જુનું-જુનું

લોકડાઉનમાં પબ્લીક ડિમાન્ડ ધ્યાનમાં લઇને સરકારે દુરદર્શન પર રામાયણ અને મહાભારત શરૂ કરાવ્યા. તરત નવી માંગ ઉઠી કે જુનું શરૂ કરો જ છો તો શક્તિમાનને પણ લાવો અને સરકારે એ પણ સ્વીકારી લીધું!

પછી તો એવી એવી માંગણીઓ શરૂ થઇ કે ચાણક્ય શરૂ કરાવો અને આમ ને આમ બ્યોમકેશ બક્ષી, સરકસ, બુનિયાદ, અલિફ લૈલા, શ્રીમાન-શ્રીમતી વગેરે શરૂ થયા. ટીવીનો એક આખો યુગ ફરી પાછો આવી ગયો.

એમાં સાથ પુરાવ્યો અમુલની એ ટાઇમની જાહેરાતોએ. ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડીયા‘ હવે નાયરા પણ મસ્ત ટ્યુનમાં બોલે છે! હા, તેને રામાયણથી સખત ચીડ થાય છે પણ તેનું કારણ અલગ છે; રામાયણના કારણે તેના કાર્ટુન મીસ થઇ જાય છે. 😊

હું રામાયણ સખત રસ સાથે જોઇ રહ્યો છું. વર્ષો પહેલાં જોવાયેલી આ જ રામાયણ આજે ઘણો જ અલગ સંદેશ આપે છે. ભગવાન જેવા કોઇ જ વિષય સાથે સંબંધ ન હોવા છતાંયે ભારતીય ઇતિહાસના એક મહામાનવ અને તેની આસપાસના અન્ય કિરદારોના ઉચ્ચ આદર્શ-ત્યાગ-મહાનતા હ્રદયને સ્પર્શે છે.

કેટલુંક અવાસ્તવિક પણ લાગે, ક્યાંક અતિશ્યોક્તિ પણ જણાય છે પરંતુ તે બધું જે-તે સમયમાં નોંધનાર વ્યક્તિના નાયક પ્રત્યેના અતિપ્રેમ વશ હોઇ શકે. રાજાને ભગવાનનો દરજ્જો આપવાની પ્રથા રામાયણ-કાળથી પણ જુની છે. આપણે તો મુળ ઉદ્દેશ પકડીને ચાલીએ તો પણ કથાનક અને તેનું હાર્દ સુંદર છે. રામની સ્થીરતા અને પ્રસન્નતા અપનાવવા જેવી છે.

નવા સમયમાં પણ આવી ઘણી સીરીઝ બની ચુકી છે પણ જુની રામાયણ ગમવાનું કારણ એ પણ છે કે ખોટા ઉમેરણ અને એક્સ્ટ્રા મેલો-ડ્રામા વગર પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચાલી રહી છે. તે સમયના ઉપલબ્ધ સાધનો અનુરૂપ બનેલ આ સીરીયલ ઉત્તમ ગણાય એમ છે.

સાથે-સાથે મહાભારત પણ ડીડી-ભારતી પર પ્રસારિત થઇ રહી છે. તેનો પણ એક અલગ સ્વેગ છે! રામાયણથી આગળ વધીને અહીયાં છળ-કપટ-ઇર્ષા-વેર બધું છે. અહીયાં પણ જ્ઞાન તો છે જ પણ કોણ કયું જ્ઞાન મેળવશે તે મેળવનારના પક્ષે વધુ છે, કારણકે મહાભારતમાં માણસની દરેક વૃતિ-પ્રવૃતિનો સમાવેશ છે.

બેશક રામાયણ અને મહાભારત બંને પોતાની ખાસ વિશિષ્ટતા ધરાવે છે. કોઇ એકને બીજાથી ચડીયાતું ન કહી શકાય. આ કોઇ કાલ્પનિક કથા છે કે ઇતિહાસ તે વિશે વર્ષોથી ખોટી ચર્ચા ચાલે છે. મારા મતે તે ભારતવર્ષનો ઇતિહાસ છે.

અચ્છા, આટલા વર્ષે જાણ્યું કે ‘રામાયણ‘ શબ્દનો અર્થ થાય છે ‘રામની યાત્રા‘.

🙏

છળ કે વાસ્તવિક્તા?

આ કોઇ છળ કે સપનું નથી ને? વાસ્તવિક્તા આટલી ભયાનક ન હોઇ શકે!? આવું બધું ફિક્શન-મુવી કે વાર્તાઓમાં જ બની શકે યાર..

છેલ્લા બે-ત્રણ દિવસથી સો વાર પોતાની જાતને ખાતરી કરાવી ચુક્યો છું કે હું પુરેપુરો સભાન-અવસ્થામાં છું અને જે બની રહ્યું છે તે બધું સાચે જ થઇ રહ્યું છે!.. દરેક ઉંઘ પછી ઉઠીને હું પોતાને ડબલ-ચેક કરું છું; છતાંયે હજુ મન સ્વીકારવા તૈયાર નથી.

