દર્શિત – પ્રદર્શિત

આજકાલ પશ્ચિમ બંગાળમાં ચુટણીની સિઝન ચાલી રહી છે અને રાજકારણમાં રસ રાખતા લોકોને તેમાં રસ વધારે આવે એવો માહોલ ત્યાં જામેલો છે. તો, ચુટણીની જ એક વાતથી આજની વાતને યોગ્ય શરુઆત મળશે એવું મને લાગે છે. (સારી શરૂઆત સૌને ગમે!)

મોદી સાહેબે વર્ષ 2014માં પ્રચાર સમયે કોઈ સભામાં કહેલી પેલી 15 લાખ વાળી વાત યાદ છે? હા, યાદ જ હશે. ઘણાં તો આજેય રાહ જોઈ રહ્યા હશે! એમ તો આજે રાજકારણની કોઈ વાત નથી કરવાની; તે વાતની જેમ જ ભૂતકાળમાં બની ગયેલી એક નાનકડી ઘટના અને તેની આજ વિશે નોંધ કરવી છે. (જોયું! અમે નાનકડી વાત કહેવા માટે 15 લાખનો રેફરન્સ લીધો છે.)

ઓકે.. મૂળ ટ્રેક પર વાત કરીએ. લગભગ ઘણાં સમયથી હું આ વાતનો અલગ અલગ સમયે ઉલ્લેખ કરતો રહ્યો છું, પણ હવે લાગે છે કે થોડીક ચોખવટ જરૂરી છે. આમ તો અહિયાં ચોખવટ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન હશે. કદાચ અહિયાં  પોતાની જાતને જાતે જ કુવામાં ધક્કો મારવા જેટલી આત્મઘાતી પુરવાર થઈ શકે છે. (જે થાય તે, એમપણ અહિયાં આટલો સમય રહ્યા પછી કોણ શું વિચારશે એ બાબતે વધુ હરખ-શોક જેવું રહ્યું નથી.)

અહીયાં એટલે કે મારા બગીચામાં માત્ર 25-30 પોસ્ટ ઉગાડી હતી એ સમયની આ વાત છે. પહેલાં ઘણીવાર બન્યું હતું એમ એ દિવસે પણ કોઈ આવ્યું હતું મારા આ બગીચામાં જેમણે બધી જ પોસ્ટ વાંચી લીધી હશે એવું આંકડાઓ જોઇને સમજાઈ જતું હતું. એ જ દિવસે બે પોસ્ટ પર તેમના પ્રતિભાવ અને ઇનબોક્ષમાં એક ઈમેલ હતો. (એ દિવસોમાં મારી નજર આંકડાઓ ઉપર ઘણી રહેતી.)

વળી એક સંદર્ભ સાથે મૂળ વાત પર આગળ વધીએ. વર્ષો પહેલાં દુરદર્શન પર એક કાર્યક્રમ આવતો જેમાં તેમને મળેલાં ઢગલો પત્રોમાંથી કોઇપણ પત્ર ઉઠાવીને તેને ટીવી પર વાંચતા અને તેમની પસંદના ગીતની ફરમાઇશ પુરી કરવામાં આવતી. પેલો ઇમેઇલ મેળવ્યો એ દિવસે હું એ જ સ્થિતિમાં હતો. મારા ઇનબોક્ષમાં આવેલ ઇમેલના નાનકડા ઢગલામાંથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઇ-પત્ર ખોલીને તેમના શબ્દો સાથે જોડાયેલ લાગણી અને આગ્રહભરી ફરમાઇશને જોઇ રહ્યો હતો. (વિચારી પણ રહ્યો હતો.)

કોમેન્ટ તો જે-તે પોસ્ટ સંદર્ભે હતી પણ ઇમેલ કોઈ જ સંદર્ભ વગર મને ઉદ્દેશીને જ મોકલાયેલો હતો. તેમણે મારી સાથે સીધી જ વાત કરવાનો હેતુ જણાવીને મારો મોબાઇલ નંબર અને સાથે-સાથે સાચું નામ-સરનામું જણાવવા આગ્રહ કર્યો હતો. (એમ તો આવી માંગણી કોઇએ પહેલીવાર કરી હોય એવું પણ નહોતું.)

