અપડેટ્સ – 181115

દિવાળી

~ મારા તરફથી મને અને મારા બગીચાને વિતી ગયેલી દિવાળીની શુભેચ્છાઓ તથા નુત્તન વર્ષાભિનંદન! (નિર્જીવ વસ્તુ/જગ્યા સાથે આવો કોઇ શુભેચ્છા સંબંધ હું રાખું તો મને કોઇ પાગલ ગણી શકે છે. હા પણ.. અહીયાં ક્યાં કોઇ આવે છે તે મારે એટલું વિચારવું પડે!😆)

~ રજાઓમાં કચ્છની ટ્રીપ યાદગાર રહી. પરત આવીને બીજા દિવસે સાસરીયાના ગામની વાટ પકડીને ત્યાં જ વેકેશન પુરું કરવામાં આવ્યું. વ્રજ-નાયરા અને તેની મમ્મી ત્યાં રોકાઇ ગયાં છે, હું એકલો રીટર્ન આવીને ગઇકાલથી ધંધે લાગ્યો છું. (આ લગભગ દરેક વર્ષનો દિવાળી-નિત્યક્રમ છે; છોકરાંઓ નાનીના ઘરે રોકાશે, મેડમજી તેમની સાથે રહેશે અને અમે બધા પાછળ ધંધે લાગેલા રહીશું.)

~ પરત ફરતી વખતે હાઇ-વે પર જાણ્યું કે કેટલી ગાડીઓ અમદાવાદ બહાર વેકેશન કરવા ગઇ હતી! (અને આ દરેક ગાડીમાં કેટલાં વ્યક્તિઓ શહેર બહાર ગયા હશે તે વિશે અમે અંદાજ લગાવવાનો અસફળ પ્રયાસ પણ કર્યો.)

~ દર વર્ષનો અનુભવ છે કે જ્યારે આવો રજાનો માહોલ હોય અને રસ્તા પર ભારે ટ્રાન્સપોર્ટ/ટ્રક/ટ્રાવેલ્સ ઓછા હોય ત્યારે હાઇવે જાણે રેસીંગ ટ્રેક હોય તેમ પ્રાઇવેટ કાર દોડતી હોય છે. (લખનાર પોતે પણ હાઇવે પર સ્પીડના ચાહક હોવાથી આ વિશે કોઇ વિશેષ ટીપ્પણી નહી કરે. 🤐)

~ આ તો વચ્ચે દિવાળી આવી ગઇ એટલે થયું કે એક સીજનલ પોસ્ટ થઇ જાય. એમ તો ધ્યાનમાં જ છે કે શહેર-મુલાકાત અપડેટ્સની ચેઇનમાં હજુ એક પોસ્ટ બાકી છે જે ડ્રાફ્ટમાં હજુ બે દિવસ કાઢે એમ છે. (કારણમાં તો આળસ, આળસ અને માત્ર આળસ જ છે સાહેબ.)

~ આગળની પોસ્ટ ચેક કરતાં જાણ્યું કે તેમાં મૈસૂરની જગ્યાએ મસૂરી થઇ ગયું હતું. આખું શહેર બદલાઇ ગયું બોલો! હવે તો સુધારી લીધું છે. કદાચ મુળ મુળાક્ષરો સરખા હોવાથી લીમીટેડ કેપેસીટી ધરાવતા મારા મગજમાં જે તે સમયે કોઇ કેમીકલ લોચાના કારણે કન્ફ્યુઝન થયું હોઇ શકે છે. (હા તો એમ કંઇ બધે અમારી ભુલ ન હોય. #સેલ્ફ_રીસ્પેક્ટ)

દિવાળી


મથાળું છબીઃ “સુર્યોદય” (નખત્રાણા, કચ્છ)
છબીકારઃ બગીચાનો માળી

મેડમજી

~ મેડમજી બોલે તો… મારી જીવનસંગીની, ઉર્ફે લાઇફ પાર્ટનર અને કાયદાકીય રીતે મારી સગ્ગી પત્ની! (આ સગ્ગી શબ્દ માત્ર એક્ષ્ટ્રા ઇફેક્ટ માટે જ છે. તે સિવાય તેનો અત્રે કોઇ હેતું નથી.)

