રસ, રસી અને રસીક

કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને એકમાત્ર રસ્તો હોવાથી તે દિશામાં મહેનત કરવી યોગ્ય પણ છે.

અત્યારે તો લિમિટેડ સ્ટોક સાથે મળી રહી છે એટલે બધાને મળતા થોડોક સમય લાગશે. પોતાનો નંબર ન લાગે ત્યાં સુધી ધીરજ રાખવી પડે એમ છે અને સાથે-સાથે રસી મુકાવવી પણ એટલી જ જરૂરી છે.

એમ તો મારી આસપાસમાં જ બે-ચાર એવા લોકો પણ છે જેમને રસી કેટલી જરૂરી છે તે સમજાવવામાં હું અસફળ રહ્યો છું; એટલે બધા સરળતાથી માનશે એવું નથી લાગતું. કોરોના ચેપથી કાયમી બચવા માટ રસી સિવાય અત્યારે કોઇ વિકલ્પ નથી દેખાતો.

આજે અમો અહી આ જાહેર યાદી પ્રસિદ્ધ કરીએ છીએ કે અમે પોતે પણ સ-જોડે રસી મુકાવી લીધી છે. જો કે હજુ સુધી કોઈ ઈ-જગ્યાએ તે અન્વયે ફોટો-જાહેરાત નથી કર્યા; જેની લાગતા-વળગતાં લોકો નોંધ લે.

પ્રવર્તિત સામાજીક રિવાજ પ્રમાણે અહીં અમારો પોતાનો ઇન્જેક્શન લઈને ઉભેલી નર્સ સાથેનો ફોટો રજૂ કરવાનો હોય પરંતુ સંસ્થાના બંધારણમાં સુચવેલ ઓળખ-ગુપ્તતા-અધિનિયમ નં-4ક અનુસાર તે શક્ય નથી.

નિયમ એટલે નિયમ. તો ફોટોની નોંધ શક્ય નથી; પણ અનુભવની નોંધ ચોક્કસ કરીશ. જે રીતે લોકો રસીથી ડરી રહ્યા છે, તેમને હિંમત આપવા મારો આ અંગત અનુભવ કદાચ કામ આવી શકે.

  • સાવ ભૂખ્યા પેટે ન જવું એવું અમને કોઈએ સમજાવ્યું હતું એટલે બપોરે ધરાઈને રસ-રોટલી-શાક ખાઈને રસી અપાવવા ગયા હતા.
  • જે બપોરે રસી મુકાવી તે દિવસે રાત્રે તાવ આવ્યો જે બીજા દિવસે સવારથી ઓછો થતો ગયો. બપોર સુધીમાં બિલકુલ ઠીક અને બધું નોર્મલ. (બસ ઈતની સી સ્ટોરી હૈ)
  • રસી સમયે આપેલ દવા ચાર ટાઈમ સમયસર લીધી. (તાવ ઉતરી ગયો હતો તોય સોંય ભોંકનાર પરિચારિકાના શબ્દોનું માન રાખીને બાકી રહેલી છેલ્લી એક ગોળીને યોગ્ય સન્માન પણ આપ્યું હતું!)
  • રસી લિધા બાદ આજ સુધી બીજી કોઈ પ્રકારની તકલીફ થઈ નથી. પણ… જે હાથ પર રસી લીધી હતી તે હાથ કુલ ત્રણ દિવસ દુખ્યો. (આ થોડુંક અઘરું લાગ્યું હતું.)

અરે હા, અમે તો સરળતાથી નીકળી ગયા પણ મેડમજીનો અનુભવ અલગ રહ્યો. તેને બે દિવસ તાવ રહ્યો અને સતત ચક્કર આવવાની ફરિયાદ રહી. એમ તો ત્રીજા દિવસ પછી તે પણ ઠીક થઈ ગઈ હતી.

 

એકંદરે લોકો ડરાવતા હતા એવું કંઈ જ નથી. મને તો ઇન્જેક્શન ની સોય પણ ન’તી વાગી! (ઇન્જેક્શન લેતા પહેલાં મને આવોય ડર હતો બોલો, તમે માનશો?)

 

તો… હે સજ્જન તથા સન્નારીઓ અને મત આપવાની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિઓ, આપનો વારો આવે તેવો પ્રયત્ન કરીને જેમ બને તેમ ઝડપથી રસી મુકાવી લેશો.