દરેક સાથે બન્યું હશે કે ઉંઘમાં કોઇ સપનામાં એવા ખોવાઇ જઇએ કે તે ક્ષણે ઘટતી વિચિત્ર અવાસ્તવિક ઘટનાઓને જ સાચી માની લઇએ અને આપણે પોતાને ત્યાં સાચે હોવાનો ભ્રમ થઇ આવે. આંખો ખુલે ત્યારે અહેસાસ થાય કે તે માત્ર એક સપનું જ હતું.

મારી સાથે આવું અનેકવાર બની ચુક્યું છે. બિમારીના સમયમાં મને ખરાબ સપના નિયમિત આવતા હોય છે જેમાં એવું-એવું બન્યું હોય છે કે જે વિશે ફરી વિચારતા કંપારી છુટી જાય. હા, મોટાભાગે ભુલાઇ જાય પણ કોઇ-કોઇ સપનાઓ યાદ પણ રહી જાય.

અંદરથી હજુયે ક્યાંક એમ થયા રાખે છે કે મારી ઉંઘ પુરી થશે પછી અથવાતો ગભરાટની એક હદ પછી હું જાગી જઇશ અને આખી દુનિયા જેવી હતી એવી જ ફરી મળી જશે! છેવટે કોરોનાનો ભય એક ખરાબ સ્વપ્ન બનીને રહી જશે. કાશ….

જો આ જ હકિકત હોય તો ખરેખર ભયાનક સમય હવે આવવાનો છે. મારી જનરેશનમાં કોઇએ આવી વૈશ્વિક કુદરતી આફત કે વિશ્વયુધ્ધકાળ નથી દેખ્યો. હાલ તો ઘરમાં જ રહેવું પડે એમ છે. એમપણ સલામત રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.


સાઇડટ્રેક: માત્ર વાસ્તવિક્તામાં માનતો હોવા છતાં મને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી સામે હકિકતમાં બની રહેલી ઘટના ઘણાં સમય પહેલાં મારા કોઇ સપનામાં બની ચુકી છે.

કોરોના અપડેટ્સ – 2

અગાઉ જ્યારે અહી આ વિષયે નોંધ લેવાઇ ત્યારે ગુજરાતમાં કોઇ કેસ નોંધાયા ન હતા, પણ આજે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, સુરત અને રાજકોટમાં એક-એક એમ કુલ-7 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. અને ભારતભરમાં નોંધાયેલ કુલ covid-19 કોરોના વાઇરસથી પોઝીટીવ કેસની સંખ્યા 200 ને પાર કરી ચુકી છે.

અમદાવાદમાં હજુયે લોકો મુક્તરીતે હરીફરી રહ્યા છે. એટલા નોર્મલ રીતે કે જાણે તેમને કોઇ જ ખતરો જ નથી જણાતો. કોણ ક્યારે ક્યાં શિકાર બનશે તે કળી શકાય એમ નથી. ઘણાં આગોતરા પગલાંઓને લીધે ભારતમાં આ વાઇરસ હજુ ઇટાલી, ઇરાન અને અમેરિકાની જેમ કોમ્યુનીટી-સ્પ્રેડ નથી થયો એટલું સારું છે પણ હજુયે કંઇ કહેવાય એમ નથી. તેનો ઉપકાર માનીને પણ થોડા દિવસ ઘરમાં પુરાઇ રહીએ તો સારું.

અત્યાર સુધી નોંધાયેલ દરેક કેસમાં મુખ્યત્વે વિદેશથી આવેલ વ્યક્તિઓ છે, પણ હવે થોડું ચેલેંજ જેવું લાગી રહ્યું છે. સામુહિક પ્રયત્નો કરવા જ પડશે. ગઇકાલે પ્રધાનમંત્રીના પ્રજાજોગ સંબોધનમાં એક દિવસનો ‘જનતા કર્ફ્યુ‘ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તે ડ્રીલ સમાન લાગી રહ્યો છે.

આપણે રોતલ-નાગરિક બનીને ફરિયાદ પણ ન કરી શકીએ એટલી સરકાર એકટીવ છે! પરંતુ દરેક લોકોના સામુહિક સહયોગ વગર બધું જ બેકાર છે. જો એકવાર વાઇરસ લોકોમાં ફેલાવા લાગ્યો તો ખરેખર બહુજ ખરાબ દિવસો જોવા પડે એમ છે.

આગળની વાત નોંધતી વખતે લાગ્યું હતું કે જરુર કરતાં વધારે ભય બતાવાઇ રહ્યો છે પણ દુનિયાભરથી આવતા આંકડાઓ જોઇને હવે ચોક્કસ લાગે છે કે ડરવા માટે પુરતા કારણો છે.

