અપડેટ્સ – 16/3

. . .

– લાગણીઓમાં વધારે તણાઇ જવા કરતાં પ્રેક્ટિકલ બનવું પ્રમાણમાં વધુ સારું લાગે છે. (કમસેકમ તમારા નિર્ણયોમાં કોઇ દખલ તો ન કરી શકે.)

– ફાઇનલી, ‘બગીચાના માળી’ની ફેસબુક પ્રોફાઇલ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. આગળની બન્ને પોસ્ટ (તા-૧૧/૩ અને ૧૨/૩ ) બાદનો આ છેલ્લો નિર્ણય..  (પણ.. મિત્રોની લાગણીઓ તો હંમેશા દિલમાં રહેવાની….)

– ‘મારો બગીચો‘ પેજ સલામત રહેશે. (આ રીતે ફેસબુક મિત્રોની વચ્ચે પણ રહીશ) જો કે આ પેજનો ઉપયોગ માત્ર અહી ઉમેરાતી માહિતીની જાણકારી આપવા પુરતો મર્યાદિત રહેશે. (તે માટે વર્ડપ્રેસની ઓટો-પોસ્ટનું સેટિંગ કરી દેવામાં આવ્યું છે.) અને કોઇ ફેસબુક મિત્રો ઇચ્છે તો મને ત્યાં મેસેજ દ્વારા કે પેજ પર પોતાની વાત પોસ્ટ કરી શકે છે.

– આજના દિવસના ખાસ ન્યુઝ : સચીનની સદીની સદી પુરી થઇ.. ભાઇ શ્રી ને અભિનંદન. (હાશ, હવે ઘણાં લોકોને કોઇ નવું કામ મળશે તો કોઇને ચર્ચા માટે નવો ટોપિક શોધવો પડશે.)

– આજે દેશના નાણાંમંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું અને બજેટ અંગે સવારે સરસ ધમાધમ શરૂ થઇ હતી પણ સચીનભાઇની સદી પાછળ બધુ ભુલાઇ ગયું. (ચલો, આ બહાને લોકોનું જે બે ઘડી દુઃખ ઓછું થાય તે પણ સારું જ છે ને..)

– થોડા સમય પહેલા સચીન પર માછલા ધોતા લોકો આજે તેને માથે ચડાવીને નાચશે. (ભલે નાચતા.. ખુશી તો હોય જ ને… બી પોઝિટીવ યાર !!)

– માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે આખો બિઝનેસ જાણે ‘નર્વસ-નાઇન્ટી’માં એન્ટર થયો હોય એવી હાલત થાય. નવા ક્લાયન્ટ્સ કે કસ્ટમરમાંથી ટાઇમ કાઢીને કાગળીયાની દુનિયામાં ખોવાવું પડે. (આખુ વર્ષ ગમે એટલી કાળજી રાખો પણ માર્ચ મહિનો દોડધામ વગર પુરો ન જ થાય.)

– ઘણી સુંદર ભાવના સાથે ‘નિષ્યંદન’ નામનું સામાયિક શરૂ કરનાર સંપાદક શ્રી યોગેશભાઇ વૈદ્ય (રહે.-વેરાવળ, ગુજરાત) સાથે અમદાવાદમાં રૂબરૂમાં મુલાકાત કરીને ઘણો આનંદ થયો. જેમને સાહિત્ય ઉપરાંત કવિતા કે ગઝલ પ્રત્યે લાગણી હોય તો ચોક્કસ તેમના બ્લૉગની મુલાકાત લેવા જેવી છે. (આ બીજા વ્યક્તિ છે જેમની સાથે રૂબરૂ મુલાકાત કરી.)

– બે દિવસ પહેલા BSNL માં થયેલા અનુભવ વિશે કંઇક લખવું હતું.. પણ આજકાલ નેગેટીવ વાતો ઘણી થઇ જાય છે એટલે થયું કે તેનો ફરી કયારેક વારો લઇશ. આજે આટલું બસ છે.

. . .

અનિર્ણાત્મક મનોદશા

. . .

