Oct’20 – અપડેટ્સ

બે મહિનાથી હું અહીયાં નથી આવ્યો. બીજે બધેથી પણ લગભગ ગાયબ છું. યાદ કરાવે એવું કોઇ વ્યક્તિ હવે રહ્યું નથી; તો પણ અંદરથી એમ લાગે કે મને સાવ અજાણ્યું કોઈ અવાજ આપી રહ્યું છે. અહીયાં મને બોલાવી રહ્યું છે. મારી વાત કહેવા આગ્રહ કરી રહ્યું છે, મને સાંભળવા જીદ કરી રહ્યું છે.

ઓગષ્ટથી ઓક્ટોબર, વરસાદથી માસુમ ઠંડી સુધી; એમ જોઇએ તો લાંબો સમય વહી ગયો છે અને અલગ રીતે દેખીએ તો માત્ર બે મહિના જ તો વિત્યા છે. દ્રષ્ટિનો ખેલ બહુજ અજીબ હોય છે, જે સામાન્ય દેખાતું હોય તેમાં પણ કશુક અઘરું શોધી લે અને એનાથી ઉલ્ટુ પણ કરી દે.

ચાલ્યા કરે આમ જ.. સમયનું કામ છે વહેતા રહેવાનું. કાર્તિકભાઇની ભાષામાં કહું તો, “લોકડાઉન જેવું કંઇ રહ્યું નથી..”… પણ હું હજુયે લોકડાઉનની અસરમાં હોઉ એમ ક્યાંક અટકેલો લાગુ છું.

કોરોનાને ભુલતાં-સંભારતા અને તેનાથી ડરતા-બેફિકર રહેતા હવે લગભગ તેની સાથે રહેવાની આદત પડી ચુકી છે. ઘર પરિવારમાં બધા આજસુધી સલામત રહ્યા તે સારું છે, આશા છે કે હંમેશા બચી રહીએ. એમ તો કોરોનાની કૃરતા નજીકથી પણ જોઇ લીધી, તેની અસરથી વ્યક્તિને ભુતકાળ બની જતાં પણ જોઇ લીધું. હજુ પણ ભવિષ્યમાં શું જોવાનું બાકી હશે સમજાતુ નથી.

આજે ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ છે. બસ, હાજરી પુરાવવા જ આવ્યો હતો. બીજી વાત આવતા મહિને થશે..

જનરેશન 2.0

નાયરાઃ પપ્પા, આ વીડીયો પ્લે કેમ નથી થતો?
પપ્પાઃ ટીવીમાં એવું ના થાય.
નાયરાઃ કેમ?
પપ્પાઃ …… 😐


નવા જમાનામાં જન્મેલા ટબુડાઓને ટચ સ્ક્રીન અને નોન-ટચ સ્ક્રીન વચ્ચેનો ફરક પણ કઇ રીતે સમજાવવો? અને આ જનરેશને તો જનમ્યા ત્યારથી ટચ ડિવાઇસ દેખ્યા છે; હવે બગ્ગુ ને કોણ સમજાવે કે ટીવી સ્માર્ટ તો થયા છે; પણ હજુ સ્પર્શથી કામ કરે એટલા હોંશીયાર નથી બન્યા.

અમારા ટાઇમમાં અમે ડબ્બા જેવા બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીવી દેખ્યાનું પણ યાદ છે; જો આ છોકરાંઓને એ વિશે કહીશ તો મને આદિમાનવ જેટલો જુનો ગણી લેશે!!

🧔

Aug’20 : અપડેટ્સ-2

~ એકંદરે સામાન્યથી વધુ વરસાદ પડી ચુક્યો છે. લગભગ ડેમ-તળાવ-જળાશય છલકાઇ ચુક્યા છે અથવા તો છલાકાવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ વરસાદની આગાહી કરી છે. (જો કે અમે તેમની આગાહીઓને સિરિયસલી નથી લેતા. સૉરી, હવામાન વિભાગ.)

~ સખત ગરમી વિશે પણ લખવા જેવું હતું પણ સતત બે અઠવાડીયાથી ચાલી રહેલા વરસાદના કારણે હવે તે જુના સમાચારને ટાળવા ઠીક રહેશે. આજકાલ વાતાવરણ વાદળછાયું અને ઠંડુ રહે છે. દિવસમાં ગમે ત્યારે વરસાદ અને તડકો આવ-જા કરે છે. (આસપાસ વરસાદ હોય એટલે હું ખુશ રહું તે હવે સામાન્ય ઘટના છે.)

