[170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ

ફોટો એટ મારો બગીચો.કોમ

~ લગભગ એક વર્ષ પહેલા છેલ્લી ફોટો અપડેટ હતી. આજે ઘણાં દિવસે યાદ આવ્યું કે બીજું લખવાનો સમય ન હોય તો એકાદ ફોટો અપડેટ કરી દેવાય. (એમાં કાંઇ કોઇ ખોટું ન લગાડે.)

~ ઉપર હેડીંગમાં લખ્યું છે એમ આજે સામાન્ય ફોટો અપડેટ નથી. સ્કુલમાં કરાવવામાં આવતી એક્ટીવીટીઝ અને તેની પાછળ મેડમજીની મહેનતની નોંધ લેવા માટે આજની અપડેટ્સમાં ખાસ ફોટો ઉમેરવામાં આવ્યા છે. (આ બહાને મેડમજી પણ ખુશ થશે.)

~ આજે માત્ર વ્રજની ફોટો અપડેટ છે. નાયરા અભી બાકી હૈ મેરે દોસ્ત…. (નાની છે એટલે તેને ભુલી ગયા છીએ એમ ન સમજવું; તેના માટે પણ એક અલગ પોસ્ટ બનાવવામાં આવશે.)

# ગ્રીન ડે..

grapes as a dress on green day, ગ્રીન ડે માં બનાવેલ દ્વાક્ષના ઝુમખાનો ફોટો

~ વ્રજને દ્રાક્ષનો ઝુમખો બનાવ્યો હતો. (અથવા તો તેને ઝુમખો જ બનાવ્યો છે એવું તેની મમ્મીનું માનવું છે. કેટલીક બાબતોમાં અમે ખોટી તકરાર કરતા નથી.)

# જન્માષ્ઠમી ડ્રેસીંગ

જન્માષ્ઠમીના કાનુડાના અવતારમાં વ્રજનો ફોટો. Vraj as Little Krishna

~ વ્રજને સ્કુલના કોઇ કાર્યક્રમમાં રાધા સાથે ડાન્સ કરવા માટે સ્પેશીયલી સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને સાથે-સાથે ડ્રેસીંગ કોમ્પીટીશન પણ ખરું! અરે હા, આ દિવસે અમારા આ કનૈયાનો જન્મદિવસ પણ હતો. (આ ડ્રેસ પહેરવા વ્રજ રેડી થયો એ જ અમારા માટે મોટી વાત હતી.)

વ્રજની ફોટો અપડેટ ~ ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ


~ કહેવાની જરૂર તો નથી લાગતી છતાંયે મારી નોંધ માટે ઉમેરું છું કે વ્રજ બંને ડ્રેસીંગમાં ફર્સ્ટ આવ્યો છે!

JUN'17 – અપડેટ્સ

Sabarmati Riverfront Road

~ ઘણાં સમય પછી અપડેટ્સની નોંધ થશે એવું જણાય છે. (પોસ્ટ ન ઉમેરી હોય તો એવું જણાય ને! એમાં કોઇ નવાઇ નથી.)

~ નવા ઉગેલા ફુલના ચક્કરમાં બગીચાનો માળી તેના આખા બગીચાનું કાયમી કામ ભુલી ગયો હોય એવી સ્થિતિ છે. (એક રીતે જોઇએ તો એ નવા ફુલની વાતો પણ મારા બગીચાની અપડેટ્સ જ છે ને..)

~ ઓકે તો લેટેસ્ટ અપડેટ્સમાં તો એવું છે કે વ્રજ, નાયરા અને મેડમજી વેકેશન પુરું કરીને ઘરે આવી ગયા છે અને ગઇ કાલથી વ્રજની સ્કુલ શરૂ પણ થઇ ચુકી છે. મને એમ હતું કે વ્રજ આટલા લાંબા વેકેશન પછી ફરી સ્કુલ જવામાં એક-બે દિવસ આનાકાની કરશે પણ તે આ બાબતે જરાયે મારા જેવો નથી. (બોલો, ખુશીથી સ્કુલ જવા તૈયાર થઇ ગયો મારો દિકરો! ગુડ બોય.)

