ફોટો-મુલાકાત: વસ્ત્રાપુર તળાવ

આગળની વાતોમાં કહ્યું હતુ ને કે થોડા ફોટા ક્લીક કર્યા હતા1, તે ફોટોને આજે અહી મુકયા છે.

આમ તો મારી આસપાસના બધા લોકોએ આ જગ્યા જોઇ જ હશે. પણ અમદાવાદ બહારના લોકોને તે જોઇને કદાચ આનંદ આવશે. આજકાલ ઘણો વ્યસ્ત છું એટલે આ કામ ઘણું નાનુ હતું તો પણ તેને પુરુ કરતાં ત્રણ દિવસનો સમય થઇ ગયો…

તો ચાલો મારી સાથે..

વસ્ત્રાપુર તળાવની ફોટો-મુલાકાતે..

vastrapur lake, ahmedabad
અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર તળાવના ફોટો
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad

માત્ર આપની જાણકારી માટે કે આ તળાવનું સરકારી ચોપડે નામ ભકત કવિ નરસિંહ મહેતા સરોવર છે.

vastrapur lake, ahmedabad

આજની મુલાકાત પુરી થઇ, ફરી મળીશું થોડા સમય પછી…

આવજો મિત્રો..

આજની દિનચર્યા – તાઃ૨૧, જુલાઇ’૧૧

અત્યારે રાત્રિના ૧ વાગ્યાનો સમય છે અને લખવા બેઠો છું; એટલે આજની પોસ્ટમાં તારીખ ૨૨ જુલાઇ દેખાય છે. (આ ચોખવટ એટલા માટે કે કોઇ જાણકારને એમ લાગશે કે મે તારીખ લખવામાં ભુલ કરી છે.)

સવારથી જે મથામણમાં પડયો હતો તે ફેસબુક પેજ બની ગયું છે. મુલાકાત લેવી હોય તો અહી ક્લીક કરશો – મારો બગીચો (ક્લિક કર્યા બાદ નવી વિન્ડોમાં પેજ ખુલશે.)

હવે હું નવા-નવા ગતકડાંઓ પણ શીખી રહ્યો છું. મે જોયું કે આ બ્લોગની મફત જાહેરાત કરી આપવા માટે ફેસબુકવાળા તૈયાર છે તો ફાયદો કેમ ના લઇએ? અને એમાય હું રહ્યો અમદાવાદી, મફત અને નમતું મળે તો હંમેશા તૈયાર!! 😇 #મજાક

થોડી જ વારમાં પેજ બની ગયું… જો કે તેમાં માહિતી ઉમેરતાં સમય લાગ્યો. ફેસબુક પેજ તૈયાર થયું તો લાગ્યું કે આ બ્લોગમાં તેની લીંક ઉમેરી દઇએ. Widgets માં જોયું તો ફેસબુક-પેજ માટે તૈયાર માલ હાજર હતો; જરુર હતી માત્ર તેમાં પેજની લીંક ઉમેરવાની. કામ ઘણું સરળ બની ગયું.

FB-પેજમાં લોકો ‘Like’ કરીને જોડાઇ શકે છે. પેજના પોતાના username માટે ૨૫ લોકો જોડાય તે જરુરી હોય છે. વિચાર્યું હતું કે એકાદ મહિનામાં તો ૨૫ લોકો જોડાઇ જશે, પણ મારા આશ્ચર્ય સામે એક જ દિવસમાં ૨૮ લોકો જોડાઇ ગયા. મને બહુ આનંદ થયો કે લોકો મારી વાત પર કેટલો બધો ભરોસો મુકે છે! (જો કે હું મને મળતા Page-invitation માથી ભાગ્યેજ કોઇની સાથે જોડાતો હોઉ છું.)

ગુગલ+ નામનું નવું ગતકડું વેબ-દુનીયામાં આવ્યું છે એવું સાંભળ્યું હતું; આજે ફેસબુક ફ્રેન્ડના સ્ટેટસથી ગુગલ+ માં જોડાવાની ઇચ્છા થઇ આવી. વેબસાઇટની મુલાકાત લીધી તો ત્યાં લાલ પાટીયું જોયું કે અહી મારા જેવી નવરી બજારોને એમ જ જવા દેવામાં નહી આવે. જો કોઇ ભેરું2 સાદ દઇને બોલાવે તો જ મને ત્યાં ઘુસવાની પરવાનગી મળે. પછી થાય શું? પેલા ભાઇને જ પકડયા અને કહ્યું – “ભાઇ, મને તો ત્યાં બોલાવો!! એકલા-એકલા શું આનંદ લેતા હશો?” – એમણે મને તુરંત આવકાર વિનંતી મોકલી આપી ને ઘણી સમજદારી દાખવી! 😋 (ખોટુ ના લગાડશો યાર.. આ તો બે ઘડી ની ગમ્મત.. 🙏 )

પછી તો ગુગલ+ માં શાનદાર એન્ટ્રી મારી. ઘણુંખરું ફેસબુક જેવું જ લાગે છે, કયાંક ફરક પણ દેખાય છે. ગુગલવાળાઓ એ બનાવ્યું છે તો કંઇક તો ખાસ મુકયું જ હશે. શોધવું પડશે. હાલ તો સેટીંગ્સ અને પ્રોફાઇલને ‘સેટ‘ કરી છે. તેનો ઉપયોગ કે અખતરો કાલે કરવામાં આવશે.