💉

 

સાઇડટ્રેકઃ

બગ્ગી – ટાઇટલમાં જે રસ અને રસી છે તે વિશે ઉપર લખાયેલું છે; પણ ત્યાં રસીક શું કરે છે એવું નહી પુછો?
હું – જો બગ્ગી, અહીયાં આવીને આ બધું વાંચનારા ક્યારેય આવા સવાલ કરતા નથી.
બ. – સાચ્ચે?
હું. – હા બકા.
બ. – તો ચોખવટ ન કરું?
હું. – ના. કોઈ જરુર નથી.

Apr’21 – અપડેટ્સ

ખરેખર અપડેટ્સ તો આ સમયે નિયમિત લખવા જેવી હતી. ખૈર, હજુયે બદલાયું હોય એવું નથી. સમય ગંભીર અને નાજુક છે. કોરોનાને લીધે ચારેતરફ ભય અને અનિશ્ચિતતા નો માહોલ છે.

ગયા વર્ષે જે પરિસ્થિતિ ની આશંકા મનમાં આવતી હતી તે સ્થિતિ વચ્ચે અત્યારે જીવી રહ્યા છીએ. કોરોના કહેરનો આ બીજો તબક્કો ખરેખર ભયાનક છે. મને એમ હતું કે આપણે જેમતેમ બચીને સરળતાથી નીકળી ગયા, પણ મહામારીનું અસલી રૂપ હવે દેખાઈ રહ્યું છે.

હું પોતાને બીમારીઓ માટે સરળ શિકાર તરીકે દેખું છું અને કોરોના બાબતે જેટલો બેફિકર છેલ્લા ત્રણ મહિનાઓમાં રહ્યો છું એ જોતાં મને પણ નવાઈ લાગી રહી છે કે અત્યાર સુધી ખબર નહિ કેમ હું બચી ગયો! હા, હોઈ શકે કે મને ચેપ લાગ્યો હોય પણ સામાન્ય અસરથી અજાણતા જ તેમાંથી બહાર નીકળી ગયો હોઉં અથવા તો ‘ઇમ્યુનીટી’ નો કોઇ કમાલ હોઈ શકે.

હોસ્પિટલમાં જગ્યા અને ઇન્જેક્શન-દવા ખૂટી રહ્યા છે. ટેસ્ટ કરાવવા પડાપડી થઈ રહી છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાંથી નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે પોતાના સ્વજન ગુમાવતા લોકોને હું કોઈ જ ભાવ વગર જોઈ રહ્યો છું.

સમજાતું નથી કે પ્રયત્નથી કેટલો ફરક પડશે અને હું કેટલે સુધી કરી શકીશ. મન મજબૂત કરીને ફરી લાગી જઈએ તો પણ ફરી ક્યાંકથી કોઈ ઓળખીતા વ્યક્તિના મૃત્યુના સમાચાર મન ને ડગાવી દે છે. દવા-ઓક્સિજન કે હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી થયેલ મોત અસહ્ય હોય છે.

દરેક પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જ્યાં મળે ત્યાં રસ્તો શોધવા હવાતિયાં મારી રહ્યા છે. જેને હજુ સુધી એવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડ્યું તે બધા લોકો માટે દુર થી આવી સ્થિતિને દેખવું કદાચ અતિરેકભર્યું પણ લાગતું હશે. જેણે ભોગવ્યું છે અથવા તો નિકટના વ્યક્તિને ગુમાવ્યું છે તે જ સાચું સમજી શકશે.

સરકારી આરોગ્ય વ્યવસ્થા, જે લગભગ થાકેલી અવસ્થામાં જ હોય છે, તે હવે મરી જવાની અવસ્થામાં છે. નેતાઓ અને અધિકારીઓ હવે પોતાનું નાક બચાવવા તેને જબરદસ્તી જીવાડી રહ્યા છે. આશા રાખીએ કે તે એક સમય સુધી જીવી જાય તો ઘણાં બીજા જીવી જશે.

લોકોને સરકાર પરથી લગભગ વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. હા, હજુયે એવા લોકો છે જેઓને આવી પરિસ્થિતિમાં સરકાર પર પુરો અવિશ્વાસ નથી જાગ્યો અને એવાયે છે જેઓને હવે કોઈ ડોક્ટર પર પણ વિશ્વાસ નથી આવતો. સ્થિતિ એવી છે કે વિશ્વાસ ક્યાં અને કેટલો થઈ શકે તે નક્કી થઈ શકે એમ નથી. બધી જવાબદારી સરકાર પર નાખીને કે તેને ગાળો આપીને પબ્લીક તરીકે આપણે કંઇ જ સાબિત નથી કરી શકવાના અને સામે પક્ષે રાજકારણીઓ/અધિકારીઓ પણ ઘણી અવ્યવસ્થા માટે જવાબદાર છે.