~ ‘બગીચાના ફુલો ફરી ફુલદાનીમાં ગોઠવાઇ જશે’ -આ વાળી વાત અત્યાર સુધી ૭૫૦+ લોકો પોસ્ટ કરી ચુક્યા છે અને આ વૉટ્સએપ ફોરવર્ડીયાઓના તો મોબાઇલ છીનવી લેવા જેવા છે! 😜 આવી પોસ્ટ લખનાર/ફોરવર્ડ કરનાર ભાઇ(કે બહેન)ને એમ હશે કે તે પહેલી વાર કહી રહ્યા છે! પણ તેમની આવી ધારણા સિવાય બીજું કંઇ જ નવું નથી હોતું… (તે માસુમ ઇન્સાન જે ભલું-બુરું જણાવવા ઇચ્છતા હોય છે તે બધું જ આ સંસારમાં અગાઉ કહેવાઇ ચુક્યું હોય છે!)

~ આજકાલ સમગ્ર ગુજરાતની સ્કુલોમાં ફી વિશે જબરી અસમંજસતા ચાલી રહી છે. વ્રજની સ્કુલના કેટલાક વાલીઓએ મને તેમની લડતમાં જોડાવવા અને સરકારી નિયમોના આધારે વધારે ફી ની વિરુધ્ધમાં લડવા આગ્રહ કર્યો છે; પણ ખબર નહી કેમ મને આ લડતમાં તર્ક નથી દેખાતો.

~ શિક્ષણનો ખર્ચ હવે ખરેખર ઘણો વધી ગયો છે તે આપણે સૌ જાણીયે છીએ અને તેની પર સરકારી અંકુશ હોય તો ઉત્તમ છે; પણ દરેક સ્કુલ માટે એક જ નિયમે ફી નક્કી ન કરી શકાય તે સ્વીકારવું પડશે. (અત્યારે તો મામલો હાઇકોર્ટમાં છે પણ મને લાગે છે કે છેલ્લે આમાં ભીનું સંકેલાઇ જશે. રાજકારણીઓની જ ઘણી સ્કુલો છે એટલે ચુટણી સુધી કેસ ખેંચાશે અને પછી.. જૈસે થે!)

~ વ્રજની સ્કુલમાં તો દરેક સ્ટુડન્ટ માટે એડવાન્સ ચેક લઇ લીધા છે અને એક ચેક તો ક્લીઅર પણ થઇ ગયો છે! બીજા ચેક તેઓ ગવર્નમેન્ટ પોલીસી નક્કી થયા બાદ જ તેમના એકાઉન્ટમાં ભરશે એવું સ્કુલના વ્યવસ્થાપકોનું કહેવું છે. (જો કે કેટલાક અવિશ્વાસુ વાલીઓએ સ્ટોપ-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરેલો છે.)

~ ધંધાની એક નવી જગ્યાને સજાવવામાં હમણાં વ્યસ્ત છું અને નિયમિતતા ને છંછેડીને થોડો અસ્તવ્યસ્ત પણ છું. જોઇએ કે આ નવી અસ્તવ્યસ્તતા મને ક્યાં સુધી લઇ જાય છે. દિમાગને હમણાં ફુલ્લી દિલથી ચલાવું છું. (મરકટ મનનું કંઇ નક્કી ન કહેવાય. કભી ઇસ ઔર તો કભી ઉસ ઔર..)

~ દેશ-દુનિયાની વધારાની ચિંતાને મનમાંથી કાઢવા માટે રાત્રે એક જ વાર ન્યુઝ ચેનલમાં હેડલાઇન્સ સિવાય વધુ ન્યુઝ ન દેખવાનો નિયમ ઉત્તમ સાબિત થઇ રહ્યો છે. આજકાલની અપડેટ્સમાં રાજકારણ વિશે ઘણી ઓછી વાતો નોંધ થતી હોવાનું મુખ્ય કારણ આ નિયમ છે. (હા પણ પેલા એન.ડી.ટી.વી. ના પ્રણવ રોય સાથે જે થયું તે હજુ ઘણું ઓછું છે. યે દિલ માંગે મોર..)

~ વરસાદ આવવાની તૈયારી જણાય છે હવે. અત્યાર સુધી એક વાર મસ્ત કરાં અને બે વાર હળવા ઝાપટાં આવ્યા છે. લેકીન મેઇન સિઝન અભી બાકી હૈ મેરે દોસ્ત.. (આ આપણી ફેવરીટ સિઝન હોં કે! 🙂 )

# નોંધ લાયક: કાલે જ કોઇ સાથે ચર્ચા કરતાં યાદ આવ્યું કે હું લગભગ 3.5 વર્ષથી બિમાર નથી થયો! (ટચ વુડ!.. 😇 )


મથાળું ચિત્રઃ રિવરફ્રંટ રોડ, સાબરમતીના કિનારે, અમદાવાદ
છબીને કંડારનારઃ એ જ.. અમે પોતે. 🙂