આવી દિવાળી

– ફાઇનલી, કાલે દિવાળી. ઘણાં લોકો તો બધાને હેપ્પી દિવાલી કહી દેવાનો કોઇ નિયમ હોય એમ શરુ પડી ગયા છે !! (અને એ પણ વર્ષોથી ચાલ્યા આવતા ફોરવર્ડેડ મેસેજ અને એના-એ-જ ચવાયેલા ઇમેલ્સથી !!!)

– આજે છેલ્લે-છેલ્લે કાળી ચૌદસના દિવસે ફ્રી મેસેજ મોકલવાવાળાના કકળાટથી વારંવાર મોબાઇલ રણકી રહ્યો છે. (કાલથી તો મેસેજનો ચાર્જ લાગશે ને…!! તમે પણ બચત કરી લો દોસ્તો.. 😉 )

– પ્રયત્ન છતાં રજાઓમાં ફરવા જવાનું કોઇ મોટુ પ્લાનીંગ થઇ શક્યુ નથી. આ વર્ષે પણ મમ્મી-પપ્પા સાથે ભેગા મળીને દિવાળી ઉજવીશું. (આમ પણ ભુતકાળમાં એક-બે અનુભવ કર્યા બાદ દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવા કરતાં ઘરમાં રહેવું વધારે યોગ્ય લાગે છે, અરે.. જયાં જાઓ ત્યાં બધે ભીડ ઉભરાતી હોય છે.)

– મુળ પર્યાવરણ સાચવવાનો હેતુ તો ખરો પણ અંગત રીતે શોખ ન હોવાથી અને ઘરમાં પણ એવા કોઇ બાળકો તો છે નહી એટલે ફટાકડા લેવા જવાનો મતલબ નથી. આજે ઘરમાં થોડી લાઇટીંગ અને (ઘણી) સજાવટ કરી છે. (કોની માટે? -એવું પુછવાનુ નહી.)

– મમ્મી અને મેડમજી આજકાલ તેમની નવી બનાવેલી મીઠાઇઓ નો મારી ઉપર અખતરો કરી રહ્યા છે. નસીબજોગે મોટાભાગની મીઠાઇઓ સરસ બની છે. (ચલો, રજાઓમાં ઝાપટતાનું ગમશે. 🙂 )

– કાલે દિવાળીના દિવસે સાંજથી કારતક સુદ પાંચમ સુધી છુટ્ટી રાખવાનું નક્કી કર્યું છે. (આ પાંચમ કઇ તારીખે આવશે એ કેલેન્ડરમાં જોવું પડશે, કદાચ ૩૧ તારીખ આવશે.)

– બસ, વધારે નવા વર્ષમાં. આપ સૌને અને આપના પરિવારને દિપાવલીની અનેક ઘણી શુભેચ્છાઓ.. પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં નવો ઉજાસ અને જીવવાનો નવો ઉત્સાહ લઇને આવે એવી ઇશ્વરને પ્રાર્થના.

– સુખેથી માણજો, એકબીજાને મળજો, આનંદ કરજો અને તમારું ધ્યાન રાખજો..

– આવજો દોસ્તો..

દિવાળીના ઝગમગતા દિવડાઓ

# આજના દિવસની એક્સ્ટ્રા બે નોંધઃ
~ Google દ્વારા મોટા ઉપાડે ચાલુ થયેલ Google Buzz થોડા સમયમાં જ આપણાં વચ્ચેથી રજા લેશે, એવી આજે જાહેરાત કરવામાં આવી છે.
~ માત્ર બે-ચાર લોકોની સાથે સંપર્કમાં રહેવા આજે આપણે પણ મોટા ઉપાડે ઓરકુટમાં જોડાયા છીએ.

આજની વાત – ૧૬/૧૦/૨૦૧૧

. . .

– આજે ફરી નવી વાત મુકયાને ઘણો સમય થઇ ગયો. શ્રી જગજીતસંહ’જી અને શ્રી સ્ટીવ જોબ્સ ની વિદાય પછી મન થોડુ સુનુ થઇ ગયું હતું. એટલે મનને મનાવવા થોડા દિવસ તેને ધંધામાં વધુ પરોવ્યું હતું.

– નવરાત્રી પુરી થઇ અને દિવાળી ઉંબરે આવીને ઉભી છે. તહેવારો પણ કેવા ઝટ ઉકેલાઇ જાય છે !!!

– નવરાત્રી તો દિલ ભરીને માણી પણ દિવાળી વિશે આવું કહી શકાય તેમ નથી. કામ ઘણું-બધુ છે એટલે આ વખતે દિવાળીની રજાઓ માણવાનું કેન્સલ કરવું પડે તેમ છે.

– જયારે નાના હતા ત્યારે એક દિવાળીથી બીજી દિવાળી સુધીનો સમય ઘણો લાંબો લાગતો. દિવાળી-વેકેશન કયારે આવશે તેની ગણતરી બે મહીના પહેલાથી થવા લાગતી. પણ હવે જીવનમાં કેટલી દિવાળી ઉમેરાઇ તે ગણવાનો સમય પણ નથી મળતો.