~ એકબીજાને સહન કરતાં-કરતાં લગ્નજીવનને તો હવે લાંબો સમય થઇ ગયો. એ પળ પણ લગભગ ઝાંખી થઇ ગઇ છે અને જીંદગીનો એ તબક્કો પણ ભુલાઇ ગયો છે કે જ્યારે અમે એકબીજા માટે અજાણ્યા હતા. (હવે તો એ જ યાદ છે કે અમે વર્ષોથી સાથે છીએ.)

~ ગૃહસ્થીની એ જ મજા છે કે એકબીજાને સમજી લો તો ખામી-ખુબી સાથે સંસાર સુખરૂપ આગળ ચાલી નીકળે. હા, તેમાં સંબંધ પ્રત્યે સમર્પણ જોઇએ અને નિખાલસતા પણ. (આ પર્સનલ અનુભવ છે.)

~ અમારા બંનેમાં તે બધી રીતે આગળ કહેવાશે. એક સંપુર્ણ ભારતીયતા છે તેનામાં; અને સમગ્ર કુટુંબ પ્રત્યે, મારા પ્રત્યે તેનું સમર્પણ શુધ્ધ છે.

~ હા, મસ્તી તરીકે પત્ની પર બનાવેલા જોક્સ પર હસી શકું પણ હું દિલથી તેના પ્રત્યે એમ કોઇ ફરિયાદ કરી શકું એવો કોઇ મોકો આજસુધી તેણે આપ્યો નથી.

~ અમારા વચ્ચે ઉંમરમાં ચાર વર્ષનો ફરક છે પણ જે સ્થીરતા તેનામાં છે, તે આજસુધી હું મેળવી નથી શક્યો. એક તરફ તે છે, શાંત અને મિલનસાર! બીજી તરફ હું છું, કે જેનો સ્વભાવ આજે પણ ચંચળ અને બળવાખોર છે.

~ હું રહ્યો અલગારી જીવ, એકલું મને વધારે ગમે. મને જોઇએ ત્યારે મારી એકલતા તેણે આપી છે. મારી વાત મનાવવા મારી પાસે હજારો જવાબ અને તર્ક તૈયાર હોય. ક્યારેક તેને પણ ખબર છે કે શું હોવું જોઇએ, ત્યાં પણ તે મારા વિવાદી તર્કોને સ્વીકારી લે છે. (મારા જેવા વિચિત્ર જીવને હંમેશા સહન કરવા બદલ કોઇ તેનું નામ વિર-ચક્ર માટે સરકારને સુચવી શકે છે!)

~ ઘણીવાર મેડમજીનો ઉલ્લેખ કોઇ કારણસર મારી વાતોમાં આવતો રહેતો હોય છે તો કોઇ સજ્જને અમને ટકોર કરીને જણાવ્યું હતું કે અમે તેમના વિશે વધારે કંઇ જણાવતા નથી. ઉપરાંત સમયાંતરે પણ કોઇ-કોઇ પુછી લે છે કે હું મારા ફુલડાંઓ વિશે તો ઉત્સાહમાં લાંબી-લાંબી વાતો લખું છું પણ તેને જણનારી જનેતા પ્રત્યે લખવામાં ભેદભાવ કેમ?? (કુછ તો લોગ કહેંગેં..)

~ તો.. મિત્રો, આપની ફરમાઇશથી અને મારી ઇચ્છાથી આજે આ સ્પેશીયલ પાનું માત્ર મારી ધર્મપત્ની માટે ચિતરવામાં આવ્યું છે તેની નોંધ લેશો.

🙏

*હેડર ઇમેજઃ unsplash.com

મુલાકાતઃ Bannerghatta નેશનલ પાર્ક

~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ, એક જ દિવસ પછી, બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર કર્યો હતો. (આવું કેમ કર્યું હશે તે અલગથી વિચારવા જેવો મુદ્દો છે. કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મારી આદતો અને વ્યસ્તતાને ધ્યાનમાં લેવી જ જોઇએ.)

~ ચલો, રમેશભાઇને ગમ્યું એ થયું એમ માની ને વાત આગળ વધારું.. (કોઇ તો વિચારતું હશે કે આ રમેશભાઇ કોણ છે!!.. જુઓ, મને પણ ખબર નથી; એટલે મને તો પુછવું જ નહી.)

~ હા તો અમે અટક્યા હતા બેંગ્લોરમાં, હવે જવાનુ હતું Bannerghatta નેશનલ પાર્કમાં..

