અપડેટ્સ – 181021

greenery of mount abu, rajasthan

અપડેટ્સ

~ જે કંઇ કર્યું પાછળના એક વર્ષમાં લગભગ અર્થહીન બની ગયું છે. મહેનત અને આવડતનો પુરો ઉપયોગ હતો છતાંયે હું આજે ફરી સમયના એ જ કાળચક્રમાં આવી ગયો છું જ્યાં ક્યારેક હતો. (આમ તો જીવનનો આ એક તબક્કો કહેવાય જેમાં કાર્યના પ્રમાણમાં વળતર મળતું ન હોય.)

~ ગુમાવ્યું તો છે જ અને મસ્ત અનુભવ પણ મેળવ્યો છે. હવે ફરી આગળ જવાનું છે. કોઇ માટે ફરિયાદ નથી. કોઇ પર આક્ષેપ થાય એમ નથી. જે કર્યું એ જાતે કર્યું છે. હા, મનમાં દુઃખ જરુર છે છતાંયે ચહેરા પર હસી આજે પણ એ જ કાયમ છે. (બની શકે કે દુઃખ કરતાં મારી ખુશી તેમાં વધારે હોય.)

~ એક વસ્તુ ખાસ શીખવા મળી કે મારી પાસે હિંમત છે સહન કરવાની અને નિર્ણય લેવાની. હારીને તુટી જાય એ વ્યક્તિ હું નથી. હું અઘરા નિર્ણય પણ ઝડપથી લઇ શકુ છું. (મન ઘણું મજબુત છે એ પણ પારખી લીધું.)

નાયરા એટલે કે અમારી બગ્ગુ. Baggu aka Nayra~ ઓકે. મારા વિશે મોટી મોટી વાતો ઘણી થઇ ગઇ છે તો હવે બીજા અપડેટ્સની નોંધ લઇએ. બગ્ગુ અને વ્રજની જોડી આજકાલ ઘરમાં ધમાલ મચાવે છે. ઢબુડી મારી બધી જગ્યાએ વ્રજથી વધે એમ છે. (મ્યુઝિક સાથે તો એવું કનેક્શન છે કે ક્યાંય પણ વાગે એટલે નાયરાનો ડાન્સ શરુ થઇ જાય!)

~ ઓગષ્ટમાં માઉન્ટ આબુની 12મી ટ્રીપ કરી. થોડા સમય પહેલાંજ આબુ જઇ આવ્યા હોવા છતાં દોસ્તની ઇચ્છાને કારણે અને વળી આબુને નજીકના દેવ ગણીને અમે તેને વધારે પુજી લઇએ એવું છે. વ્રજ માટે પહેલો અનુભવ હતો એટલે તેને ઘણી મજા આવી. (માઉન્ટ આબુની દરેક ગલીઓ વિશે મને કોઇ પુછે તો હું અમદાવાદમાં બેઠા-બેઠા બધું જણાવી શકું છુ.)

# એક્સ્ટ્રા ટીપઃ
સિઝનમાં જો આ સ્થળની મજા લેવી હોય શનિવાર-રવિવારની રજા સિવાય જવું.
અને જો પબ્લીકની મજા જોઇતી હોય તો શનિવાર-રવિવાર સિવાય ન જવું.

~ નવરાત્રી તો વ્યસ્તતામાં પુરી થઇ ગઇ પણ દિવાળીમાં પરિવાર અને તહેવારને સમય આપવાનો પુરો પ્લાન છે. (જોઇએ કે પ્લાન કેટલા સફળ થાય છે!)

~ આ દિવાળી વેકેશનમાં ટ્રેકિંગ કેમ્પમાં જવાનો વિચાર પણ છે. ઘણાં વર્ષોથી અધુરી આ ઇચ્છા આ વર્ષે દિવાળીમાં પુરી કરવાની ઇચ્છા છે. (ટ્રેકિંગ માટે હિમાલય સૌથી જાણીતી અને સરળ ચોઇસ છે પણ સારા ઓપ્શન હશે તો અન્ય નવા સ્થળને પણ સ્વીકારવામાં આવશે.)

~ હવે બીજા અપડેટ્સ ટુંક સમયમાં જ નોંધવામાં આવશે. ખાસ તો માઉન્ટ આબુના ફોટો માટે એક અલગ પોસ્ટ અહીયાં આવી જાય તો ઠીક રહેશે…

અપડેટ્સ - 181021


હેડર ચિત્રઃ માઉન્ટ આબુ, રાજસ્થાન.
ક્લિક કરનારઃ સ્વયં હું!