મિત્રો-વાચકો કે મુલાકાતીઓના પ્રતિભાવ કે ઇમેલના જવાબ આપવાની મારી આળસના એ સમયગાળામાં માત્ર શબ્દોથી મારા બગીચા સાથે જોડાયેલા આવા વાચકો ક્યારે અલગ થઈ ગયા એ ખબર ન પડી. ક્યારેક એમ થાય કે મેં અજાણતાં જ કેટલાં બધાં લોકોને ટાળી દીધા હશે અને એવા બધા લોકો મારાથી કંટાળીને દુર પણ થઈ ગયા હશે! (આજેય જ્યારે એ સમયમાં જવાબ ન અપાયેલા શબ્દોને જોઉ છું તો મને મારી પોતાની જાત પ્રત્યે અસંતોષ થઈ આવે છે.)

મને તો હંમેશા ગુમનામ રહીને જ લખવું હતું. પોતાના માટે જ લખવું હતું. મારો સમય નોંધવો હતો, યાદો લખવી હતી અને વિચારો વહેંચવા હતા. અનામી રહેવાનો નિયમ મારા માટે અલગ કારણથી પણ જરુરી હતો અને જો આમ અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઈ-પત્રમાં મારા નામ-નંબર વહેંચવા લાગુ તો ગુમનામીનો એ જરુરી નિયમ માત્ર નિયમપોથી પુરતો રહી જાય. (હા, કોઇ તો એમ પણ કહેશે કે નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

પેલા ઈ-મેલમાં શબ્દો જેટલાં સંયમિત રીતે મુકાયેલા હતા અને આગ્રહ એટલો જ વધુ હતો કે જેને ટાળી ન શકાય; અથવા તો એમ સમજો કે તેમને તરત જ ચોખ્ખી ‘ના’ કહીને નિરાશ ન કરી શકાય એવું ત્યારે જણાતું હતું. તેથી જ લાંબા વિચાર બાદ અને થોડાક મનોમંથન બાદ તેનો જવાબ લખવાનું નક્કી કર્યું..

વધુ આવતા અંકે…

Feb’21 – અપડેટ્સ

બ્રેક એટલો લાંબો ચાલ્યો છે કે અહિયાં પાછા આવવામાં એ વિચારવું પડે કે હું શું લખું અને શું રહેવા દઉં.

આ સમયકાળમાં ઘણું બની ચૂક્યું છે અને તાપી-નર્મદામાં કેટલાયે પાણી વહી ગયા હશે. (અમારી સાબરમતી  બંધાયેલી છે એટલે તેનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળી દીધો છે.)

લોકોને બે છેડા ભેગા કરવા મથવું પડતું હોય છે: અને હુ આજકાલ ફેક્ટરી, ઓફિસ અને ઘર એમ ત્રણ છેડા વચ્ચે મથી રહ્યો છું. વ્યસ્તતા પહેલાંય રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાથી હું મારી હદ વટાવી રહ્યો હોંઉ એમ જણાય છે.

પોતાના કંફર્ટ ઝોનથી બહાર નીકળવાના બહાને એટલો આઉટ-ઑફ-કંફર્ટ છું કે સમજાતું નથી કે જે પણ કરી રહ્યો છું એ ઠીક તો છે ને. (ઘણાં સવાલોએ મનમાં કાયમ ઘર કરી લીધું છે.)

કરી રહ્યો છું એ બધું ઠીક છે અને ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે; છતાંયે હું મારી આજને સ્વીકારી શકવામાં અસમર્થ જણાઉ છું. (હું જાણે કોઈપણ રીતે આ બધાથી છટકવા માટે તરફડિયા મારું છું.)

સમય મળ્યે વિસ્તારથી ઘણું બધું નોંધવાની ઇચ્છા છે. હા, તેના પહેલાં એક વિચિત્ર પોસ્ટને ડ્રાફ્ટમાંથી રજા આપવી છે એટલે તેના પછી જ નવી વાતનો વારો આવશે.

નિઃસ્વાર્થ ભાવ અને શ્રધ્ધા

faith


“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

ના. આવું કંઇ જ અમે જાતે લખ્યું નથી; આ તો રખડતાં-વાંચતા ઉપરોક્ત વાક્ય એક બ્લૉગમાં નજરે આવી ગયું અને હવે મનમાં અટકી ગયું છે. (તે બ્લૉગને અહીયાં લીંક કરી શકાય, પરંતુ અમારી બચેલી સમજણ એવું કહે છે કે તેમ કરવું કોઈને સળી કરવા બરાબર ગણાશે.)

