અપડેટ્સ – 51

– આમ તો આ અપડેટમાં કંઇ નવી માહિતી નથી પણ આગળની પોસ્ટનું અનુસંધાન કહી શકાય. (કયારેક ઉતાવળમાં વિગતે લખવાનું ચુકી પણ જવાય યાર…)

– આ પહેલા વ્રજની જે ફોટો અપડેટ પોસ્ટ કરવામાં આવી તેને ધ્યાનથી નિહાળનાર સજ્જન/સન્નારીને ચોક્કસ થયું હશે કે, “વ્રજ સુધી તો ઠીક છે પણ આ લાલ-લાલ મોટર-વાહનનું પ્રદર્શન શા માટે??…” (જો કે આપશ્રી એ એમ વિચારીને મન પણ મનાવ્યું હશે કે અમને એ વસ્તુ પ્રદર્શનમાં રસ હશે એટલે અત્રે વ્રજના ફોટો બહાને તેને પણ રજુ કર્યું હોય.)

– ના બાબા ના.. અમે એમ કોઇ નાહક પ્રદર્શન નથી કર્યું, ચોક્ક્સ સૌને બતાવવા જ અહીયાં તેને રજુ કરવામાં આવ્યું છે અને આજે તે બહાને તેની નોંધ પણ લેવાઇ જાય તેવી એક ઇચ્છા પણ ખરી. (આમ તો મુળ ઇરાદો અહી નોંધ લેવાનો જ હતો પણ લોક લાગણી ને માન આપીને અમે આપને દેખાડવાની વૃતિને પ્રાથમિકતા આપી છે.)

– હા તો મુળ વાત એ છે કે ચાર દિવસ પહેલા મેડમજીનો જન્મદિવસ હતો અને એ જે લાલ-લાલ રંગમાં રંગાયેલું જણાય છે તે તેમની જન્મદિવસની સરપ્રાઇઝ ગિફ્ટ છે. આ બહાને મને પણ તેના ચહેરા પર સરપ્રાઇઝ-સ્માઇલ જોવા મળી. ચલો, ગિફ્ટ વસુલ. 🙂 (આ ગિફ્ટ અચાનક દેખ્યા પછી એ લાલ રંગ મેડમજીના ગાલ પર પણ દેખાતો’તો!)

– આમ તો અમે અંગત રીતે લીલા રંગના ચાહક છીએ પણ આ રેડ-કલર વ્રજની ચોઇસ છે! તેને દરેક વસ્તુમાં લાલ રંગ સૌથી વધારે પ્રિય છે. કપડાં-રમકડાં સુધી તો ઠીક હતું પણ તેના કારણે મને મારા રૂમમાં પણ એક જગ્યાએ લાલ રંગ કરાવવો પડયો છે! (ઉપર ‘હેડર’માં મારા રૂમની તે જગ્યાનો જ ફોટો છે.)

– એમ તો હવે લાગે છે કે, યે લાલ રંગ મેરા પીછા નહી છોડેગા… ઓકે. હવે બીજુ થોડા દિવસોમાં ફરી ઉમેરીશ. (એમ પણ એક જ દિવસમાં બેક-ટુ-બેક પોસ્ટ ઉમેરીને મેં મારા બગીચાનો વર્ષો જુનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે!)

– આવજો… ખુશ રહો!

બસ, એમ જ….

– હા, હું હજીયે જીવું છું! …. (વિશ્વાસ નથી આવતો ને!.. મનેય નથી આવતો. 🙂 )

– ઘણાં દિવસે અહીયા આવીને બધુ નવું નવું લાગે છે. વિચારું છું કે ખરેખર ક્યારેક હું અહીયાં નિયમિત કંઇક લખતો હતો કે! (સમયચક્રનું પરિવર્તન.. યુ નૉ!)

– આજે લગ્નો વચ્ચે એક દિવસનો સરપ્રાઇઝ સન્ડે મળ્યો છે એટલે થયું કે કંઇક જુનુ કરીએ. (કંઇક નવું કરવાનો વિચાર સૌને આવે પણ થોડી વિચિત્રતા ધરાવતા મનુષ્ય હોવાથી અમને આવા વિચાર પણ આવે!)

– મારા બગીચાના એક જુના મુલાકાતીના ઇમેલ દ્વારા જાણ થઇ હતી કે અહી કોઇ-કોઇ પોસ્ટનું લખાણ કાળા અક્ષરમાં હોવાથી ડાર્ક-બેકગ્રાઉન્ડના કારણે સ્પષ્ટ વાંચી શકાતુ નથી એટલે આજે તેવી પોસ્ટને શોધી-શોધીને edit કરવાનો વિચાર છે. (ઇમેલ બદલ જાહેર આભાર અને લાંબા સમય સુધી પ્રતિભાવ ન આપવા બદલ જાહેર ક્ષમાયાચના. આપ જેવા જાગૃત મુલાકાતીઓ સૌને મળે એવી આશા!)

– આજે બ્લૉગર સજ્જનોને બાબા બગીચાનંદની એક ટીપ: થીમ બદલતી વખતે તથા નવી વાતો ઉમેરતી વખતે વિસ્તૃત દ્રષ્ટિ જાળવવી જોઇએ જેથી નવીનીકરણથી ભુતકાળમાં વિક્ષેપ ન ઉદભવે અને ભવિષ્યમાં સુગમતા રહે. બને ત્યાં સુધી મુખ્ય લખાણનો રંગ automatic રહેવા દેવો અને અન્ય લખાણમાં પણ કલર-કલર રમવાથી બચવું. (ભક્તજનોને વિનંતી કે દક્ષિણા આપીને તેની પહોંચ અચુક લઇ લેશો.)

– આજે ઘણાં સજ્જનોને પણ વાંચવામાં આવી રહ્યા છે એટલે વધારે નથી લખવું. આ પછીની બીજી પોસ્ટ સાંજ સુધીમાં જ આવશે એવું અત્યારે કહી શકાય. (આ એક શક્યતા છે, બાકી તો આ લખ્યા પછીની બીજી મિનિટે શું થશે તે વિશે રમેશભાઇનેય ખબર નથી!)