ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd

~ અગાઉની પોસ્ટમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને આખરે અમલમાં મુકવામાં આવી રહી છે. (હાશ, આજે એક સંભાવના તો અમલ સુધી પહોંચશે!)

– આપણે જાહેર/ખાનગીમાં હિન્દી/અંગ્રેજી ફિલ્મના હોંશે હોંશે વખાણ/નિંદા કરીએ પણ હજુયે અહી (એટલે કે ગુજરાત/ગુજરાતીઓમાં) સામાન્ય રીતે ગુજરાતી ચિત્રપટ (એટલે કે ફિલ્મ) વિશે ચર્ચા કરવાનો કે તેની રિવ્યુ અપડેટ કરવાનો રિવાજ નથી. (તે ન જ હોય ને… રીવ્યુ કરવા જેવી ફિલ્મો પણ ક્યાં બને છે!)

~ પણ… છેલ્લા કેટલાક વર્ષથી આ ક્ષેત્રે પવનની દિશા બદલાઇ છે! હવે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. (આવી ગયું છે એમ તો ન કહેવાય કેમ કે હજુ તો ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.)

~ અહી સરખામણી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટીય ફિલ્મ સાથે નથી, પણ અન્ય સ્થાનિક/પ્રાદેશિક ફિલ્મ સાથે તુલનાની વાત છે. આ માટે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઉદાહરણ/સીમાચિન્હરૂપ ગણી શકાય. (એ જમાનો કયારે આવશે જ્યારે રાષ્ટ્રીય/હિન્દી ટીવી ચેનલો ગુજરાતી ફિલ્મો હિન્દીમાં ‘ડબ’ કરીને આખા દેશના માથે મારતી હશે!! આમ પણ પેલા લુંગીધારીઓ ની ફિલ્મો જોઇને બધા થાક્યા છે…)

~ કદાચ પ્રસ્તાવનામાં ઘણું કહેવાઇ ગયું છે એટલે હવે મુળ મુદ્દા તરફ આવીએ. (નહી તો કયાંક વધુ કહેવાઇ જશે તો વળી કોઇ ગુજ્જુ ફિલ્મી ચાહકની લાગણી દુભાશે.)

~ સૌ પ્રથમ તો ફિલ્મના પોસ્ટર જોઇ લો… ઘણાંને ખબર જ નથી કે આવી કોઇ ફિલ્મ રિલીઝ પણ થઇ હતી તો માત્ર તેમની જાણ માટે. (અને કોઇને એમ ન લાગે કે હું ફિલ્મના નામે ગપ્પા મારી રહ્યો છું! 😉 )

ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd

~ નામ પ્રમાણે થોડીક હટકે ફિલ્મ તો છે. આ ફિલ્મની આખી વાર્તા ટુંકમાં જ કહી દેવાય એવી છે પણ અહી કહેવા કરતાં આખી ફિલ્મને નિહાળવામાં વધારે મજા આવે એવું છે. (તો પણ સ્ટોરી તો જણાવીશ જ.)

~ આખી ફિલ્મ એક કુટુંબના સ્વકેન્દ્રી સભ્યો અને તેમાંયે મુખ્યત્વે એક વ્યક્તિની આસપાસ ફરે છે. આ પરિવારમાં સોફિસ્ટીકેટેડ વાઇફ, સ્ટ્યુપીડ દિકરી અને ડ્યુડ જાડીયો(દિકરો) પણ છે જે તેના બાપને ‘બ્રો'(bro) કહીને બોલાવે છે!

~ દરેક પાત્રનો અભિનય વખાણવા લાયક છે પણ આખી ફિલ્મમાં જો કંઇ નબળું લાગ્યું હોય તો તે છે તેની વાર્તા. (યાદ રાખો: હું કોઇ પ્રોફેશનલ રીવ્યુઅર નથી. આ માત્ર મારો અંગત મત છે.)

~ સ્ટોરી ટુંકમાં કહું તો ફિલ્મનો મુખ્ય એક્ટર મુંબઇમાં મોટો બિઝનેસમેન છે જેને કોઇ કિલર તરફથી મારી નાખવાની ધમકી મળે છે જેથી તે કિલરથી બચવા પોતાના પરિવારને લઇને ગુગલ પણ ન શોધી શકે એવા ગામમાં છુપાવા જાય છે જે તેનું મુળવતન છે અને ત્યાં તેના મોટાભાઇ પણ રહે છે.

