જે થાય છે તે સારા માટે જ થાય છે?..

~ મને આ વાતમાં પહેલાથી શ્રધ્ધા નહોતી અને આજે ફરી એકવાર નક્કી થયું કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.

~ મારી આસપાસ ઘણાં લોકો છે જે હંમેશા એમ માને છે કે જે થાય છે તે બધું સારું જ થાય છે.

~ જો ભુતકાળમાં કંઇ ખરાબ થયું હોય તો તેમાં ભવિષ્યમાં કંઇક સારું થવાનું હોવાની આશા તેઓ શોધી લે છે.

~ જો બીજું કોઇ કારણ ન શોધી શકે તો છેલ્લે ઇશ્વરની મરજી માનીને સ્વીકારી લે છે.

~ સૌની શ્રધ્ધા અને વિશ્વાસ તેમને મુબારક.. 🙏


જે થાય છે તે સારા માટે જ થાય છે તેવું નથી હોતું. Je thay che te sara mate nathi thatu..

બાબા બગીચાનંદ જણાવે છે કે;

ભુલને ભુલ તરીકે અથવા તો કોઇ દુર્ઘટનાને દુર્ઘટના તરીકે ન સ્વીકારી શકવાની આવી માનસિકતાનો ઉપયોગ જે-તે વ્યક્તિ આશાવાદી બનીને પોતાની અંદરનો ડર છુપાવવા માટે કરતો હોય છે ;અથવા તો વાસ્તવિક પરિસ્થિતિથી દુર ભાગવા માટે કરતો હોય છે.

આશાવાદી બનવું ખોટું નથી પણ સ્વીકારવું પડશે કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.

નશીબ કે ઇશ્વર મરજી સમજીને નિષ્ક્રિય બની રહેવા કરતાં ભુલને સુધારવા માટે કે દુર્ઘટનાથી બહાર આવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.

બ્રેક એલર્ટ!

~ જાહેર જગત નોંધ લે કે આ સંસ્થાના સંસ્થાપક (એટલે બગીચાના માળીભાઇ!) ઠંડા પ્રદેશની સહેલગાહ કરવા હેતુ લગભગ 12 દિવસ બ્રેક ઉપર રહેશે, જેથી સંપર્ક નહિવત રહે તો દરગુજર કરશો. 🙏

~ હું જાણે ખાસ હસ્તી હોઉ એવા ભ્રમમાં ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હોવાનું લાગી શકે. (મને જ લાગે છે તો બીજાને એવું જણાય તે સ્વાભાવિક છે.)

~ ‘મગજમાં રાઇ ભરાઇ જવી‘, આ કહેવત કદાચ મારા જેવા લોકોની આવી માનસિક-વિકૃતિ દર્શાવવા માટે જ બનાવવામાં આવી હોવી જોઇએ! 🙂 (સાઇડટ્ર્રેકઃ દરેક ભાષાની કહેવતોને મુલ્યવાન ઘરેણાં કહેવાય; ભાષાનો આ પ્રકાર મારો ફેવરીટ છે.)

~ એમ તો ઇંટરનેટ કનેક્ટેડ રહીશ પણ ટુકડે-ટુકડે. નોટીફીકેશનને મુડ કે સમય અનુસાર ચેક કરવામાં આવશે. (કોઇને ટુકડે-ટુકડે વાંચીને પાછળ ‘ગેંગ‘ શબ્દ યાદ આવી ગયો?, તો ઝી-ન્યુઝ સિવાય બીજી ચેનલ્સ પણ જોવાનું રાખો ભાઇ..)

~ થોડા દિવસ માટે કામકાજમાંથી બ્રેક લેવાનો છે એટલે હવે અહીં લખવા કરતા થોડું કામ પણ કરી લઉ તો મારી માટે સારું રહેશે. હે ને? (એમ જ રોજેરોજ કંઇપણ લખ્યા રાખું છું તો કોઇને જાણીને નવાઇ પણ લાગી શકે કે હું કામધંધોયે કરું છું!)

~ લગભગ અઠવાડીયાથી ઓફિસમાં ભવિષ્યનું એ આયોજન ચાલે છે કે આ દસ-બાર દિવસમાં કઇ-કઇ જરૂરિયાતો ઉદ્ભવી શકે અને કઇ-કઇ સંભાવનાઓ જન્મી શકે! (હું બ્રેક ઉપર હોઇશ, ઓફિસ તો ચાલુ રહેશે યાર..)

નીંદામણઃ રમેશભાઇ કી માં કેહતી થી, ધંધા કરને સે કોઇ છોટા નહી હોતા, ઔર ધંધે સે બડા કોઇ કામ નહી હોતા

પચી

ચમચી નો ફોટો

~ પચી બોલે તો… ચમચી.

~ બગ્ગુ ચમચી ને પચી કહે છે અને ગમે એટલું સુધારીને બોલાવો તો પણ એ પચી જ કહેશે. 😇

~ વ્રજ શરૂઆતમાં તેને મંચી કહેતો!

~ વ્રજ વખતે આવા શબ્દોનું લિસ્ટ બનાવવાનો વિચાર કર્યો હતો પણ આળસમાં ચુકી જવાયું. આજે તો એ સમયના ઘણાં શબ્દો ભુલાઇ ગયા છે.

~ હવે, નાયરાએ મોકો આપ્યો છે તો તેના એવા બધા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ફરીવાર વિચારું છું. (ભવિષ્યમાં આ બધા શબ્દો પણ ભુલાઇ જશે એ નક્કી છે.)

~ જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે દરેક બાળકના ઉચ્ચાર ખાસ હોય છે. જો કે બીજાને રસ ન હોય પણ મા-બાપ માટે તે ભાષા સૌથી ઉત્તમ હોય છે; જેમાં બાળક વસ્તુઓને તેના કાલા-ઘેલા નામથી ઓળખતા શીખે.