– દિવાળીની સિઝન આમ તો જામેલી છે પણ બજારમાં અત્યારે કયાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે. (જો કે કેટલાકને તો બારેમાસ મંદીનો પીરીયડ જ જણાતો હોય છે.)

– વર્ડપ્રેસ દ્વારા ગુજરાતી બ્લોગર માટે gu.wordpress.com નામનું અલગ સ્પેશીયલ નેટવર્ક પણ આપવામાં આવે છે તેની મને બે દિવસ પહેલા જ ખબર પડી. (આ પહેલા મારો બગીચો શાન થી અંગ્રેજી બ્લોગના નેટવર્કમાં સામેલ હતો !!!)

– મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મારા બગીચામાં અન્ય લોકોની જાહેરાત પણ દેખાય છે. તો તેમને સવિનય જણાવવાનું કે શ્રી વર્ડપ્રેસ માલિક દ્વારા આપવામાં આવતી આ ફ્રી જગ્યાનું ભાડું વસુલવાની તે એક ખાસ પધ્ધતિ છે. તે જાહેરાતો સાથે બગીચાના માળીને કાંઇ લાગતુ વળગતુ નથી તેની (ઘણી મોટી) નોંધ લેવી.
(તમે શું કહો છો દોસ્તો ? – આ વર્ડપ્રેસ-વાળા લોકોએ તે બધી જાહેરાત માંથી મળતી આવકનો કમ-સે-કમ ૧-૨ ટકા હિસ્સો તો મને આપવો જોઇએ ને… 😉 પણ તેમને કોણ સમજાવે !!! જવા દો…)

– બ્લોગરની પણ અલગ દુનિયા હોય છે અને તે દુનિયાની અલગ રીતરસમો પણ હોય છે એવું બધુ આજકાલમાં જાણવા મળ્યું છે. (આપણે તો આપણાં મનની જ કરવાના, જો કે બને ત્યાં સુધી કોઇનેય નડવું નથી.)

. . .

કાંકરીયા તળાવની મુલાકાતે…

– થોડા દિવસ પહેલા કાંકરીયાની મુલાકાત લીધી. ભરબપોરનો સમય હોવાથી લગભગ લોકોની અવરજવર નહિવત જણાતી હતી. (હું ભરબપોરે ત્યાં શું કરતો હતો તે નહી પુછવાનું… ઓકે?)

– મુલાકાતીઓ ની નોંધ લઇએ તો કહી શકાય કે કોઇ એક સ્કુલના નાના-નાના બાળકોની ત્રણ બસ આવી હતી અને થોડા વ્યવસ્થાપક કર્મચારીઓ સિવાય બીજા બધા નવા-નવા ઉભરતા પ્રેમી પંખીડાઓ જ દેખાતા હતા. (અંદરની વાત તો તે જાણે પણ એક છોકરો અને એક છોકરી ખુણામાં બેસીને છુપાઇને કોઇ વાતો કરતા હોય તો તેમને પ્રેમી પંખીડાનો દરજ્જો તો આપી જ શકાય ને!!)

– આ કહેવાતા પ્રેમીઓ માં કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ (અને વિદ્યાર્થીનીઓ) મુખ્યત્વે કહી શકાય. (તેની સાબિતી – ચહેરા પર ડર અને સંકોચ, ખભા પર બેગ, છોકરીઓ ના ફાલતુ નખરા, છોકરાઓનો છીછરો પ્રેમ વગેરે વગેરે..)

– કાંકરીયાની ફરતે વ્યવસ્થા અને સ્વચ્છતાના માર્ક પુરા આપવા પડે. સારસંભાળ લેનાર સૌનો આભાર અને અભિનંદન.

– પ્રવેશ ટીકીટ માટે કોઇ એક સમયે ઘણું રાજકારણ ચાલ્યું હતું; પણ વારંવાર અહી આવ્યા પછી અને વ્યવસ્થા દેખ્યા પછી લાગે છે કે ટીકીટનો તે દર યોગ્ય છે. (૧૦ રૂપિયામાં આનાથી વધુ સગવડની અપેક્ષા હાલ હુ તો ન જ કરી શકું.)

– સૌથી સારી વાત: નકામા ગલ્લાઓ, ખુમચાઓ કે ભીખારીઓ નો અહી કોઇ ત્રાસ નથી. કાર-પાર્કિંગ ફ્રી છે. અંદર જ નાસ્તા-જમવાની સારી સગવડ છે. ફેમીલી-મિત્રો સાથે આનંદથી સમય વિતાવી શકાય અને નાના બાળકોને ઘણી મજા આવે. એકંદરે શાંતીમય વાતાવરણ લાગે.

– કિડઝ સીટી, બાલવાટીકા, પ્રાણી સંગ્રહાલય, અટલ એક્ષપ્રેસ (ટ્રેન), બોટિંગ, નાસ્તાગ્રુહ, તળાવ વગેરે મુખ્ય આકર્ષણ ગણી શકાય.

– થોડા-ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે જે કાલે અહીયા મુકીશ.

– આવજો..


અહી સુધી આવ્યા છો અને જો કાંકરીયા તળાવને નજરે નિહાળવાનું બાકી હોય તો નીચે લીંક છે; જોતા જજો…