અપડેટ્સ-46 [Dec’14]

– આજે અહી આવીને એમ લાગે છે કે જાણે હું કોઇ લાંબા વેકેશન ઉપર ગયો હતો! (કોઇને શંકા હોય તો જાણી લેશો કે તે માત્ર એક અફવા છે.) આટલા દિવસ ક્યાં ગયા તેની ચોખવટ કરી શકાય એવું કોઇ બહાનું પણ અત્યારે યાદ નથી આવતું. (હા, હું કોઇને કોઇ બહાનું તો શોધી જ લઇશ.)

– આમ તો ડિસેમ્બરમાં અહી કંઇ લખવા આવીશ એવી શક્યતાઓ નહિવત જ હતી, પણ આજે અચાનક નિંદ્રાદેવીના શ્રાપ થકી મને અહીયા કંઇક ઉમેરવાનો મોકો મળ્યો! જે થયું તે, હવે પરમ કૃપાળુ નિંદ્રાદેવીની જય હો! (ના.. હું ઉંઘમાં નથી લખી રહ્યો; આ તો ઉંઘ નથી આવતી એટલે થયું કે લાંબા સમયે પણ બે-ચાર વાતો નોંધી લેવામાં નુકશાન તો નથી જ ને.)

– કેટલાય દિવસો ગયા અને ન જાણે કેટલી રાત વિતી ગઇ.. આમ ને આમ લગ્નની એક આખી સિઝન પુરી થઇ ગઇ.. (મસ્ત લાઇન છે ને? અરે, ના ગમી? ઠીક છે; તો શેર-શાયરી વગર જ વાતો કરીએ.)

– દરવર્ષની જેમ આ વખતે પણ ભરપુર લગ્નો રહ્યા. લગ્નગાળાના કેટલાક દિવસો તો પોસ્ટમેનની જેમ કવર/ગિફ્ટ-પાર્સલ પહોંચાડવામાં જ ગયા હશે એમ કહી શકાય. (અને આ દોડભાગમાં મારું વજન પણ ત્રણ-ચાર કિલો ઘટી ગયું છે, બોલો!)

– કામકાજ સામાન્ય ચાલી રહ્યા છે. લગભગ દરેક સેક્ટરમાં મંદીનો માહોલ જણાય છે. મારા રેગ્યુલર બિઝનેસથી અલગ એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર છે. કદાચ આ નવું કામ હોવાથી મને અત્યારે તેના પ્રત્યે વધુ ઉત્સાહ છે. (આ ઉત્સાહ કાયમ જળવાઇ રહે તો સારું!)

– છોટુંની મસ્તી અને મારી આળસ હજુયે એક જ દિશામાં આગળ વધી રહ્યા છે. છોટુંની મસ્તી લાંબી ચાલ્યા રાખે તેનો વાંધો નથી, પણ મારો આળસુ સ્વભાવ છોડવામાં હું હજુયે કેમ આળસ કરી રહ્યો છું તેનું કારણ મને જ સમજાતું નથી. (કદાચ તેની પાછળ પણ મારો આળસુ સ્વભાવ જ જવાબદાર હશે! 😀 )

– iPhoneમાં iOS8ના નવા સેટીંગ્સ પ્રમાણે એરટેલ 3G સર્વિસને 2G માં બદલી શકાતી નહોતી અને મારા મતે તેનો ભોગ બિચારા મોબાઇલની નાજુક બેટરીને બનવું પડતું હતું. મોબાઇલના આ અપાર દુઃખને દુર કરવા માટે વારંવાર ફરિયાદ છતાંયે નેટવર્ક સેટીંગ્સમાં ફેરફાર કરવામાં અસમર્થતા જતાવવા બદલ નાછુટકે એરટેલની સુવિધાને વિદાય આપવામાં આવી અને દુરભાષ-સંખ્યા સ્થળાંતર યોજનાનો લાભ લેવામાં આવ્યો. (અહી ફોન બદલવાનો વિકલ્પ પણ હતો પરંતુ અમે અમારા ફોન પ્રત્યે વધુ લાગણી ઘરાવતા હોવાથી સર્વિસ-પ્રોવાઇડર બદલવાનો વિકલ્પ પસંદ કર્યો.)

– થોડા દિવસો પહેલા ઠંડીને શોધવા દિવો લઇને નીકળવું પડે એવી સ્થિતિ હતી પણ અચાનક જ ઠંડીએ તેનો સોલિડ રંગ બતાવ્યો છે. અમદાવાદમાં આટલી ઠંડી ભાગ્યે જ અનુભવી શકાય. આજકાલ વહેલી સવારે સાબરમતી ઉપરના કોઇપણ પુલ ઉપર ઉભા રહીને ઉગતા સુરજની દિશામાં જોવા મળતું ધુમ્મસ-ભર્યું દ્રશ્ય દિલમાં કાયમી વસી જાય એટલું સુંદર હોય છે. (જો કે આ દ્રશ્ય જોવામાટે દ્રષ્ટિની સાથે થોડી હિંમતની પણ જરૂર પડશે!)

