સમયચક્ર એટલું ફરી ગયું છે કે અહીં લખ્યાની શરૂઆત કરી તે વ્યક્તિ સાથે હું પોતાને કનેક્ટ કરી શકતો નથી. ઈચ્છા નથી છતાંયે આજે ઉંમર, વિચારો અને એક અજાણ્યા ડર વિશે નોંધ કરવી છે. આ ડરને મનોમંથન કે મનોસ્થિતિ પણ કહી શકાય. શબ્દોની જાળમાં ફસાવું નથી, આજે બસ લખવું છે.
આજે વર્ષ ૨૦૮૧, મહા સુદ ચૌદસનો દિવસ અને અંગ્રેજી વર્ષ ૨૦૨૫, માસ ફેબ્રુઆરીની ૧૧મી તારીખ છે. બે મહિના પછી મારો જન્મદિવસ આવશે. ઉંમરનો વર્ષ આધારે માપ બતાવતો આંકડો ચાલીસીની શ્રેણીમાં પ્રવેશ કરશે! બાળકની જેમ હનુમાન ચાલીસા સાંભળતા-સાંભળતા પોતે ચાલીસ સુધી પહોંચી આવ્યા છીએ એનો અહેસાસ થઈ રહ્યો છે.
આજે પોતાને કોઈ એવી ઉંમરમાં જતા જોઈ રહ્યો છું, જેમાં હવે જીવનની સીડી ઉપરની જગ્યાએ જવાને બદલે નીચે જઈ રહી હોય. મારો સૂરજ મધ્યાહન-કાળ વિતાવીને હવે આથમવાની દિશા તરફ વધી રહ્યો છે. શારીરિક ફેરફાર તો હજુયે નજરે નથી આવતા, પણ વર્તન અને વ્યવહારમાં ફેરફાર એટલા બધા છે કે લખવા બેસું તો આ પોસ્ટ પૂરી નહીં થાય.
ફેરફારની નોંધ તરીકે એક-બે વાત તો ખાસ લખીશ; હવે લોકો સાથે હવે તર્ક-વિતર્ક કરવાનો મને થાક લાગી રહ્યો છે. મારો બળવાખોર સ્વભાવ હવે કુતર્ક આગળ પણ મને શાંત રહેવા મનાવી લે છે. મારું કોઈ એક વિષયને વળગીને તેની પર ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર રહેતું મન હવે ચર્ચાથી દૂર ભાગી રહ્યું છે. મને આ બધાથી જાણે કંટાળો આવી રહ્યો છે.
ઘણું બધું કરવું હતું, એમાંથી શું શું પૂરું થશે તેનો હિસાબ અંદર શરૂ થઈ ગયો છે. એક ડર ફેલાઈ રહ્યો છે કે સમય ભાગી તો નહીં જાય ને? હજુ થોડા વર્ષ પહેલાં વીસ-એકવીસ આસપાસ હતા અને હવે અચાનક ચાલીસ ક્યાંથી આવી ગયા. ટીવી વગરના દિવસો જોયા છે અમે અને આજે AI નો જમાનો આવી ગયો છે. સમય તો લીધો છે આ સંસારમાં પણ ખબર નહીં કેમ જલ્દી વીતી ગયો એ સમજાતુ નથી.
વ્રજ અને નાયરા તો હજુ નાના છે, પરંતુ મારા મિત્રોના દીકરા-દીકરીઓ હવે સગાઈ અને લગન બંધનમાં જોડાઈ રહ્યા છે. તેઓ વેવાઈની શ્રેણીમાં પ્રવેશી ચૂક્યા છે અને લગભગ ત્યારે તેમની સાથે હું પણ એવા વર્તનમાં જોડાઈ રહ્યો છું. આ બધું મને સખત વિચિત્ર લાગી રહ્યું છે. મારું મન કહે છે કે હજુ ઘણી વાર છે ભાઈ અને આ મારું મગજ બધું સ્વીકારવા તૈયાર થઈને બેઠું છે. મગજ પ્રેક્ટિકલ વધારે છે. મન મારું માસૂમ વધારે છે. મનોમંથન એ ચાલે છે કે મન આધારે રહેવું કે મગજ કહે એમ થવા દેવું.
સમયના વમળો અને કામના બોજ વચ્ચે જેને ભૂલી ગયા છીએ એવા વેલેન્ટાઇન-વીકમાં આ કાચા-કુમળા કૉલેજિયન છોકરા-છોકરીઓને મળતા જોઈને સવાલ જાગે કે, આ બાળકોની આ ઉંમર છે આ બધું કરવાની?.. અને બીજી જ ક્ષણે મગજ નિર્ણય આપી દે… “ભાઈ, આ જ તો ઉંમર હોય છે!!” જો પછી થોડાક વિચારો ઉમેરું એમાં તો મારું જ મગજ મને વૃદ્ધ જાહેર કરીને મને ગભરાવી દે છે. આગળ જે ફેરફારોની વાત હતી તે લગભગ આવા ફેરફારો ધમાલ મચાવી રાખી છે.
એમ તો લાગતું નથી કે અમે એમ જલ્દી વૃદ્ધતા પામીએ. જવાની નો સમય ચોક્કસ ઓછો થઈ રહ્યો છે, પણ પણ પણ… બુઢ્ઢા થવાનેય એટલી જ વાર છે, દોસ્ત! હા, એ વાત અલગ છે કે હવે હું “કહું છું જવાનીને, પાછી વળી જા…” ગીત ફિલિંગ સાથે સાંભળી રહ્યો છું. 🙂
સાઇડટ્રેક: મને કુંભ મેળામાં સ્નાન કરવા જવાની ઈચ્છા થાય છે. કોણ માનશે?