June’13 : અપડેટ્સ

. . .

– દુઃખદ સમાચાર: એક લંગોટીયા મિત્રએ કેન્સર સામેની લડાઇમાં છેવટે હાર માની લીધી. સાત મહિના સુધી ઉપચાર-તકલીફ-દર્દ સહન કર્યા, પણ આખરે એ જ બન્યું જે નક્કી હતું અને મે એક પડોશી-મિત્ર ગુમાવ્યો. અઠવાડીયા પહેલાની આ ઘટનાએ જીવન વિશે ફરી ગંભીરતાથી વિચારતા કરી દીધા.

– જેની સાથે રમી-રખડીને મોટા થયા હોઇએ અને દરેક તહેવાર-પ્રસંગ ઉજવ્યા હોય તેવા સરખી ઉંમરના કોઇ મિત્રને ગુમાવવાનો અફસોસ ઘણો ભારે હોય છે.

– સાથે વહેંચેલી તે પળો, ફોટો-વિડીયોમાં સચવાયેલી યાદો અને વાતો હંમેશા અમારી અંદર તેને જીવંત રાખશે તે નક્કી છે પણ વ્યક્તિનો ખાલીપો નહી પુરી શકાય તેનું દુઃખ ચોક્કસ રહેશે.

– આમ તો સંસારમાં જીવીત દરેક જીવનો અંત એક દિવસ તો આવવાનો જ છે. હા, તેને ઉપાય-ઉપચાર કે સંજોગ વડે થોડા સમય માટે લંબાવી શકાય છે પણ કાયમી ટાળી શકાતો નથી. જે ‘હતા’ તે હવે ‘નથી’ તેને સ્વીકારવું અને આગળ વધતા રહેવું તે પણ જીવનનો એક ભાગ છે. કોઇના રહેવાથી કે ન રહેવાથી આસપાસના લોકોના જીવનમાં ફરક ચોક્કસ પડે છે પણ આખરે દરેક જીવ કોઇની સાથે કે તેના વગર રહેવાની આદત કેળવી લે છે. ગમે કે ન ગમે પરંતુ આ પણ આપણાં જીવનનું એક સત્ય છે.

– ગઇકાલે તેની આત્માની શાંતિ માટે# બે શાળા અને એક અનાથાશ્રમમાં બિસ્કીટ-નોટબુક-પેન-પેન્સીલ વહેંચ્યા. અનાથાશ્રમ અને સરકારી શાળામાં ભણતા તે બાળકોને ખરેખર તેની જરૂરીયાત હશે એમ લાગ્યું અને અમે મિત્રોએ અમારો જે મિત્ર હવે સાથે નથી તેને માટે કંઇક કર્યાનો સંતોષ માનીને મન મનાવ્યું. હવે ભવિષ્યમાં તેની દરેક પુણ્યતિથીએ આ કાર્યક્રમ નિયમિત કરતા રહેવાનો વિચાર કર્યો છે.

 – –

#આત્માની શાંતિ’નો ખયાલ મને હજુયે સમજાતો નથી પણ મિત્રોની ભાવના અને તેની યાદમાં કોઇ ભલાઇનું કામ થતું હોય તો તેમાં મારા અંગત વિચારોને દુર રાખીને સ્વચ્છાએ જોડાઇ જવું યોગ્ય લાગે છે.

. . .

6 thoughts on “June’13 : અપડેટ્સ

  1. ઈશ્વવર્ ને ગમ્યુ તે ખરુ………..પ્રભુ તેમના આત્મા ની શાંતિ અર્પે…….

  2. મિત્ર/ સ્વજન / સંબંધી સાથેનો થોડા સમયનો હોય કે કાયમી હોય, એ વિચ્છેદ લાગણીનાં શાંત પાણીંમાં પથરો પડવાથી ઊઠતાં વમળ તો પેદા કરે જ. અને સમય કાળે એ વમળ શમી પણ જાય છે.
    પણ માનવી પણ આખરે તો પ્રાણી જ છે ને, તેથી તેને લાગણી અનુભવવા અને સમજવા માટે આપેલી વિચાર શક્તિ છતાં (અને કદાચ, તેને કારણે જ) પણ વિચ્છેદના વિયોગને સમયના મલમ વડે મટાડી પણ લે છે.
    તમને થયેલ દુઃખ અને અતિભાવનાશીલ અનુભવમાં અમારો સાથ ગણશો. જે રીતે તમે અહીં જાહેર એકાંતમાં તમારી લાગણીઓને વાચા આપી છે, તેમ જ યથાયોગ્ય સમયે આપણી લાગણીઓ અને વિચારો વહેંચવાથી કંઇક નવો માર્ગ મળી જ રહે છે, તેવું અનુભવીઓ કહી ગયા છે તે પણ આવા કોઇ અનુભવોના જ પ્રતિસાદરૂપે હશે ને!

Comments are closed.