– સાહસિક લોકોએ આ મૌસમમાં રિવરફ્રન્ટ પર વહેલી સવારે જોગીંગનો લાભ લેવો જોઇએ એવું અમારું સુચન છે. (જાહેર જનતા નોંધ લે કે અમારા સુચનનો અમલ કરવા અમે પોતે બંધાયેલા નથી.)

આનંદી-સરકાર (પટેલ-સરકાર કરતાં આનંદી-સરકાર વધુ સરસ લાગે છે ને!) વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં અત્યારે પુરજોશમાં લાગેલી છે. અમારી આસપાસ ના દરેક રોડ રિ-સરફેસ થઇ રહ્યા છે અને ફુટપાથ-ડિવાઇડર નવા શણગાર લઇ રહ્યા છે! અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર ને જોડતા રોડ પર પણ ઠેર-ઠેર સરકારી હોર્ડિંગ્સ સજી રહ્યા છે. ટીવી-રેડીયોમાં જાહેરાતો ચાલી રહી છે, આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે અને નિમંત્રણ સ્વીકારવામાં આવી રહ્યા છે! (ગમે તે કહો પણ પોસ્ટરના આનંદીબેનમાં મોદીસાહેબ જેવો વટ દેખાતો નથી.)

– ઉપર એક રાજકારણની વાત આવી જ ગઇ છે તો તેમાં થોડો પણ ઉમેરો કરી લઉ. માનનીય મોદી સાહેબને હરિયાણા અને મહારાષ્ટ્રમાં શાનદાર દેખાવ માટે તથા ઝારખંડમાં વિજય અને જમ્મુ-કાશ્મીરમાં સફળતા મેળવવા બદલ અભિનંદન! વિધાનસભા બાદ આ ચાર રાજ્યોના ઇલેક્શન પર નજર નાખીએ તો ચોક્કસ દેખાશે કે દેશમાં રાજનીતિની દિશા બદલાઇ રહી છે. જો કે આ દિશા બદલવામાં અને બીજેપીને આગેકુચ કરવામાં મદદરૂપ થવામાં કોંગ્રેસનો ફાળો પણ ઘણો મોટો છે. (કોંગ્રેસે તેના ભુતકાળના વહિવટ અને એક પરિવારની ભક્તિના નશામાં પોતાના પગ પર કુહાડો મારીને પોતાની જાતને રેસમાંથી બહાર કરી દીધી છે અને બીજેપી માટે રસ્તો ઘણો સરળ કરી આપ્યો છે.)

– અત્યારે સવાર/રાત્રીના 3:30 થઇ રહ્યા છે. રાત ટુંકાઇ રહી છે પણ વાતો લાંબી થતી જતી હોય એમ લાગે છે. કાલે (કેલેન્ડર પ્રમાણે આજે) ઘણાં જરૂરી કામ પણ છે એટલે અત્યારે શરીરને આરામ આપવો એ પ્રાથમિકતા જણાઇ રહી છે.

– તો.. નવી વાતો માટે ફરી એક નવા પાનાનો ઉપયોગ કરવામાં આવશે એવા વિચાર સાથે.. અલવિદા.

ખુશ રહો!


હેડર ફોટોઃ ‘રેન્ડમ’ લગ્નસ્થળ ડેકોરેશન.

4 thoughts on “અપડેટ્સ-46 [Dec’14]

    1. શિયાળાની સવારે સૌને ઉંઘ ભલી, ને અમારી આળસ તો બારે માસ! 😀

      પ્રયત્નમાં નિષ્ફળતા છતાંયે સંસ્થા સુધારાતરફી ફેરફાર કરવા કટિબધ્ધ છે. અમારા આળસુ સ્વભાવ પ્રત્યે આપશ્રીના સદભાવના-યુક્ત શબ્દો બદલ આભાર.

  1. કવર પેજ મસ્ત બનાવ્યુ છે…અને અડધી રાત્રે પણ આવુ સરસ લખિ સખો છો એ સારુ કેવાય :ડ આનન્દી બેન ના પોસ્ટર મા પ્રભાવ ના દેખાવા પાછડ આપ્ણી મોદી જી ને જોવા ટેવાયેલી નજર અને કૈ ક અંશે એક નેતા તરિકે પુરુશ ને જ જોવા તેવાયેલો આપ્ણો પુરુશ પ્રધાન સમાજ બનિ સકે.:)

    1. કવરપેજ માત્ર અમારા દ્વારા કોઇ લગ્નસ્થળે ક્લીક કરવામાં આવેલ છે અને ઉપરોક્ત લખાણ જે-તે સમયના વિચારોની નોંધ છે; છતાંયે આપને જે પસંદ આવ્યું તે બદલ અમે આપનો આભાર માનીએ છીએ.

      અને દેવીજી, અમારી આંખો દરેક નેતાને તેની જાતિ કે પક્ષના ભેદભાવ વગર સ્વતંત્ર મુલવવા ટેવાયેલી છે. આ મુદ્દે સંસ્થાપકની નજર જે-તે સ્થાને મોદીને જોવા ટેવાયેલી હોઇ શકે છે; પરંતુ તે સિવાય અમારો અન્ય કોઇ હેતુ નથી જેની અત્રે નોંધ લેશો.

બોલો, શું કહેવું છે તમારે...