અત્યારે રાત્રિના ૧ વાગ્યાનો સમય છે અને લખવા બેઠો છું; એટલે આજની પોસ્ટમાં તારીખ ૨૨ જુલાઇ દેખાય છે. (આ ચોખવટ એટલા માટે કે કોઇ જાણકારને એમ લાગશે કે મે તારીખ લખવામાં ભુલ કરી છે.)
સવારથી જે મથામણમાં પડયો હતો તે ફેસબુક પેજ બની ગયું છે. મુલાકાત લેવી હોય તો અહી ક્લીક કરશો – મારો બગીચો (ક્લિક કર્યા બાદ નવી વિન્ડોમાં પેજ ખુલશે.)
હવે હું નવા-નવા ગતકડાંઓ પણ શીખી રહ્યો છું. મે જોયું કે આ બ્લોગની મફત જાહેરાત કરી આપવા માટે ફેસબુકવાળા તૈયાર છે તો ફાયદો કેમ ના લઇએ? અને એમાય હું રહ્યો અમદાવાદી, મફત અને નમતું મળે તો હંમેશા તૈયાર!! 😇 #મજાક
થોડી જ વારમાં પેજ બની ગયું… જો કે તેમાં માહિતી ઉમેરતાં સમય લાગ્યો. ફેસબુક પેજ તૈયાર થયું તો લાગ્યું કે આ બ્લોગમાં તેની લીંક ઉમેરી દઇએ. Widgets માં જોયું તો ફેસબુક-પેજ માટે તૈયાર માલ હાજર હતો; જરુર હતી માત્ર તેમાં પેજની લીંક ઉમેરવાની. કામ ઘણું સરળ બની ગયું.
FB-પેજમાં લોકો ‘Like’ કરીને જોડાઇ શકે છે. પેજના પોતાના username માટે ૨૫ લોકો જોડાય તે જરુરી હોય છે. વિચાર્યું હતું કે એકાદ મહિનામાં તો ૨૫ લોકો જોડાઇ જશે, પણ મારા આશ્ચર્ય સામે એક જ દિવસમાં ૨૮ લોકો જોડાઇ ગયા. મને બહુ આનંદ થયો કે લોકો મારી વાત પર કેટલો બધો ભરોસો મુકે છે! (જો કે હું મને મળતા Page-invitation માથી ભાગ્યેજ કોઇની સાથે જોડાતો હોઉ છું.)
ગુગલ+ નામનું નવું ગતકડું વેબ-દુનીયામાં આવ્યું છે એવું સાંભળ્યું હતું; આજે ફેસબુક ફ્રેન્ડના સ્ટેટસથી ગુગલ+ માં જોડાવાની ઇચ્છા થઇ આવી. વેબસાઇટની મુલાકાત લીધી તો ત્યાં લાલ પાટીયું જોયું કે અહી મારા જેવી નવરી બજારોને એમ જ જવા દેવામાં નહી આવે. જો કોઇ ભેરું1 સાદ દઇને બોલાવે તો જ મને ત્યાં ઘુસવાની પરવાનગી મળે. પછી થાય શું? પેલા ભાઇને જ પકડયા અને કહ્યું – “ભાઇ, મને તો ત્યાં બોલાવો!! એકલા-એકલા શું આનંદ લેતા હશો?” – એમણે મને તુરંત આવકાર વિનંતી મોકલી આપી ને ઘણી સમજદારી દાખવી! 😋 (ખોટુ ના લગાડશો યાર.. આ તો બે ઘડી ની ગમ્મત.. 🙏 )
પછી તો ગુગલ+ માં શાનદાર એન્ટ્રી મારી. ઘણુંખરું ફેસબુક જેવું જ લાગે છે, કયાંક ફરક પણ દેખાય છે. ગુગલવાળાઓ એ બનાવ્યું છે તો કંઇક તો ખાસ મુકયું જ હશે. શોધવું પડશે. હાલ તો સેટીંગ્સ અને પ્રોફાઇલને ‘સેટ‘ કરી છે. તેનો ઉપયોગ કે અખતરો કાલે કરવામાં આવશે.
દિવસ દરમ્યાન તો કંઇ નોંધદાયક નથી બન્યું. વાતાવરણ હજુયે વાદયછાયું જ છે અને બફારો જબરદસ્ત છે. એક મિનિટ પંખા કે એ.સી. વગર ન રહી શકાય. આજે ફરી વસ્ત્રાપુર તળાવની મુલાકાત લીધી. (એકલા-એકલા જ સ્તો.. મારી સાથે આવવા કોણ નવરું છે?)
થોડા ફોટો ક્લીક કર્યા છે; તેને પછીની પોસ્ટમાં મુકીશ. આજે હવે ઘણું મોડુ થયું છે તો અહી અટકુ છું.
આવજો મિત્રો..
વસ્ત્રાપુર તળાવ, એ પણ એકલા એકલા? બોરીંગ જગ્યા છે, યાર.
કાર્તિકભાઇ, સાચું કહુ તો ત્યાં મેડમજી સાથે ત્યાં જવામાં મજા નથી અને બીજુ તો કોણ આવે મારી સાથે…!!! અને હવે ભલે તે જગ્યા બોરીંગ હોય પણ એક સમય હતો જયારે મે ત્યાં ખાસ મિત્રો સાથે ઘણો “અંગત” સમય વિતાવેલો છે.. ઘણી વાતો કરી છે યાર.. બસ, આજે પણ એ જ યાદોને ફરી જીવવા ત્યાં જતો હોઉ છું. હું ત્યાં હોઉ ત્યારે મારી યાદો મારી સાથે હોય છે જે એકલો ન પડવા દે… તમે પણ કયાંક કોઇ સાથે આવો સમય વિતાવ્યો જ હશે, એકવાર તે જગ્યાની એકલા મુલાકાત લેજો.. બહુ મજા આવશે. ભુતકાળને ફરી જીવવાની મજા અનેરી હોય છે..
કેમ છો ભાઈ!!!? તમારી દિનચર્યા સમય મળ્યે વાચું છું. મને ગમે છે..એક ફરિયાદ છે,કે તમે રોજ રોજ ની દિનચર્યા કેમ નથી લખતાં?આપણો પરિચય એવો નથી કે હું આપને પ્રશ્ન કરી શકું છતાં હિંમત કરી નાખી.
શ્રી ચંદ્રકાંતભાઇ, જીવનમાં અત્યારે હરિયાળી છે અને કોણ કહે છે કે આપણો પરિચય નથી.. આપણે તો હવે મિત્રતાના સંબંધથી જોડાયેલા છીએ તો પછી મિત્રને કંઇ પુછવામાં સંકોચ નહી કરવાનો…
રોજ લખવાની ઇચ્છા તો મારી પણ હોય છે પણ કામકાજના સમય પછી એટલો સમય નથી રહેતો કે નિયમિત લખી શકાય. શારીરિક થાક જેવી માનવીય મર્યાદાઓ પણ નડે છે. છતાંયે આપના જેવા મિત્રો ઉત્સાહ વધારતા રહેશો તો નિયમિત લખવાનો આનંદ રહેશે.
આપ અહી આવો છો તે જ મારી માટે ઘણું છે.. આવતા રહેજો. આભાર.