હું હજુ અસમંજસ માં છું કે આ બધામાં સાચા કોણ અને ખોટા કોણ! વળી, એમાં સાચા ને કેટલાં સાચા કહેવા અને ખોટા ને કેટલાં ખોટા કહેવા એ પણ નક્કી થઈ શકે એમ નથી.

કોઈપણ સરકાર કે વ્યવસ્થા માટે અચાનક આવતી આવી મહામારીમાં પહોંચી વળવું અઘરું જ હોય છે. હંમેશા દરેક સ્થિતિ માટે તૈયાર રહેતી સંપુર્ણ વ્યવસ્થા શક્ય જ નથી. આપણે સારી સગવડની આશા રાખી શકીએ; પણ ઉત્તમ વ્યવસ્થાની અપેક્ષા રાખવી થોડી વધારે પડતી લાગે છે.

કેટલાક ને માત્ર મોદીની બંગાળ ‘રેલી’ઓ ગળામાં અટકી ગઈ છે તો કેટલાકને કેજરીવાલની જાહેરાતો પર પીન ચોંટેલી છે. કોઈને ચૂંટણી-સભાઓનો દોષ દેખાય છે તો કોઈને અમદાવાદનું ખીચોખીચ ભરેલું સ્ટેડિયમ હવે ખૂંચી રહ્યું છે. હા, કોઈ એમપણ કહે છે કે આપણે લોકો જ વધારે બેફિકર બની ગયા હતા. મને તો ઘણું સાચું લાગે છે અને તેના વિશે હવે વિચારવું થોડુંક બાલિશ પણ લાગે છે.

એવું નથી કે આપણો જ દેશ બીજી લહેરમાં ફસાયો હોય; દુનિયામાં આ સ્થિતિ બીજે પણ ઉભી થઈ છે અથવા તો થઈ રહી છે. અત્યારે વેક્સીનેશન એકમાત્ર ઉપાય છે. રસીકરણ જેટલું ઝડપથી થાય એ જ દુનિયાભરની સરકારોએ જોવાનું છે. મને તો કોરોના વાઇરસના બદલાતા વેરીએંટ્સથી એ સવાલ પણ થાય છે કે તે રસીને કેટલી કામયાબ રહેવા દેશે..

કેટલીક ભયાનકતા ખરેખર આશંકાથી પણ વધારે ભયાનક હોય છે. ચર્ચા કરવા સમય પછી મળશે અત્યારે તો થાય એટલું બચાવવા પ્રયત્ન કરીએ એના વગર છૂટકો નથી.

💔

Feb’21 – અપડેટ્સ

બ્રેક એટલો લાંબો ચાલ્યો છે કે અહિયાં પાછા આવવામાં એ વિચારવું પડે કે હું શું લખું અને શું રહેવા દઉં.

આ સમયકાળમાં ઘણું બની ચૂક્યું છે અને તાપી-નર્મદામાં કેટલાયે પાણી વહી ગયા હશે. (અમારી સાબરમતી  બંધાયેલી છે એટલે તેનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળી દીધો છે.)

લોકોને બે છેડા ભેગા કરવા મથવું પડતું હોય છે: અને હુ આજકાલ ફેક્ટરી, ઓફિસ અને ઘર એમ ત્રણ છેડા વચ્ચે મથી રહ્યો છું. વ્યસ્તતા પહેલાંય રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાથી હું મારી હદ વટાવી રહ્યો હોંઉ એમ જણાય છે.

પોતાના કંફર્ટ ઝોનથી બહાર નીકળવાના બહાને એટલો આઉટ-ઑફ-કંફર્ટ છું કે સમજાતું નથી કે જે પણ કરી રહ્યો છું એ ઠીક તો છે ને. (ઘણાં સવાલોએ મનમાં કાયમ ઘર કરી લીધું છે.)

કરી રહ્યો છું એ બધું ઠીક છે અને ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે; છતાંયે હું મારી આજને સ્વીકારી શકવામાં અસમર્થ જણાઉ છું. (હું જાણે કોઈપણ રીતે આ બધાથી છટકવા માટે તરફડિયા મારું છું.)

સમય મળ્યે વિસ્તારથી ઘણું બધું નોંધવાની ઇચ્છા છે. હા, તેના પહેલાં એક વિચિત્ર પોસ્ટને ડ્રાફ્ટમાંથી રજા આપવી છે એટલે તેના પછી જ નવી વાતનો વારો આવશે.