અપડેટ્સ [માર્ચ’૨૪]

બધું જ બરાબર ચાલી રહ્યું છે. કામમાં હું એવો ખોવાયેલો છું કે સત્તર વાર અહીંયાં નોંધ કરવાનો ખયાલ આવે અને ફરી બાકી રહી જાય છે. (હું કોણ? આળસુ નંબર વન!)

વ્યસ્ત એટલો છું કે મને કોઈ માટે સમય નથી અને નવરો એવો છું કે કોઈ માટે મને ટાઇમ જ  ટાઇમ છે. (પ્રાસ બેસતો તો એટલે કીધું છે ભાઈ, બાકી તો ટાઇમ જ કયા છે અહીંયા કોઈને)

લગભગ ત્રણ વર્ષ ઉપર કેટલાક મહિના વીત્યા હશે, એટલે હવે એક સ્વભાવને અલગ દુનિયામાં રહેવાની આદત પડી જાય તે સ્વાભાવિક છે. અને એમાં પણ છેલ્લાં એક વર્ષથી તો એવા રૂપમાં હું એવો ગોઠવાઈ ગયો છું કે હવે મને પોતાને મારું જૂનું રૂપ ફાવે એમ નથી લાગતું, અથવા તો જોઈતું નથી. (વળી અઘરી વાતો કરી મેં. કોઈ કહી શકે કે મારામાં સુધારો અશક્ય છે.)

કોઈ-કોઈ વાતો અગાઉ કહ્યું એમ સ્વાભાવિક છે; કોઈ સંજોગોને આધીન છે; તો, કોઈ-કોઈ કારણસર પણ છે અને કોઈ વાત સાવ કારણ વગર છે. આ બધું મને વ્યસ્ત રાખે છે, મસ્ત રાખે છે અને કોઈવાર સખત ત્રાસ પણ આપે છે; છતાંયે મને હવે આમ જ રહેવું છે. (મનથી સ્વકીકરી લીધું છે ભાઈ. ખેલ બધો મનને મનાવવાનો જ તો છે.)

એક બે ચિંતા છે જે ભવિષ્યમાં મને સારો એવો ઝટકો આપવાના છે અને ફરીવાર મારી જીવનની દિશા અને માનસિક દશા બદલી નાખશે, પણ અત્યારે તે વિશે વિચારીને મને વર્તમાન બગાડવો નથી. ભવિષ્યના અનિષ્ટ નિવારી ના શકાય એમ લાગે ત્યારે સતત ચિંતામાં રહેવા કરતાં વર્તમાનને માણી લેવમાં શાણપણ જણાય છે. આગળ જે થશે એ જોયું જશે એમ વિચારીને અત્યારે જે માણી શકાય જેવા સમયને માણી લેવો છે. ભવિષ્યમાં પણ તેનો ઉપાય કોઈ રીતે તો નીકળી આવશે એવી આશા છે. (કદાચ તમને મૂર્ખ લાગતો હોઈશ, એમ તો હોશિયાર છું દોસ્ત…  કોઈ રસ્તો કાઢી જ લઈશ.)

ઉપરની બે વાતો કોઈ ખાસ સંદર્ભમાં લખી છે પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ જાહેરમાં શક્ય નથી એટલે ગૂઢ રીતે લખી રહ્યો છું. વિચારું છું કે જે આજે લખી રહ્યો છું એ વાતને ક્યારેક ભટકતો અહીંયાં આવીને વાંચીશ ત્યારે મને પણ સમજાશે કે નહિ???… (છેલ્લે ઉમેરવામાં આવેલ લાઇન – જો બગ્ગી.. આ પોસ્ટની અંતમાં એક hint મૂકી રાખી છે, જે માત્ર તારા માટે જ છે.)

નાનકડું મારું કુંડાળું હવે મોટું થઈ ગયું છે એટલે હું જ મને તેની ત્રીજીયા અને વ્યાસ વચ્ચે વ્યસ્ત રાખું છું અથવા તો તે બધું મને વ્યસ્ત બનાવીને ચલાવી રહ્યું છે. (કોઈ વાર દોડાવી પણ રહ્યું છે અને થકાવી પણ રહ્યું છે.)

અરે હા, એક અઠવાડિયામાં જ બાલી ફરવા ઉપાડવાનું છે પરિવાર સાથે. તો તેની પોસ્ટ યાદ કરીને અનુભવો સાથે મૂકીશ. જૂની ઘણી યાદો અહીંયાં આવવાની રાહ જોઈ રહી છે તો તેને પણ ક્યારેક સમય આપીશ એવી ઈચ્છા છે. (અપરંપાર ઈચ્છાઓની જય હો!!)

😸 😾 😾 😺

બોલો, શું કહેવું છે તમારે...