~ આ એક એવું ગામ છે જયાં પૈસાની કોઇ ‘વેલ્યુ’ નથી અને બધા લેતી-દેતીના વ્યવહારો સાટા પધ્ધતિથી થાય છે જેના કારણે ગામમાં નવા આવેલા આ શહેરી પરિવાર માટે ગુંચવાડા/સમસ્યા અને રમુજી ઘટનાઓ ઉદભવે છે. છેલ્લે દુર રહેતા ભાઇઓ નજીક આવે છે અને સ્વકેન્દ્રી સભ્યોમાંથી એક પરિવાર બને છે. બસ, વાર્તા પુરી. (પછી ‘ખાધુ-પીધુને રાજ કર્યું’ એમ માની લેવું.)

~ પણ પણ પણ….. જે કંઇ જોવા અને માણવા જેવું છે તે બધું આ નાનકડી સ્ટોરીની વચ્ચે સમાયેલું છે અને તે માટે તો આખી ફિલ્મ જ જોવી પડે. ફિલ્મમાં વિલનના જોડકણાં સાંભળીને ફેસબુકીયા કવિઓ યાદ આવી જશે. (પ્રાસ બેસી ગયો એટલે ‘શેર’ તૈયાર!!)

~ ઘણી ફ્રેશ કોમેડી છે તો કોઇ-કોઇ જગ્યાએ ચીલા-ચાલું જોક્સને નવો ઓપ આપવામાં આવ્યો છે. જો મગજ વાપરશો કે હિન્દી/અંગ્રેજી (કે તમીલ/તેલુગુ) ફિલ્મ સાથે સરખામણી કરશો તો ફિલ્મ ઓછી ગમશે પણ ગુજરાતી ફિલ્મ સાથે સરખામણી કરશો તો ચોક્કસ ‘વન ટાઇમ વૉચ’ ફિલ્મ લાગશે.

~ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ માટે ઓડિયન્સને થીયેટર સુધી ખેંચી લાવે તેવા મજબુત કારણો હોતા નથી અને વળી આ ફિલ્મ ઘણાં ઓછા થીયેટર/મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થઇ હતી એટલે તેને પ્રમાણમાં ઓછું ઑડિયન્સ મળ્યું હોઇ શકે એવું મારું માનવું છે. (મારા મતે માર્કેટીંગમાં પણ ‘કેવી રીતે જઇશ‘ કરતાં આ ફિલ્મ થોડી કાચી પડી છે)

~ હવે કદાચ આ ફિલ્મ થીયેટરમાં તો નહી રહી હોય એટલે બીજે કયાં જોવા મળી શકે તે અત્યારે કહેવું મુશ્કેલ છે અને તેની CD/DVD માર્કેટમાં આવતા પણ એકાદ વર્ષ લાગી શકે. એટલે જેઓ ચુકી ગયા હોય તેઓએ થોડી રાહ જોવી જ પડશે.

આ ફિલ્મને બગીચાના માળી તરફથી..

rating at marobagicho

5 માંથી 2.5 ફુલડાં


Photo credit : theahmedabadblog.com

ફિલ્મ : ‘BETTER હાફ’

– થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોંધ લેવાની ભુલાઇ ગયેલી એક સરસ ફિલ્મ એટલે… “બેટર હાફ

– આ ફિલ્મની નોંધ લેવામાં ચુક થાય તે ચલાવી તો ન લેવાય. (તો પણ હવે મારી યાદશક્તિની કમજોરી આગળ હું મજબુર છું.) જો કે એક વાત એ સારી થઇ કે આ ભુલના કારણે આજે અહી વિસ્તારથી લખી શકાશે. 🙂

– હા, તો હવે વાત ફિલ્મની…

– ફિલ્મનું નામ છે Better હાફ. નામ પરથી અંગ્રેજી ફિલ્મનું ટાઇટલ લાગે પણ આ તો છે સંપુર્ણ સ્વદેશી અને એમાંયે આપણી પોતાની ભાષામાં બનેલી એક ગુજરાતી ફિલ્મ!

– આજના યુવાનના સંદર્ભમાં પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ ઉપરાંત ઉદભવતા સમસ્યા-સમાધાનને આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે. ફેસબુકમાં મિત્ર તરીકે જોડાયેલા આ ફિલ્મના ડાયરેક્ટર શ્રી આશિષભાઇ કક્કડના કારણે આ ફિલ્મ તરફ અનાયાસે જ ધ્યાન ગયુ હતું અને તેના વિષયે તેની તરફ આકર્ષણ જગાવ્યું હતું. (જો કે આશિષભાઇ સાથે હવે કોઇ સંપર્ક નથી.)