~ રોડ-રસ્તા ઘણાં બગડ્યા છે પણ તે વિશે વરસાદી સમયનો કાયમી કકળાટ કરવામાં કોઇ ફાયદો નથી લાગતો. લગભગ નવા બનેલા કે રીપેર થયેલા રોડ વધારે બગડ્યા છે! (વરસાદની આ આડ-અસર પણ રહેવાની જ.)

~ પણ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાકરોને બચાવવાનો જરાય ઇરાદો નથી. મારી સલાહ માને તો દરેક રોડની શરૂઆતમાં જે-તે કોન્ટ્રાકટ કંપનીનું નામ-સરનામું-સંપર્કની સાથે-સાથે રોડની કેપેસીટી અને ગેરંટીડ-લાઇફ દર્શાવતા બોર્ડ મુકવા જોઇએ. (આવું સુચન આપનાર હું પહેલો નહી હોઉ તેની મને ખબર છે.)

~ આજકાલ દેશમાં Fogg ની જગ્યાએ સુશાંત-કેસ વધુ ચાલી રહ્યો છે! આ કેસ માત્ર પોલીટીકલ ગેમ બનીને ન રહી જાય અને કોઇ નિરાકરણ નિકળે એવી આશા. આમ તો બોલીવુડની ગંદકીમાં ઉતરવા જેવું નથી; પણ એ બહાને ‘સિતારા’-ઓની ચમકદમક પાછળ રહેલી બદ્તર હકિકત સામાન્ય લોકો સુધી પહોંચશે તોય ભલાઇ જ થશે. (અરે હા, સુશાંત-કેસની સાથે-સાથે દેશમાં કોરોના પણ ચાલી રહ્યો છે!)

~ છેલ્લા એક મહિનાથી લગભગ દર અઠવાડીયે કોવીડ-19 માટે રસી શોધ્યાનો દાવો કરવામાં આવે છે, પછી તે સમાચાર જ ખોવાઇ જાય છે. દેશના બીજા શહેર-ગામની જેમ અમદાવાદમાં પણ કોરોના “જોયું જશે” લેવલ પર પહોંચી ચુક્યો છે. થોડુંક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તે સિવાય બધું નોર્મલ થઇ રહ્યું છે. (નોર્મલ થાય એ જ ઠીક છે. નહી તો કેટલાયે ડિપ્રેશનમાં મરી જશે.)

~ હવે તો લગ્ન-સમારંભમાં લોકોની લિમિટ, ખાણી-પીણી બજાર, ક્લબ-હોટલ-રેસ્ટોરન્ટ બધું ખોલવાની છુટ મળી ગઇ છે. થોડાંક નિયમો બધે પાળવાના છે, પણ મુળ વાત એ છે કે આપણે હવે સામાન્ય સમય તરફ આગળ વધી રહ્યા છીએ. (મેં જે વિચાર્યુ હતું તેના કરતાં આ ઘણી ઝડપથી થઇ રહ્યું છે.)

~ મોદી સાહેબનો આદેશ માનીને અમે હવે પોતાની સમસ્યાઓ માટે આત્મનિર્ભર બન્યા છીએ. એમપણ બીજો વિકલ્પ નથી એટલે જાતે જ રસ્તો શોધીને આગળ વધવાનું છે. લાખો-કરોડોની મોટી-મોટી સરકારી સહાયની જાહેરાતોમાંથી એક બિઝનેસમેન તરીકે મને ક્યાં અને કેટલો સહયોગ મળશે, તે ઝીણી આંખે પણ દેખાતું નથી. (સરકારી જાહેરાતોને સરકારી જાહેરાત તરીકે જ લેવી જોઇએ.)

~ મજાક-મસ્તી તેની જગ્યાએ છે પણ ધંધા-રોજગારની ખરેખર પથારી ફરી ગઇ છે અને એમાંય ઉપરથી વરસાદની સિઝન આવી ગઇ છે એટલે તેની પણ અસર જણાય છે. એકરીતે સાવ નવરા છીએ અને વ્યસ્ત પણ છીએ. જન્માષ્ઠમી જેમ-તેમ પુરી થઇ અને હવે આવનારા નવરાત્રી-દિવાળીના તહેવાર લગભગ કોરોનાના નામે નિકળી જશે એમ લાગે છે. (ટુંકમાં 2020નું વર્ષ હું ન જીવ્યો હોવાનું અગાઉથી જાહેર કરું છું.)