દિવસ દરમ્યાન તો કંઇ નોંધદાયક નથી બન્યું. વાતાવરણ હજુયે વાદયછાયું જ છે અને બફારો જબરદસ્ત છે. એક મિનિટ પંખા કે એ.સી. વગર ન રહી શકાય. આજે ફરી વસ્ત્રાપુર તળાવની મુલાકાત લીધી. (એકલા-એકલા જ સ્તો.. મારી સાથે આવવા કોણ નવરું છે?)

થોડા ફોટો ક્લીક કર્યા છે; તેને પછીની પોસ્ટમાં મુકીશ. આજે હવે ઘણું મોડુ થયું છે તો અહી અટકુ છું.

આવજો મિત્રો..

આજની દિનચર્યા – તાઃ૧૭, જુલાઇ’૧૧

ફરી એક રવિવાર પુરો થયો. રજાનો દિવસ ઘરમાં બેસીને માણવાની પણ મજા આવી. સવારે મોડા ઉઠવું એ જાણે રજાના દિવસનો વણલખ્યો નિયમ બની ગયો છે. (ના ચાલે. આ નિયમને તો બદલવો પડશે.)

બપોરનો જમણવાર પતાવ્યા પછી ફરી એ જ ગમતુ કામ પતાવ્યું… નિંદ્વાદેવીને હવાલે થવાનું !!!! આંખો ખુલી ને નવરા મગજને સોંપ્યું “ઇડીયટ બોક્ષ” ને. (અરે હા, લોકો આજકાલ તેને ટી.વી. તરીકે ઓળખે છે !!!) કઇ ચેનલ જોવી તે નક્કી ન’તુ થઇ શકતું. ચેનલ બદલતા-બદલતા મુવી ચેનલના વિભાગમાં મન ઠર્યું. કારણ – આજે મારી ગમતી ત્રણ પારિવારીક ફિલ્મો એક જ સમયે આવતી હતી ને !! સ્ટાર ગોલ્ડ પર ‘કભી ખુશી કભી ગમ’, ઝી-સીનેમા પર ‘હમ સાથ-સાથ હૈ’ અને ફિલ્મી પર ‘બાગબાન’.

બાગબાન અઠવાડિયા પહેલા જ જોઇ હતી એટલે મારો સમય મે બીજી બે ફિલ્મો માટે બગાડવાનો નિર્ણય લીધો.(સમય કયાં બગાડવાનો તે પણ નિર્ણય લેવો પડે છે બોલો.) એક ફિલ્મમાં એડ આવે એટલે ચેનલ ચેન્જ. ત્યાં એડ ન આવે ત્યાં સુધી તે જ ફિલ્મ જોવાની.(મારો વણલખ્યો નિયમ !!)

બન્ને ફિલ્મોએ મને આજેય રડાવ્યો. ખબર નહી કેમ પણ આવી બધી ફિલ્મો જોતા મારી આંખો એકવાર ભીની ન થાય તેવુ બને જ નહી. ભલે લોકો ગમે તે કહે પણ મારી આંખોના બંધ કોઇની પરવાહ કર્યા વગર જ ખુલી જાય. આમેય રૂમમાં એકલો જ હતો એટલે આંખોને પણ ખુલ્લુ મેદાન મળ્યું… પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ, ભાઇ-ભાઇનો પ્રેમ, માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્ની વચ્ચેની સમજદારી, લાગણીઓ, બંધનો, ત્યાગ અને બીજુ ઘણું બધુ જોઇને મારી આંખો ન વરસે તો જ નવાઇ !!!

‘કભી ખુશી..’ માં કાજોલના પાત્રની દેશભક્તિ જોઇને રોમાંચિત થઇ જવાયું. પરદેશમાં રહેતા લોકોની દેશ પ્રત્યે કેવી સુંદર લાગણી હોય છે તે બહુ સરસ રીતે રજુ કર્યું છે.(દુઃખની વાત એ છે કે આવી લાગણી દેશમાં વસતા લોકોમાં જોવા નથી મળતી હોતી.) ખાસ તો ફિલ્મના અંત ભાગમાં “જન ગણ મન…” સાંભળીને મન રીતસર નાચી ઉઠયું. કદાચ ઘણા દિવસે રાષ્ટ્રગીત સાંભળ્યું હોય એવુ લાગ્યું. મને કોઇ જોવા નવરુ નહોતુ છતાંયે રાષ્ટ્રગીતને ઉભા થઇને માન આપ્યું. (મારા મનને તો સંતોષ થયો એ ઘણું છે.)

“હમ સાથ-સાથ હૈ”માં ભાઇઓ વચ્ચેની લાગણીઓ મને લાગણીઓમાં તાણી ગઇ. (મારા ભાઇ સાથે હું આમ જ મારી લાગણી દર્શાવતો હોત પણ.. મારો કોઇ સગો ભાઇ નથી એ વિચારે મન ભરાઇ આવ્યું.) ઘરના મુખિયાનું પાત્ર એકદમ સચોટ અને પરિવાર દરેક પાત્રએ પોતાની જે જવાબદારી નિભાવી છે તે જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ ગયું. બન્ને ફિલ્મને એકસાથે માણી તોય બહુ મજા આવી.

ઘરે કોઇ મહેમાન આવ્યા છે તો તેમની સાથે બેસવું જોઇએ તે ન્યાયે લેપટોપ-ઇંટરનેટને ‘રજા’ આપુ છું.  આજનો આખો દિવસ આમ જ કંઇ પ્રોડકટિવ કામ વગર “પુરો કર્યો”. હવે રાત થાય એટલે સુઇ જવાનુ અને કાલે પાછા ‘Back to work’.

ફરી મળીયે ત્યાં સુધી..

આવજો મિત્રો.