~ એકવાર ફરી ઘણાં દિવસે અહી હાજરી પુરાવવા આવ્યો છું. (કેટલાકને તો હવે એવું લાગતું હશે કે આ મારો કાયમી ડાયલોગ છે!)
~ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિક્કાર લગ્નો રહ્યા. અમે તો એક ગામ થી બીજે ગામ અને વચ્ચે કયારેક-કયારેક ઘરે પણ કુદકા મારતા રહ્યા. ઠંડી આવીને ચાલી ગઇ હતી પણ વળી બે દિવસથી ચમકતી જણાય છે. (ભલું થજો કમુરતાનું કે જેણે હવે લગ્નોથી થોડી રાહત આપી છે.)
~ વ્રજના પરાક્રમો દિવસે-ને-દિવસે વધી રહ્યા છે. લગ્નોએ તેનું ટાઇમટેબલ પણ બગાડી નાખ્યું છે પણ તે બિમાર નથી પડયો એટલી શાંતિ છે. વળી એકવાર તેને કોઇ રસી અપાવવામાં આવી છે. મેડમજી તો તેની પાછળ દોડી-દોડીને હવે થાકે છે અને તેના પછી થાકવાનો વારો મારો હોય છે. (પણ એ નથી થાકતો! જો તેને મજા આવતી હોય તો અમને આમ થાકવાનો પણ આનંદ છે. એકંદરે તેને એક ખુશમિજાજ પણ થોડો તોફાની છોકરો કહી શકાય.)
~ આમ તો ખાસ ડિમાન્ડ નથી તેમ છતાંયે અગાઉ જાહેરાત મુજબ અમારી ચંપાનો ટકા-ટક ફોટો ચોક્કસ મુકવામાં આવશે. (કમસેકમ અહી યાદગીરીમાં તો સચવાઇ રહેશે.)
~ સરસ સમાચાર: અમદાવાદ ટ્રાફિક પોલિસ હવે શહેરીજનોની સેવા-સુવિધા-સુચન અને ફરિયાદ માટે Whatsapp પર 24 x 7 હાજર રહેશે! જો આપને કોઇ જગ્યાએ ટ્રાફિકજામ/અકસ્માત કે રોડ પરની અસગવડતા અંગે ફરિયાદ કરવી હોય તો તમે 9979921095 નંબર પર અમદાવાદ ટ્રાફિક પોલીસનો સીધો સંપર્ક કરી શકો છો અથવા તો જે-તે ઘટનાનો ફોટો કે વિડીયો મોકલી શકો છો.
~ ટ્રાફિક પોલીસ દ્વારા આવા સુચનો કે ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાનો અને ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવાનો વાયદો આપવામાં આવ્યો છે. (…તો અમદાવાદીઓ તુટી પડો! 🙂 પણ મહેરબાની કરીને તેમને પેલા ચવાયેલા મેસેજ/વિડીયો ફોરવર્ડ ન કરતા.)
~ થોડા દિવસો પહેલા હેપ્પી ફેમીલી પ્રા. લી. ટાઈટલવાળી ગુજરાતી ફિલ્મ જોવામાં આવી. ગુજરાતી ફિલ્મોમાં ફરી એકવાર નવો ટચ જોવા મળ્યો!
~ આમ તો આ ફિલ્મ વિશે વિસ્તૃતમાં લખવું છે, પણ તેનો અમલ થાય તે પહેલા ભુલાઇ જવાની સંભાવના વધુ છે. એટલે તે અંગે હમણાં જ લખવાનો વિચાર કરું છું અને તે પોસ્ટ બે-ચાર દિવસમાં રજુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. (ખાસ નોંધ: આ હજુ સંભાવના જ છે.)
~ હમણાંથી જે રીતે વિચારોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે તેનું પ્રમાણ જોતા એવું લાગે છે કે મારે કોઇ નવા વિચારો ન કરવા જોઇએ અથવા તો નક્કી કરેલા વિચારને તુરંત અમલમાં મુકવા જોઇએ. (એમ તો આ પણ એક વિચાર જ થયો ને! 😉 )
~ અગાઉ મારા બગીચામાં જે નવા વિભાગ કે વિષય અંગે લખવાની જાહેરાત કરી હતી તે હવે કોઇને સરકારી જાહેરાત જેવી લાગતી હોય તો તે બદલ હું દિલગીર છું. સમય મળતો નથી એમ કહીશ તો તે કદાચ ખોટું કહેવાશે, કેમ કે સમય તો હોય છે પણ તેને અન્ય જગ્યાએ ફાળવી દેવાના કારણે જાહેરાતોને અમલમાં મુકી શકાતી નથી. (નોંધ: આ જાહેરાતોને કોઇ નેતા કે પક્ષની ચુટણી જાહેરાતો સાથે ન સરખાવવા ખાસ વિનંતી.)
~ ચુટણીથી યાદ આવ્યું કે આજકાલ ‘આપ‘ (બોલે તો, આમ આદમી પાર્ટી) ઘણી ચર્ચામાં છે! મારા અંદાજ વિરુધ્ધ અત્યારે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે તે જોઇને નવાઇ લાગે છે; પરંતુ ચુટણીમાં વિજય બાદ જે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે તે જોઇને વધુ નવાઇ લાગે છે!! (આપના નેતાઓમાં રાજકીય કુનેહ-આવડત અને અનુભવનો કચાસ ચોખ્ખો દેખાઇ આવે છે.)
~ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ પક્ષ, AAP દ્વારા વારંવાર અપમાનિત થઇને પણ, જે રીતે તેમને બિનશરતી સમર્થન આપી રહ્યો છે! કેજરીવાલ ભલે સરકાર બનાવવા અંગે લોકમત માંગે પણ ફરીવાર ચુટણી યોજવી ન પડે એ પણ એક મજબુત મુદ્દો છે, જેને સૌએ ધ્યાનમાં રાખવો જોઇએ.
~ ઉપરાંત ભાજપે જે રીતે સૌથી મોટા વિજયી પક્ષ હોવા છતાં તોડ-જોડ ન કરીને એક નવીસવી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું તે જોઇને તો મારું દિલ દેશમાં અભુતપુર્વ રાજકીય ભાઇચારાની લાગણીઓથી ભરાઇ આવ્યું!! (ભારતની લોકશાહીમાં કયારેક આવો દિવસ પણ આવશે તેની કોઇએ કલ્પના નહી કરી હોય!)
~ હોઇ શકે કે ભાજપ લોકોને બતાવવા માંગતો હોય કે તે કેટલો શુધ્ધ પક્ષ છે અથવા તો આમ આદમી પાર્ટીએ લોકોને જે આસમાની વાયદા આપ્યા છે, તેમાં કેટલી સચ્ચાઇ છે તે જતાવવા ઇચ્છતો હોય. કારણ જે હોય તે પણ એક નવી-સવી પાર્ટીએ વર્ષો જુના રાજકારણના અને રાજનીતિના સમીકરણો બદલી નાંખ્યા છે તે વાત તો સ્વીકારવી જ પડે. (થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી.)
~ ભાજપે અન્ય રાજ્યોમાં જે શાનદાર વિજય નોંધાવ્યો તેને માત્ર આ એક પાર્ટીએ ઝાંખો પાડી દીધો છે. આજકાલ તો બધે તેની જ ચર્ચા છે. જોઇએ સોમવારે શું નિર્ણય આવે છે. લગભગ શ્રી કેજરીવાલ સરકાર બનાવે તેવી સ્થિતિ છે. જો કે તેમના વાયદાઓનું લિસ્ટ જોઇએ તો લાગતું નથી કે તેઓ એક-બે સિવાય કોઇને પુરા કરી શકે. આશા રાખીએ કે તેઓ મહત્તમ કાર્ય કરી બતાવે. (કદાચ આ ડર અરવિંદભાઇને પણ હશે જ, એટલે જ તો સરકાર બનાવવાથી પણ કતરાઇ રહ્યા છે; પણ આ તો હવે પબ્લીક ડિમાન્ડ છે એટલે સ્વીકાર્યા વિના છુટકો જ નથી.)
~ લોકપાલ બીલ પુરપાટ ગતિથી આગળ વધી રહ્યું છે અને અણ્ણા-કેજરીવાલના બગડેલા સંબંધો એટલી જ ગતિથી વધુ બગડી રહ્યા છે. કોઇને લોકપાલ મજબુત લાગે છે તો કોઇને જોકપાલ લાગે છે. જે હોય તે પણ આ દિશામાં એક કદમ આગળ વધ્યા તે મારે મન એક મહત્વની વાત છે. (ફરી એકવાર ખાસ નોંધઃ હું અણ્ણાનો સમર્થક છું પણ અરવિંદ કેજરીવાલનો વિરોધી નથી1 અને હું કોંગ્રેસ કે ભાજપનો કાર્યકર નથી પણ મોદીનો ચાહક છું.)
~ આજકાલ પેલા અમેરિકાવાળા દેવયાનીબેન ઘણાં ચર્ચામાં છે, પણ તે વિષયે મને વધુ જ્ઞાન નથી એટલે મારી ઓછી અક્કલનું પ્રદર્શન અત્યારે કરવું ઠીક નથી લાગતું. (નિષ્ણાંતોના મત અને સત્ય જાણ્યા બાદ જ આ મુદ્દે અહી વિશેષ ટીપ્પણી કરવામાં આવશે.)
~ વળી રાજકીય વાતો ઘણી થઇ ગઇ. મારા વિચારો ઘણાં બદલાઇ ગયા છે તેનું પણ આ કારણ હોઇ શકે અને આજે પણ પોસ્ટ લાંબી થઇ ગઇ છે એટલે અત્રે વિરામની ઘોષણા કરું છું.
~ જે મિત્રો/વડીલોના ઇમેલ મારા જવાબની રાહ જોઇ રહ્યા છે તેમને હજુ થોડી વધુ રાહ જોવી પડશે એમ લાગે છે. તે બદલ તેમની ક્ષમાની આશા છે. (લગભગ હજુ એક અઠવાડીયા પછી તે બધા ઇમેલને ન્યાય આપવાનો વિચાર છે.)
~ શરીરમાં સ્વસ્થતા છે. મનમાં શાંતિ છે. દોડવાનું ભુલાઇ ગયું છે. કામકાજના વિષય અને દિશાઓ બદલાઇ ચુકી છે, પણ ચારે તરફ બધું આનંદમંગલ છે અને હું ખુશ છું. (બીજું શું જોઇએ…)
~ આપ સૌ પણ ખુશ રહો એવી શુભકામનાઓ સહ, આવજો.