અપડેટ્સ – 180805

મે મહિનાની અપડેટ્સ

~ હા ખરેખર બહુજ સમય કહેવાય છેલ્લી અપડેટ્સ ની નોંધ કરી હતી તેને. સમય આગળ વધતો જાય છે અને હું વિચારતો રહી જઉ છું કે ક્યારેક કંઇક લખીશ. (વિચાર વાંચી શકે એવું મશીન જલ્દી વસાવવું પડશે.)

~ શોર્ટ લાઇફમાં એટલું બધું બન્યું છે કે જો મારી ઉપર રિસર્ચ કરવા બેસે તો એકાદ ફિલ્મ બનાવી શકાય એટલો મસાલો મળી શકે એમ છે. (ના ભ’ઇ ના, સંજુબાબા જેવા કારસ્તાન પણ નથી હોં કે..)

~ બિઝનેસ અને ફેમીલી વચ્ચે સંતુલન મુશ્કેલ બનતું જાય છે અને હું બન્ને વચ્ચે ઝુલતો રહું છું આજકાલ. એમ તો આ સ્થિતિની કલ્પના અગાઉથી કરેલી હતી. (જોયું! હું કેટલું સચોટ ભવિષ્ય જોઇ શકું છું!! બેટે, એવે હી હમ બાબા બગીચાનંદ નહી કેહલાતે..)

~ એક તો વરસાદ પણ જામતો નથી.. વરસાદ જામે તો તેના બહાને થોડું રિલેક્સ થવાનો મોકો મળે એમ છે. (આ વખતે અમદાવાદ લગભગ કોરું રહ્યું છે.)

~ નાયરાને ચાલતા આવડી ગયું છે પણ બોલવામાં હજુ શબ્દો સાથ નથી આપતા. (એમ તો મને કોઇ ઉતાવળ પણ નથી.)

~ અમને એમ હતું કે વ્રજ કરતા શાંત હશે પણ બગ્ગુએ સાબિત કરી આપ્યું કે લડકીયાં ભી કીસી સે કમ નહી હોતી હૈ! સખત ધમાલ કરે છે અને જીદ્દી પણ એટલી જ છે. (હવે એમ લાગે છે કે અમારો ટીનટીન ઘણો સીધો હતો.)

~ આજે દોસ્તોને યાદ કરવાનો દિવસ છે અને મારા દોસ્તો સાથેના સંબંધનો સરવાળો કરું તો લગભગ દરેક દોસ્તોથી કપાઇ રહ્યો હોઉ એવી સ્થિતિ બની શકે છે. (જોકે આમા મારી ખોટી આદત અને કોઇ-કોઇ અંગત કારણો પણ જવાબદાર છે.)

~ ઓકે. આજે આટલું જ.

~ અને હા, I miss Jalebi…

મે મહિનાની અપડેટ્સ

હેડર ચિત્રઃ ઇંદીરા બ્રીજ, અમદાવાદ-ગાંધીનગર હાઇ-વે.
ક્લિક કરનારઃ અમે પોતે!

બગ્ગુ’s 1st Birthday!

નાયરાની પ્રથમ જન્મદિવસ Nayra's first birthday

આજે અમારી નાયરા આજે એક વર્ષની થઇ.

તેના જન્મદિવસ ઉજવણીની યાદગીરી રુપે બે ફોટો..

નાયરાની પ્રથમ જન્મદિવસ

~ ઉપરનો ફોટો જોઇને આજે વ્રજના પ્રથમ જન્મદિવસને પણ યાદ કર્યો. ત્યારે અમે અલગ મુડમાં જ હતા. (કેટલો ફરક છે દિવસોમાં)

~ અમે આ એક નવી સિસ્ટમ ચલાવીએ છીએ કે જન્મદિવસ કોઇપણનો હોય ઘરમાં પણ કેક તો દરેકની મનપસંદ ફ્લેવરમાં આવશે. (મતલબ કે એક જ આખી કેકના બદલે અલગ અલગ પીસ આવે ઘરમાં!)

નાયરાની પ્રથમ જન્મદિવસ Nayra's first birthday

~ બર્થ-ડે પર કેક લાવ્યા પછી જન્મદિવસ ઉજવણીના સંપુર્ણ પશ્ચિમીકરણ તરીકે કેક કાપવાની વિધી દર્શાવતો ફોટો! (આ માત્ર વિધી જ હતી. અમે એમ તો નાયરાને સાચે કેક કાપવા ન દીધી. પછી એ તુટેલો પીસ કોણ લે?)

નાયરાની પ્રથમ જન્મદિવસ Nayra's first birthday