અત્યાર સુધી ચીનમાં 80,967 પોઝિટીવ કેસ સામે 3,248 લોકોના મૃત્યુના આંકડાઓ જાહેર કર્યા છે, પણ ચીન બહાર નોંધાયેલ પોઝિટીવ કેસ અને મૃત્યુની સ્થિતિ જોઇને લાગે છે કે ચીને દુનિયાથી ઘણું છુપાવ્યું છે.

ખૈર, દુનિયાનું તો પછી જોવાશે જો આપણે સલામત રહીશું. અત્યારે સંપુર્ણ રીતે સ્વાર્થી બનવાનો સમય આવી ગયો છે. પોતાના દેશ અને રાજ્ય માટે, પોતાના શહેર અને વિસ્તાર માટે, ઘર અને પરિવાર માટે, ખાસ તો પોતાની જાત માટે સ્વાર્થી બનીને બને ત્યાં સુધી એકબીજાથી સીધો સંપર્ક ટાળવાનો આ સમય છે.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સખત એલર્ટ છે. મ્યુનીસીપલ કમીશનર શ્રી વિજય નેહરા દ્વારા આજે નીચેની જાહેરાત કરવામાં આવી છે જેને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

public advisory by ahmedabad municipal corporation

કોરોના વાઇરસની અસર દેખાતા બે થી પંદર દિવસ સુધીનો સમય હોય છે. એટલે તેનો અસરગ્રસ્ત વ્યક્તિ ત્યાં સુધી પબ્લીકમાં રહીને કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે અને ચેપ લાગનાર વ્યક્તિને થોડા દિવસો બાદ તેની ખબર પડે એટલે ત્યાં સુધી તે બીજા કેટલાય સુધી આ વાઇરસ ફેલાઈ શકે છે. આ બિમારીને મહામારી બનતાં જરાય વાર લાગે એમ નથી અને અત્યારે તમારાથી તે એક વેંત જેટલી દુર છે. જરા સી ચુક ઔર હો ચુકા કલ્યાણ!

જો સ્થિતિ કાબુ બહાર નીકળે તો કેવી હાલત થઇ શકે તે જાણવું હોય તો બ્લોગર શ્રી હર્ષ ગાંધી એક દુઃસ્વપ્ન બતાવે છે કે;

Corona ની સામે સાવચેતી ન ભરી એટલે રોગચાળો વકર્યો છે. India માં રોજ ના 5000 નવા case આવે છે. Hospital એ 60 years થી ઉપરના લોકોનો ઈલાજ કરવાનો બંધ કર્યો છે. જેટલા જવાન લોકો બચે છે એટલા ને બચાવા પ્રયત્ન ચાલુ છે. Doctors મૂંઝાઈ જાય છે. કેટલા ને સાચવવાના. એક વાત છે કે દર્દી ના સગા સંબંધી ઓ માથાકૂટમાં નથી પડતાં. કેમકે ‌તેઓ પોતે દર્દી બનીને બેઠા છે. આખી Health care system ચૂસાઈ જાય છે. ફરજિયાત બધી industry બંધ કરવી પડે છે. રોડ સૂમસામ છે. લોકો બહાર નીકળી નથી શકતા. એમના કોઈ પણ સંબંધી ને મળવા નથી જઈ શકતા. શાકભાજી અને દવાઓ નથી આવતી. કેમકે બધું બંધ છે. Communication industry પણ ધીમે ધીમે બંધ થાય છે. લોકોનું Internet નથી ચાલતું. કેમકે ત્યાં કામ કરતા લોકો નું schedule ખોરવાઈ ગયું છે. લાખો લોકો ને hospital મા સાચવતા ધીમે ધીમે Doctors નો જોશ ઉતરી જાય છે.

મુળપોસ્ટ : https://anviksiki.blog


થોડા દિવસ માત્ર અગત્યના કામ સિવાય બહાર નહી નીકળવાથી કોઇ આભ નથી તુટી પડવાનું. અને ‘રોજ કમાઇને ખાનારા લોકો શું કરશે’ અને ‘પૈસા વગરના ગરીબોનું શું થશે’ -એવા સુફિયાણા સવાલોને કરતાં પહેલાં પોતે ઘરમાં બેસો એ બહુજ જરુરી રહેશે. વહિવટ કરનારને તે પણ નજરમાં આવશે એવી આશા રાખીએ, કેમ કે તમે પોતે બીજું કંઇ જ કરી શકવાની સ્થિતિમાં નથી. હાલ તો જનતા કર્ફ્યુને સફળ બનાવીએ અને આ એક દિવસનો કર્ફ્યુ આપણને ભવિષ્યમાં જરુર પડે તો સંપુર્ણ લોકડાઉન માટે પણ તૈયાર કરશે.

Continue reading “કોરોના અપડેટ્સ – 2”