– ફાઇનલી, હમણાં જ ડીવીડી ખરીદવામાં આવી અને નિરાંતની પળોમાં આ ફિલ્મને ન્યાય આપવામાં આવ્યો. (ફિલ્મ રીલીઝ થઇ ત્યારે થીયેટરમાં નહિ જોવાનું આજે ખરેખર દુઃખ થયું.)

– આ ફિલ્મમાં ખાસ કહેવાય એવા કોઇ દેશી-વિદેશી લોકેશન નથી કે પછી કોઇ મસ-મોટા સેટ પણ નથી! (અને હા, અહી કોઇ ધોતિયાં-કેડિયાંમાં કે ઘાઘરા-ચોલીમાં ગરબે રમતાં લોકોની વાત પણ નથી.)

– બસ, આજના માહોલને અનુરૂપ અને બદલાતા સમયના પરિમાણ મુજબની એક ‘સિમ્પલ‘ ગુજરાતી ફિલ્મ છે. મારી કે તમારી કહાની જ જોઇ લો. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અમદાવાદમાં થયેલું છે એટલે કે જાણે આસપાસની જ ઘટના લાગશે. (ગુજરાતી ફિલ્મની સામાન્ય છાપ અંગે મારૂ માઇન્ડ-ચેન્જ કરવામાં આ ફિલ્મને ક્રેડિટ આપવી પડે.)

– આ ફિલ્મમાં મને જે વધુ ગમ્યું તે એ છે કે ગુજરાતી ફિલ્મ હોવા છતાં ગુજરાતીને ન સમજાય એવી શુધ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગનો હઠાગ્રહ રાખવા કરતાં યુવાનોમાં પ્રચલિત ભાષાનો ઉપયોગ. જો ગુજરાતી ફિલ્મો આ ટ્રેક પકડશે તો તેની દશા/દિશામાં સો ટકા ફરક આવશે અને આજના યુવાન દર્શકો પણ ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષાશે.

ફાસ્ટફુડ/કોફીશૉપ-લવ થી ઘણી દુર ‘પ્રેમ’ની સુંદર વ્યાખ્યા અને સંબંધનું મહત્વ છે આ ફિલ્મમાં. લાગણી, કામ, વ્યવહાર, જરૂરિયાત અને પ્રેમની મજબુત અભિવ્યક્તિ છે આ ફિલ્મમાં. મને ખરેખર આ ફિલ્મ ઘણી ગમી.

વર્કિંગ કપલને લગ્ન બાદ કરવા પડતા સમાધાન અને ઉભી થતી સમસ્યા બાદ તેમના કામ સાથે પરિવારનો તાલમેલ આ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ અને તેનાથી વહેતા વિચારને યુવાનીના પગથિયા પર પગ મુકવાનું શરૂ કરેલા કે પ્રેમના રસ્તે આગળ વધતા અને લગ્નજીવનની શરૂઆત કરતાં કે ટકાવી રાખવાની ઇચ્છા ધરાવતા દરેક યુવાન-યુવતીએ એ ચોક્કસ જોવા જેવા અને સમજવા જેવા છે. ( મારી જેમ ઘણાં લોકો ચુકી ગયા હશે એવું મને લાગે છે.)

# આ મુવીથી ‘પ્રેમ‘ વિશે ફિલ્મમાં શીખવા મળેલી બે સુંદર વાત

  • જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ.
  • એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો એ બન્ને અલગ વાત છે.

ફિલ્મના પોસ્ટર અને ઝલક –

નોંધ – ‘ફિલ્મ’ શબ્દનું સામાન્ય ગુજરાતી ‘ચિત્રપટ’ થાય. પરંતુ ‘ચિત્રપટ’ શબ્દનો ઉપયોગ ગુજરાતીમાં હવે નહિવત રહ્યો હોવાથી અને ‘ફિલ્મ’ શબ્દનો ઉપયોગ પ્રચલિત હોવાથી તેનો ઉપયોગ છુટથી કરવામાં આવ્યો છે. કોઇને વાંધો હોય તો સુધારીને વાંચી લે… બીજુ શું…