લગભગ આ જ પ્રકારનો અર્થ ધરાવતા વાક્યો હું ઘણીવાર પ. પુ. સંતો/મહંતો અને મહાજ્ઞાની ગુરુઓ પાસેથી પણ સાંભળી ચુક્યો છું એટલે મારી માટે કંઈ નવું નથી. (સંસારમાં અગાઉ બધું કહેવાઇ ચુક્યું છે!)

આજે એમ જ આ વાત પર નજર પડી હતી તો તેના પર વધું ચિંતન કરવાનું મન થયું. જો એકલા-એકલા વિચારીને ભુલી જઇએ તો વાતનું વતેસર ન થાય પરંતુ આ વાતને મારા વિચારો તરીકે આ બગીચામાં કાયમી નોંધવાની પણ ઇચ્છા થઇ; જેથી હું મારી આ સમયની માન્યતાને ભવિષ્યમાં પણ જોઇ શકું! (અહી નોંધાયેલી વાતોથી બીજો ફાયદો એ પણ થાય છે કે ક્યારેક જરૂર પડે ત્યારે આખીવાત સમજાવવાની મહેનત કરવા કરતાં કોઇને ડાયરેક્ટ રેફરન્સ લીંક આપતા ફાવે.)

ઉપરનું ક્વૉટ ધરાવતી મુળ પોસ્ટ આસ્તિક અને નાસ્તિક વચ્ચેના મુકાબલામાં આસ્તિકતાને સર્વશ્વ/સર્વોત્તમ/સત્ય પુરવાર કરવાના હેતુથી હતી. (કોઇને ઇચ્છા હોય તો તે પોસ્ટની લીંક માંગી લેજો. ઠીક લાગશે તો મોકલી પણ આપીશ)

ટેકનીકલી અમે હજુ થોડાક આસ્તિક છીએ પણ વધારે પડતી તાર્કિક વાતો કરતા હોવાથી લોકોએ અમને નાસ્તિક્તાના ટોળામાં સમાવી દીધા છે! (હોય એ તો… જેવી જેની સમજણ.)

જો કે બગીચાવાળા બાબા બગીચાનંદે પણ પ્રખર અધ્યયન બાદ કહ્યું છે કે; આસ્તિકતા પુરવાર કરવા માટે ‘શ્રધ્ધા‘ સૌથી શક્તિશાળી હથિયાર છે; કે જેનો મુકાબલો ક્યારેય નાસ્તિક લોકો નહી કરી શકે. 1

~ પ્રસ્તાવનામાં જ ઘણું કહેવાઈ ગયું; હવે મુખ્ય મુદ્દા ઉપર આવું. (મને પણ થયું કે હું વાતને ખેંચી રહ્યો છું.)


# વાક્યના પ્રથમ ભાગનું પૃથ્થકરણ2 કરીએ:

“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે.”

  • આ વિશે વધારે કહેવાની જરુર તો નથી કેમ કે આ એક સંપુર્ણ સનાતન સત્ય છે. તેની સત્યતા વિશે લગભગ કોઇ મતમતાંતર નહી હોય. (કેટલીક વાત એટલી સાચી હોય કે તે વિશે ટિપ્પણી થઈ ન શકે.)
  • સનાતન સત્ય એવા આ વાક્યનો ઉપયોગ અહીયાં માત્ર બીજા વાક્યની સત્યતાને વધુ પ્રમાણમાં સાબિત કરવા માટે જ થયો છે. (છતાંય આ પૃથ્થકરણ માટે કોઈને વાંધો હોય તો કહી દેવું.)

