લોકડાઉનમાં પબ્લીક ડિમાન્ડ ધ્યાનમાં લઇને સરકારે દુરદર્શન પર રામાયણ અને મહાભારત શરૂ કરાવ્યા. તરત નવી માંગ ઉઠી કે જુનું શરૂ કરો જ છો તો શક્તિમાનને પણ લાવો અને સરકારે એ પણ સ્વીકારી લીધું!
પછી તો એવી એવી માંગણીઓ શરૂ થઇ કે ચાણક્ય શરૂ કરાવો અને આમ ને આમ બ્યોમકેશ બક્ષી, સરકસ, બુનિયાદ, અલિફ લૈલા, શ્રીમાન-શ્રીમતી વગેરે શરૂ થયા. ટીવીનો એક આખો યુગ ફરી પાછો આવી ગયો.
એમાં સાથ પુરાવ્યો અમુલની એ ટાઇમની જાહેરાતોએ. ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડીયા‘ હવે નાયરા પણ મસ્ત ટ્યુનમાં બોલે છે! હા, તેને રામાયણથી સખત ચીડ થાય છે પણ તેનું કારણ અલગ છે; રામાયણના કારણે તેના કાર્ટુન મીસ થઇ જાય છે. 😊
હું રામાયણ સખત રસ સાથે જોઇ રહ્યો છું. વર્ષો પહેલાં જોવાયેલી આ જ રામાયણ આજે ઘણો જ અલગ સંદેશ આપે છે. ભગવાન જેવા કોઇ જ વિષય સાથે સંબંધ ન હોવા છતાંયે ભારતીય ઇતિહાસના એક મહામાનવ અને તેની આસપાસના અન્ય કિરદારોના ઉચ્ચ આદર્શ-ત્યાગ-મહાનતા હ્રદયને સ્પર્શે છે.
કેટલુંક અવાસ્તવિક પણ લાગે, ક્યાંક અતિશ્યોક્તિ પણ જણાય છે પરંતુ તે બધું જે-તે સમયમાં નોંધનાર વ્યક્તિના નાયક પ્રત્યેના અતિપ્રેમ વશ હોઇ શકે. રાજાને ભગવાનનો દરજ્જો આપવાની પ્રથા રામાયણ-કાળથી પણ જુની છે. આપણે તો મુળ ઉદ્દેશ પકડીને ચાલીએ તો પણ કથાનક અને તેનું હાર્દ સુંદર છે. રામની સ્થીરતા અને પ્રસન્નતા અપનાવવા જેવી છે.
નવા સમયમાં પણ આવી ઘણી સીરીઝ બની ચુકી છે પણ જુની રામાયણ ગમવાનું કારણ એ પણ છે કે ખોટા ઉમેરણ અને એક્સ્ટ્રા મેલો-ડ્રામા વગર પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચાલી રહી છે. તે સમયના ઉપલબ્ધ સાધનો અનુરૂપ બનેલ આ સીરીયલ ઉત્તમ ગણાય એમ છે.
સાથે-સાથે મહાભારત પણ ડીડી-ભારતી પર પ્રસારિત થઇ રહી છે. તેનો પણ એક અલગ સ્વેગ છે! રામાયણથી આગળ વધીને અહીયાં છળ-કપટ-ઇર્ષા-વેર બધું છે. અહીયાં પણ જ્ઞાન તો છે જ પણ કોણ કયું જ્ઞાન મેળવશે તે મેળવનારના પક્ષે વધુ છે, કારણકે મહાભારતમાં માણસની દરેક વૃતિ-પ્રવૃતિનો સમાવેશ છે.
બેશક રામાયણ અને મહાભારત બંને પોતાની ખાસ વિશિષ્ટતા ધરાવે છે. કોઇ એકને બીજાથી ચડીયાતું ન કહી શકાય. આ કોઇ કાલ્પનિક કથા છે કે ઇતિહાસ તે વિશે વર્ષોથી ખોટી ચર્ચા ચાલે છે. મારા મતે તે ભારતવર્ષનો ઇતિહાસ છે.
અચ્છા, આટલા વર્ષે જાણ્યું કે ‘રામાયણ‘ શબ્દનો અર્થ થાય છે ‘રામની યાત્રા‘.
🙏
જે પણ સૌથી પહેલા આ બધા શો પાછા ટીવી પર લાવાનો આઇડયા લઈને આવ્યા હશે એમને ધન્યવાદ… કરોડો લોકો ને આટલા બધા સમય સુધી ઘરમાં રાખવા અને entertained રાખવા સહેલું નથી.
આઈડિયા તો એમ જ લોકોમાં ફરતો થયો હતો પણ મારા મતે તેને મજબૂત ધક્કો મારવાનું કામ સુદર્શન ન્યુઝ-વાળા કોઈ સજ્જનનું જણાય છે. તેણે જ દૂરદર્શન પાસે રામાયણના રાઇટ્સ આપવાની માંગણી કરી હતી કે જેથી તેને પોતાની ચેનલ પર બતાવી શકે.
વર્ષોથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોવા છતાં આટલાં રસપુર્વક દરેક એપિસોડ જોવાની ક્યારેય ઈચ્છા થઈ નહોતી. લોકડાઉનનો આ ઉપકાર રહેશે મારી ઉપર. 😇
—
સાવ નવરો છું આજકાલ તો પણ આપને જવાબ આપવામાં આટલો સમય લેવા બદલ દરગુજર કરશો. 🙏
વાંધો નહિ મેં જવાબ જોવા માં તમારા થી વધારે ટાઈમ લઈ લીધો 😀