Bannerghatta નેશનલ પાર્ક

~ આ પાર્કના નામનું શુધ્ધ ઉચ્ચારણ શું થાય તે વિશે ચોક્કસ ન હોવાથી તેને અંગ્રેજીમાં જ રહેવા દીધું છે. (લગભગ “બૅનરગટ્ટા નેશનલ પાર્ક” કહેવાય. પણ ચોક્કસ ખબર ન હોય તે વિશે હોંશીયારી ન બતાવવી જોઇએ એવું અમારા ગુરુ શ્રી બાબા બગીચાનંદજીશીખવ્યું છે. #આજ્ઞાકારી_શિષ્ય)

~ છોકરાંઓની ઇચ્છાને વશ અને કંઇક નવું જોવાની આશાએ અમે નેશનલ પાર્ક તરફ નીકળ્યા. બેંગ્લોરથી વધુ દુર નથી પણ તે જ દિવસે સાંજે મૈસૂર માટે નીકળી શકાય તે વિચારે અમે સવારે થોડા વહેલા નીકળ્યા. સ્થળ પર સમયસર પહોંચી ગયા અને સૌથી પહેલું કામ સફારીમાં એન્ટ્રી લેવાનું કર્યું.

~ બાળકો સાથે મોટાને પણ ગમે તેવું સ્થળ છે. કદાચ ગુજરાતમાં આવી જગ્યા કોઇ નથી જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓને જંગલમાં જોઇ શકાય. ખુંખાર વન્ય જીવો ને આટલા નજીકથી આઝાદ ફરતાં પહેલી વાર દેખ્યા. વ્રજ માટે પણ આવો પ્રથમ અનુભવ હતો એટલે તેને પણ મજા આવી. (પહેલા આવા પ્રાણીઓને માત્ર પીંજરામાં પુરાયેલા દેખ્યા છે.)

Bannerghatta નેશનલ પાર્કની મુલાકાતે,

~ આ નેશનલ પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે અને તેમાં ફરવા માટે બસની સુંદર વ્યવસ્થા છે (જેથી વન્ય પ્રાણીઓને ખલેલ કર્યા વગર અમે સામાજીક પ્રાણી બંધ બસમાં ફરી શકીયે.)

~ ત્યાં બટરફ્લાય પાર્ક ઠીક-ઠીક છે અને ઘણું વિશાળ પ્રાણી સંગ્રહાલય પણ છે! (જે જોવામાં અમે થાકી ગયા અને અધુરું મુકીને પરત થયા.)

~ ઘણાં ફોટો ક્લિક કર્યા છે પણ તે પછી કયારેક અલગ અપડેટ્સમાં દેખાશે..

# અત્યારે આ ફોટો જોઇ લો..

Bannerghatta નેશનલ પાર્ક, inside bust at bannerghatta national park
Bannerghatta નેશનલ પાર્કની મુલાકાતે
સિંહ, Bannerghatta નેશનલ પાર્ક
હાથીઓનું ઝુંડ, બેનરગટ્ટા નેશનલ પાર્ક
બટરફ્લાય પાર્ક, Bannerghatta નેશનલ પાર્ક.. પતંગીયાનો મેળો
બટરફ્લાય પાર્ક, Bannerghatta નેશનલ પાર્ક.. પતંગીયાનો મેળો

~ આજે આટલું ઠીક લાગે છે. હવે પછીના અપડેટ્સમાં મૈસૂરની વાતોને ફોટો સાથે નોંધવામાં આવશે. (આ વખતે સમય નક્કી નથી કરવો. પોતાની નજરમાં ખોટા પડવાની પણ હદ હોય યાર..)


# સાઇડટ્રેકઃ આ બગીચા થકી જેમના પરિચયમાં છીએ તેવા શ્રી ચંદ્રકાંતભાઇ સાથે ફોન પર મુલાકાત કરીને સંતોષ માન્યો. તેમના શહેરમાં હોવા છતાં રૂબરુ મળવા જઇ શકાય એટલો સમય મારી પાસે નહોતો; વળી અમે કોઇ એક જગ્યાએ અટકતા ન હોવાથી તેમને કોઇ ચોક્કસ જગ્યાએ મળવા બોલાવી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. આશા છે કે ક્યારેક અમદાવાદમાં જ મુલાકાત થશે.