~ આ તહેવારો પણ ઇકોનોમીનો એક જરુરી ભાગ હોય છે, તે અમે મેળવેલું નવું જ્ઞાન છે! અત્યાર સુધી અમે કેટલાક તહેવારો અને તેની પાછળ થતા ખોટા-મોટા ખર્ચને તદ્દન બિનજરુરી સમજતા હતા. દરેક તહેવાર પાછળ અનેક લોકોની રોજી-રોટી ટકેલી હોય છે, જેની સમજ આ કોરોનાકાળમાં મેળવી છે. (જુના સત્ય સામે સમયાંતરે કોઇ નવું સત્ય જણાય તો નવા સત્યને સ્વીકારવામાં મને કોઇ સંકોચ નથી.)

~ થોડા દિવસ પહેલાં વ્રજનો જન્મદિવસ મનાવ્યો જેની નોંધ આગળની પોસ્ટમાં હતી એટલે આજે તેના વિશે કંઇજ લખવું નથી. ઓગષ્ટની શરુઆતમાં ગુગલ-ફોર્મના ઉપયોગથી વ્રજની ઓનલાઇન પરિક્ષા પણ લેવાઇ હતી! ઓનલાઇન સ્કુલમાં મા-બાપ અને છોકરાંઓ, બંને માંથી કોઇને મજા નથી આવતી પણ ક-મને સ્થિતિ અનુસાર વર્તન કરવાની મજબુરીમાં બધું ચાલી રહ્યું છે. (શિક્ષકો પણ માંડ-માંડ હવે સેટ થયા છે.)

~ સ્કુલ-ફી માટે થોડા સમય પહેલાં ઘણી બબાલ ચાલી હતી, હવે અચાનક લોકો ઠંડા પડી ગયા છે. વ્રજની સ્કુલમાંથી મેસેજ મળ્યો છે કે તેઓ ફી’માં ચોક્કસ ડિસ્કાઉન્ટ આપશે. ક્યારે, કેટલું અને કઇ રીતે આપશે તેની ચોખવટ નથી કરી. (ચાર એડવાન્સ ચેકમાંથી ત્રણ ચેક ક્લીઅર પણ થઇ ચુક્યા છે! હજુ રાહ જોઇએ છીએ, જે બચ્યા એ કામના.)

~ હા, નાયરા અમારી સ્કુલ વગર બહુજ દુઃખી છે. જાન્યુઆરીમાં તેનું પ્લેગ્રુપમાં એડમીશન કરાવ્યું હતું અને તેને સ્કુલ જવાનો બહુજ શોખ હતો પણ કોરોના…. (ત્યાંય 30% એડવાન્સ ફી આપી હતી, કોણ માનશે?)

~ એમ તો મારા છોકરાંઓના જ ખર્ચા હોય છે એમ નથી. આ તો બિમારીની વાતોમાં નોંધ કરવાનું ભુલાઇ ગયું કે લોકડાઉનના થોડા દિવસ પહેલાં મેં નવો આઇફોન લીધો હતો. (મતલબ, ખર્ચે મેં ભી હમ ઉનકે બાપ હૈ!)

~ તો આ છે અત્યારના સમયની મારી આસપાસની અપડેટ્સ. અડધો કલાક આટલું લખવામાં ગયો છે અને 10 મિનિટ સુધારા-વધારા કરવામાં લાગ્યો. હવે પબ્લીશ કરવા સુધીમાં બીજી 5 મિનિટ જશે. કુલ પોણો કલાક એક અપડેટ પોસ્ટને આપ્યા પછી પણ થોડીવારમાં મને લાગશે કે આ વિષયે તો લખવાનું ભુલાઇ જ ગયું. (હંમેશા સે ઐસા હી હોતા હૈ મેસે સાથ..)


# ટેકલીનકલ મિસ્ટેક: સવારે વર્ડપ્રેસ સોફ્ટવેરની સાથે-સાથે કેટલાક પ્લગીન્સ, સેટીંગ, પોસ્ટ અને થીમ-ફાઇલ પણ અપડેટ કરવામાં આવી. તેના લીધે જે-જે લોકોને નવી પોસ્ટ તરીકે જુની પોસ્ટના ઇમેલ મળ્યા, તે બદલ જાહેર ક્ષમા-યાચના. (અને તેના કારણે નવા જોડાયેલા કોઇને અહીયાં લખાયેલી વર્ષો જુની વાતો જોવા મળી ગઇ હોય, તો તેઓ મારો આભાર પણ માની શકે છે!)