– જીવનમાં સંયમિત વિચાર માર્ગે આગળ વધતા રહેવાને બદલે આજે મને એવું લાગે છે કે હું રાહ ભટકી રહ્યો છું. (કોઇ સાવ નાની વાતમાં તુટી પડું એટલો કમજોર તો હું નહોતો જ.)

– ભલે કોઇ કારણસર પણ જે અચાનક કરવામાં આવ્યું તે હવે થોડું ડંખતુ હોય એવું લાગે છે. (જે હકિકતમાં છે નહી, તેની આજે ખોટ સાલે છે !!)

– એવું નથી કે ખરાબ અનુભવ પહેલા નથી થયા તો પછી એ નિર્ણય અત્યારે જ કેમ એ જાણવા ઘણાં મિત્રો રાહ જોઇ રહ્યા છે. તો ત્રણ-ચાર મિત્રોને એવું લાગે છે કે મે તેમની સાથેના અનુભવ બાદ આ કાર્ય કર્યું છે. (દરેકને સ્પષ્ટતા કરવી અઘરી છે અને તેઓ કંઇ પણ વિચારે પણ તેમના પ્રત્યે દિલથી લાગણી જરૂર છે.)

– ફેસબુક છોડવું આમ તો અઘરું નથી પણ હવે લાગી રહ્યું છે કે કોઇ ઉતાવળીયો નિર્ણય તો નથી ને ? (જો ખરેખર એવું લાગશે તો પરત જતાં ખચકાવું ન જોઇએ.)

– એકવાર બોલ્યા એટલે બધુ છોડી જ દેવું જરૂરી પણ નથી, કેમ કે લાગણીથી સાથે જોડાયેલા અને મને પણ જેમનો સાથ ગમતો એવા દોસ્તોને સાવ એમ જ છોડી દેવા એ જીદ કહેવાશે. (‘કોઇ શું વિચારશે ?’ – એ સવાલ એટલો અગત્યનો નથી.)

– હજુ એક-બે દિવસ ખુદની પરિક્ષા લઇ જોઉ છું, જો મને ખરેખર એમ લાગશે કે ત્યાં રહેવું ખોટું નથી તો પછી ચોક્કસ પરત ફરવામાં આવશે અને જો એમ લાગ્યું કે મારા ત્યાં રહેવા કે ન રહેવાથી મને કે મારા મિત્રોને કોઇ ખાસ ફરક નથી પડતો… તો પછી આખી પ્રોફાઇલ ડીલીટ કરવાનો વિચાર અમલમાં મુકી દેવાશે. (ન રહે બાંસ, ન બજે બાસુરી !) જે મિત્રો મારી સાથે સંપકમાં રહેવા ઇચ્છે છે તેમની માટે હું અહિયાં તો છું જ.

– ફેસબુક મિત્રોમાં જેમને મારા આ કાર્યથી દુઃખ થયું હોય (ખાસ તો તે મિત્રોને જે એમ સમજે છે કે આ તેઓના કારણે કર્યું છે) તેમને.. સૉરી… દિલથી..

. . .

– (માત્ર જાણકારી હેતુ) ટાઇટલમાં જે ‘અનિર્ણાત્મક મનોદશા’ લખ્યું છે તે ‘કન્ફ્યુઝન’ શબ્દનો ગુજરાતી અનુવાદ છે !!

આજથી..

બગીચાના માળીનું ફેસબુક બંધ. (કોઇએ કારણ ન પુછવા વિનંતી.) કાયમ માટે… દરેક ફેસબુક મિત્રોને ગુડબાય..

– દરેક જુની વાતો અને યાદોને ત્યાંથી દુર કરી દીધી છે…અને ભારે દુઃખ સાથે ફેસબુકને અલવિદા કહી દેવાઇ છે. (હવે કોઇએ ત્યાં પ્રતિભાવની આશા ન રાખવી.)

– ફેસબુક પ્રોફાઇલને પણ થોડા સમય પછી ડિલીટ કરી દેવાનો વિચાર છે.