# હવે આ પોસ્ટ લખવાનો જે મુળ હેતુ છે તે ભાગ પર આવીએ –

“નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

  • ચર્ચા માટે અઘરો વિષય પણ સમજવામાં સાવ સરળ. અઘરો એટલા માટે, કેમ કે મોટા/મહાન જ્ઞાનીઓના ઓટલા અને રોટલાનો સવાલ છે! (તેમના મતે… આપણે સામાન્ય માણસ પાસે એટલું જ્ઞાન જ ક્યાં છે કે એવા તત્ત્વજ્ઞાનીઓના વિષય પર ચર્ચા કરી શકીએ!)
  • શ્રધ્ધાની વ્યાખ્યા ઘણી વિસ્તૃત છે, પરંતુ બાબા બગીચાનંદ અનુભવીઓના સંસર્ગ બાદ વ્યાખ્યાથી થોડું આગળ વધીને જણાવે છે કે અંધશ્રધ્ધા એ શ્રધ્ધાનું વિરોધી નથી. શ્રધ્ધાનું વિરોધી અશ્રધ્ધા કહી શકાય. અંધશ્રધ્ધા તો એક એવી પરિસ્થિતિ છે જે શ્રધ્ધાના અતિરેક પછી જન્મે છે.
  • અહી ઉપર જે વાક્યમાં જણાવ્યું છે કે “નિઃસ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય” – શ્રધ્ધા ક્યારેય નિઃસ્વાર્થ ભાવે હોઇ જ ન શકે. માત્ર અંધશ્રધ્ધા જ નિઃસ્વાર્થ ભાવે હોઇ શકે છે. શ્રધ્ધા ત્યાં જ જન્મી શકે જ્યાં સ્વાર્થ હોય. જો અગર સ્વાર્થ નથી તો ત્યાં ક્યારેય શ્રધ્ધા પ્રવેશ કરી જ ન શકે!
  • જો કોઇને એમ લાગતું હોય કે તેમની શ્રધ્ધા ખરેખર સંપુર્ણ નિઃસ્વાર્થ છે, તો પોતાના મા-બાપ/બાળકો/ઇશ્વરના સમ ખાઇને દિલ પર હાથ મુકીને મનોમન વિચારજો. કોઇનેય જણાવ્યા વગર તમારી શ્રધ્ધાના ઉંડાણમાં જજો કે શા માટે આપને જે-તે પંથ/વ્યક્તિ/ગુરૂ/ઇશ્વર/ધર્મ પ્રત્યે એટલી શ્રધ્ધા છે. (આપનું દિલ આપને સાચો જવાબ આપશે જ. આપનો સ્વાર્થ પણ જણાવશે. હા, મોક્ષ કે સ્વર્ગ મેળવવાની ઇચ્છા પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે! બસ, આપનું તાર્કિક મગજ તેને સ્વીકારવા તૈયાર હોવું જોઇએ.)
  • સ્વાર્થથી જન્મેલી આ શ્રધ્ધામાં જ્યારે અતિરેક ભળે ત્યારે તેનું અંધશ્રધ્ધામાં રૂપાંતર થતું હોય છે અને અંધશ્રધ્ધા જન્મે તો જ નિઃસ્વાર્થ ભાવ જન્મ લેતો હોય છે.
  • આવી અંધશ્રધ્ધામાં રાચતા વ્યક્તિની શ્રધ્ધા એકદમ પવિત્ર અને નિઃસ્વાર્થ કહી શકાય. કેમ કે આ કક્ષા બાદ વળતરની અપેક્ષા નહિવત બની જાય છે અને ક્યારેક વળતરનો એ સ્વાર્થ ભુલીને પોતાની જાતને જે-તે વસ્તુ/વ્યક્તિ કે અન્ય હેતુ માટે નિઃસ્વાર્થ પણે ખપાવી દેવા તૈયાર થઇ જાય છે.
  • આ સ્થિતિમાં વ્યક્તિની સામે તર્ક, વાસ્તવિકતા કે વૈજ્ઞાનિક સત્યની કોઇ કિંમત હોતી નથી, તેની માટે તેની અંધશ્રધ્ધા3 જ સર્વોપરી, સનાતન અને નિઃસ્વાર્થ બની ગઇ હોય છે.

માટે, ઉપરોક્ત પુર્ણ વાક્યના અધ્યયન અને તે વિશે વિચારણા કર્યા બાદ કહી શકાય કે શરુઆતમાં જણાવેલ આખું વાક્ય/ક્વૉટ સદંતર ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.

લાગતા-વળગતા નોંધ લે.
ન સમજાય તે ઇગ્નૉર કરીને આગળ વધે.
અસ્તુ.

🙏