~ પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી જે સમયજતાં ગાંધીજી અને બાપુ તરીકે આખા ભારતમાં ઓળખાયા. તેમની મહાત્મા બનવા તરફની યાત્રાની શરુઆત જ્યાંથી થઇ તે જગ્યા એટલે આ સાબરમતી આશ્રમ.
~ એક સમયગાળા દરમ્યાન ગાંધીજીનું રહેઠાણ રહેલ આ જગ્યા હવે ઐતિહાસિક સ્થળ છે; જેની મુલાકાતે વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે… પણ અમદાવાદમાં કાયમી વસતા હોવા છતાં મેં 15 વર્ષ બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી! (જેની પાસે હોય તેને તેની કદર ન હોય તે માનવ સ્વભાવમાં છે.)
~ આશ્રમ રોડ પર મહિનામાં 15 વાર જવાનું થતું હશે તો પણ કેમજાણે મનથી ઇચ્છા હોવા છતાંયે આ સ્થળે અટકવાના સંજોગ બનતા ન હતા. છેવટે એક બહાને દિવસ નક્કી થયો અને મુલાકાતનો પ્લાન બની ગયો. (ઘણીવાર મને ધક્કો મારનાર અથવા તો ખેંચી જનાર વ્યક્તિ કે કારણ ખુટતું હોય છે.)
~ અહીયાં 15-મી ઓગષ્ટના દિવસે આવવાનો પ્લાન હતો એટલે પહેલાંથી માનસિક રીતે તૈયાર હતો કે સ્વાતંત્ર્ય દિવસ હોય અને ગાંધી આશ્રમ જેવી જગ્યા હોય તો હાઇ-સિક્યુરીટી હોવી સ્વાભાવિક છે. એમપણ આવા દિવસોમાં રિસ્ક સામાન્ય દિવસો કરતાં વધુ રહે છે.
~ પહોંચતા પહેલાં વિચારીને રાખ્યું હતું કે ચારે તરફ કડક સુરક્ષા હશે એટલે કેમેરાને અંદર લઇ જવાની પરવાનગી પણ ન મળે, મોબાઇલને કદાચ ગાડીમાં જ રાખવો પડશે અને દરેક ખુણે તમારી ઉપર નજર રાખવા માટે કમાન્ડોઝ હાજર હશે; પણ અહીયાં તો સાવ અલગ અહેસાસ થયો. મુખ્ય એન્ટ્રીમાં એક-બે સામાન્ય પોલીસવાળા સિવાય કોઇ જગ્યાએ એવું કંઇજ ન જણાયું અને જે-જે વિચાર્યું હતું એવું તો કંઇ જ ન થયું!
~ અહીયાં બધી જગ્યાએ કોઇજ પ્રકારની રોકટોક વગર મનફાવે ત્યાં ફરી શકાય છે અને ઐતિહાસિક ઇમારતો તથા બીજા મુલાકાતીઓને ખલેલ ન થાય એમ જ્યાં ફાવે ત્યાંથી, જેવા ફાવે તેવા ફોટો ક્લીક કરી શકો છો! (આ મને વધારે ગમ્યું.)
~ કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ નથી અને અંદર કોઇ ફેરીયા/ભીખારીઓ કે ગાઇડનો ત્રાસ નથી એ પણ ગમ્યું. જો કોઇ વિષયે માહિતી કે ઐતિહાસિક જાણકારી ઇચ્છો તો આશ્રમના વ્યવસ્થાપકો વિસ્તારથી જણાવવા તત્પર છે. (બસ, એકવાર તેમને પુછવું પડે!)
~ ખરેખર શાંત અને રમણીય જગ્યા છે. આજે આ જગ્યાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા બદલ વ્યવસ્થાપકોને શાબાશી આપવી પડે! ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના આશ્રમમાં આજે પણ તેનું ધ્યાન રખાય છે તે સારું લાગ્યું.
~ અમારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ દેશની આઝાદી સમયના એક વિશિષ્ટ અને સમગ્ર દુનિયામાં સન્માનિત વ્યક્તિની ખાસ જગ્યા વિશેની આ મુલાકાત પોસ્ટમાં તે બધું ઉમેરવું યોગ્ય નથી લાગતું. (ક્યારેક અંદરની નકારાત્મકતાને કંટ્રોલ કરવી જરુરી હોય છે.)
# હવે છે સ્થળની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલ ક્લીક્સઃ
# સ્થળ અને દિશા સુચક પાટીયાંઓ.. (આ ફોટો એટલાં માટે છે કે અહીયાં શું-શું આવેલું છે તે સમજી શકાય.)
આશ્રમમાં ગાંધીજી જે ઘરમાં રહેતાં તે ઘરના ફોટો..
*કોઇપણ ફોટો પર ક્લીક કરીને તેને પુરા કદમાં જોઇ શકાશે.
# આશ્રમના પરિસરમાં બનાવવામાં આવેલ સુંદર મ્યુઝીયમ..
~ આ સંગ્રહાલયમાં મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરની ફોટોગ્રાફ સાથે વિસ્તૃતમાં માહિતી છે અને એ પણ વાંચવી-જોવી ગમે તે રીતે સુંદર આયોજનથી ગોઠવાયેલી! જેના કેટલાક ફોટોગ્રાફ અહી નીચે જોઇ શકો છો..