠીક, પણ નાના-નાના છોકરાઓ પણ હવે ‘અબકી બાર….’ શીખી ગયા છે!)

– ચુટણી દરમ્યાન ચા અને ચાયવાલા શબ્દ ચર્ચામાં વધુ રહ્યા અને મોદીએ તેમની સ્ટાઇલ મુજબ તેનો ભરપુર લાભ પણ લીધો. નરેન્દ્ર મોદીના પત્ની વગર કારણે ચર્ચાનો મુદ્દો બન્યા અને આવી વાતોને મુદ્દો બનાવનાર શ્રી દિગ્વિજય સિંહે પોતાની અંગત વાત જાહેર થતા પબ્લીકને નેતાની ‘પ્રાઇવેટ લાઇફ’માં દખલ ન દેવાની ચેતવણી આપી!

– છેલ્લા પ્રચાર દિવસોમાં મોદીની જાતિ અને ‘નીચ’ શબ્દ પણ વધુ ચર્ચામાં રહ્યા. (કેટલાક એવા શબ્દો પણ ચર્ચામાં રહ્યા છે જેને મારા બગીચાના સેન્સર બોર્ડ દ્વારા વાચકોના માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અહી રજુ થતા અટકાવવામાં આવ્યા છે.)

– લગભગ દરેક જગ્યાએ ધાર્યા મુજબ બંપર વોટીંગ થયું છે અને તે માટે મતદારો અભિનંદનને પાત્ર છે. આ વખતે ચુટણીપંચે પણ સોલિડ તાકાત સાથે આપણાં બગડેલા નેતાઓને હેન્ડલ કર્યા તે બદલ તેમને પણ અભિનંદન આપુ છું.

– મતદાન કરવું એ માત્ર હક જ નથી, દરેક નાગરિકની ફરજ પણ છે. દેશના લોકો શું ઇચ્છે છે તે તો આખરે ૧૬ મે ના દિવસે જ જાણી શકાશે. જે-તે પક્ષના કાર્યકરો અને નેતાઓ પણ પરિણામના ઇંતઝારમાં ચુટણી પ્રચારનો થાક ઉતારી રહ્યા છે.

– મારો બગીચો અને હું આ ઐતિહાસિક સમય દરમ્યાન આપ સૌની વચ્ચે હયાત છીએ અને આ બધી વાતોને સંસ્મરણોમાં નોંધી રહ્યા છીએ તે પણ મારી માટે એક મહત્વની વાત છે. મેં ચુટણી માટે નેતાઓનો આવો પ્રચાર અને ચુટણીમાં સીધા જ દેશના સર્વોચ્ચ પદ માટે વિચારતી પબ્લીકને આ વખતે પહેલીવાર જોઇ છે. (બની શકે કે અગાઉની ચુટણીઓ દરમ્યાન આવી નોંધ લેવા જેવી મારી સમજણ ન હોય!)

– કોનો ગઢ ટકે છે, કોની હવા બગડે છે, કોણ અપસેટ સર્જે છે અને કોણ નવા વિક્રમ સ્થાપે છે, તે બધું આવનારા દિવસો કહી જ દેશે પણ રાજકારણમાં થોડોઘણો રસ હોવાના કારણે આ ઇલેશકન મારી અત્યાર સુધીની લાઇફનું એક સોલિડ સ્ટેશન જરૂર બન્યું છે કે જેણે મારી અંદર ફરી એક નવી ઇચ્છા જગાવી છે! (જુઓ – ઇચ્છાઓનું પાનું)

– હવે આ મુદ્દે વધુ માહિતી કે અપડેટ્સ ચુટણીના પરિણામ પછી જ નોંધવાનો વિચાર છે. મારા બગીચામાં આજસુધી નોંધાયેલી દરેક વાતોમાં આ સૌથી લાંબી વાત હશે. જો કે આ વાતોને પણ બળજબરીથી ટુંકાવીને અહી સુધી અટકાવવામાં આવી રહી છે. (જેની વાચકગણ ખાસ નોંધ લે.)

– જે કોઇ ખરેખર ઉપર લખેલું બધું વાંચીને અહીસુધી આવ્યા છે તે બધા મિત્રો-વડીલો અભિનંદન-આભારને પાત્ર છે અને જે લોકોએ લખાણની લંબાઇના આધારે તેને ન વાંચવાનો નિર્ણય લઇને માત્ર આ છેલ્લો ફકરો વાંચી રહ્યા છે તે લોકોના શાણપણને પણ હું પ્રણામ કરું છું! 🙏

– જય હો….

7 thoughts on “લોકસભા ચુટણી – 2014 : અપડેટ્સ

  1. લોકસભા ચુટણી ૨૦૧૪ નિ ટુકી પણ રસપ્રદ માહિતિ માટે આભર.કેટ્લા વર્સ્સો થયે દેશ નિ સ્થિતિ આમ જ છે તો જનતા ક્યરેક તો બદ્લાવ માંગે કે નૈ? જોઇએ હવે ૧૬ તારિખ શુ લાવે છે આપણા માટે…. બાકિ તો રાજ્કારણ ના રંગે રંગાઇ ને અત્યારે સારા લાગતા ઉમેદ્વારો પણ બદ્લાય જતા હોય છે.(શુ થાય સત્તા નો નશો જ જ કૈ ક ઔર છે.) જે થાય એ પણ આશા રાખિયે કે આપણુ સારુ થાય…… 🙂

  2. વાહ શુ મસ્ત વિશ્લેષણ,, તમે પણ બાકી મોદી ની જેમ સારી એવી આવડત ધરાવો છો… મજા નો લેખ..
    અને ખાસ તો…
    “જે કોઇ ખરેખર ઉપર લખેલું બધું વાંચીને અહીસુધી આવ્યા છે તે બધા મિત્રો-વડીલો અભિનંદન અને આભારને પાત્ર છે અને જે લોકોએ લખાણની લંબાઇના આધારે તેને ન વાંચવાનો નિર્ણય લઇને માત્ર આ છેલ્લો ફકરો વાંચી રહ્યા છે તે લોકોના શાણપણને પણ હું પ્રણામ કરું છું!”” મજા પડી ગઈ… લ્યો ત્યારે મળીશું ૧૬may પછી,,,,

બોલો, શું કહેવું છે તમારે...