અચ્છા લગતા હૈ..

# મને વિશ્વાસ નહોતો કે મારી લાઇફમાં કયારેય આ દિવસ પણ આવશે. (આ બાબતે અમે હંમેશા પોતાની જાતને કમજોર ગણી છે.)

# ગયા રવિવારે અમારા દ્વારા જ આયોજીત ‘બ્લડ-કેમ્પ’ માં પ્રથમ વખત રક્તદાન કર્યુ (અલબત આયોજક હોવાને કારણે ભાગ લેવો પડ્યો એમ કહી શકાય.)

# જો કે બ્લડ બેંકવાળા (પ્રથમા) ના આગ્રહ બાદ હું તૈયાર તો થયો પણ મને એમ જ હતું કે મારું લોહી તેમના માટે જરુરી માપદંડ કરતા કમજોર નીકળશે એટલે હું રક્તદાન કરવા સુધી પહોંચું એવી શક્યતા નહિવત છે. (આપણી કમજોરી વિશે આપણે તો જાણતા જ હોઇએ ને)

# પરંતુ મારા લોહીને એક પછી એક એમ બધા ટેસ્ટમાં ઉત્તમ રીતે ‘પાસ’ થયેલું જોઇને ઘણું આશ્ચર્ય થયું. (આટલા સારા રિઝલ્ટથી તો હું સ્કુલ ટાઇમમાં પણ પાસ નથી થયો!)

# આખો અનુભવ લખવા જેવો છે પણ મોબાઈલથી ટાઇપ કરવામાં ઘણો સમય લાગે છે. આ તો માથેરાનની ઠંડકમાં બેઠાં-બેઠાં એક sms જોઈને આજે મોબાઇલ app થી પોસ્ટ રજૂ કરવાનો વિચાર બનાવ્યો. (આ પોસ્ટ માટે ખર્ચ કરેલ કુલ સમય ૪૫ મિનિટ અને મને વ્હાલી ઊંઘ.)

 

blood donation.. રક્તદાન મેસેજ

Turning 30!!!

~ ગુલ પનાગ યાદ આવી ગઇ ને? (ના આવી? ઓકે. તમે કદાચ તેના ફેન નહી હોવ એટલે..)

~ પણ આજે વાત ગુલની નથી કરવાની; આજે વાત છે તેના એક ફેનની. (ના. શાહરુખભાઇની જેમ ગુલપનાગની ‘ફેન’ નામથી મુવી નથી આવી રહી. #ચોખવટ)

~ ઓકે.. ગુલ પનાગની કોઇ નવી ફિલ્મનું પ્રમોશન અહીયાં નથી કરવાનું; અહી એક ફેનની વાત, એટલે કે, હું મારી પોતાની વાત કરું છું. (જી હાં, હું ગુલ પનાગનો મોટો પંખો છું! બસ, તેને શરદી ન થાય એવી આશા.)

~ હવે આપને થશે કે હું ગુલ પનાગનો કેટલો મોટો ફેન છું તેવી બધી વાતો આજે કરવાનો છું તો કેજરીવાલની કસમ, તમે ખોટું વિચારી રહ્યા છો! (આ કસમ પર વિશેષ ટિપ્પણી પર નહી જઇએ.)

~ સો, મેઇન પોઇન્ટ ઓફ ઓલ ધીસ ટોક ઇઝ… ગઇ ૧૫ મે ના શુભ દિ’એ અમોને આ માયા ભરેલી દુનિયામાં આવ્યાને ત્રીહ-ત્રીહ વરહના વાણા વાઇ ગ્યા! તે દિવસે ટેકનીકલી ટ્વેન્ટીઝ માંથી થર્ટીઝ તરફ અમારું પ્રયાણ થયું. (આ વાક્યમાં ભાષાની ભેળસેળ બદલ વિવેચકો માફ કરે.)

~ આ વર્ષે હું ૩૦ વર્ષનો થયો. જો કે ઉંમરના વર્ષ બદલાયા કરે એમ મન બદલાતું નથી હોતું, પણ આ વખતે એમ લાગે છે કે હું મોટો થઇ ગયો છું! (ઉંમરમાં મોટો હોં, એમ તો હજુયે નાનો માણસ છું.)

~ આંકડાઓની માયાજાળમાં ન પડીએ ત્યાં સુધી સારૂં છે, પણ ક્યારેક કોઇ-કોઇ આંકડાઓ આપણને આકર્ષતા હોય છે. આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ તેના બંધનને તોડી નથી શકતા.

~ જન્મ દિવસની શુભેચ્છા આપતા કોઇએ પુછયું કે, ‘કેટલા પુરા થયા?‘ -તેને જવાબ આપતા અચાનક ગંભીર બની જવાયું. ચોક્કસપણે હજુ એટલી ઉંમર ન કહેવાય પણ હવે કોઇ અમને નાના પણ ન ગણી શકે. આસપાસના લોકો હવે આપણી તરફથી સંયમિત વર્તનની આશા રાખી શકે છે. (નાની ઉંમરમાં જે ભુલ કરવાની આઝાદી હોય તે હવે છીનવાઇ જાય તે સ્વાભાવિક છે.)

~ ઉંમરના આ પડાવ બાદ લાગી રહ્યું છે કે હવે બેફિકર યુવાનમાંથી ગંભીર યુવાન બનવા તરફ મને કોઇ ખેંચી રહ્યું છે. આ ઉંમરના એક સામાન્ય માણસના જીવનમાં બને એમ મારૂં જીવન પણ સ્થિર ગતિથી આગળ વધી રહ્યું છે. લગભગ આ ઉંમરે દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં સેટ થઇ ચુક્યો હોય છે જેની ગણતરી કૌટુંબિક, સામાજીક અને આર્થિક રીતે જવાબદાર વ્યક્તિમાં થઇ શકે.

~ આગામી દસ વર્ષ ગૃહસ્થીમાં વિતશે એવું જણાય છે. બાળકો, વ્યવસાય, પરિવાર, ભવિષ્યની ચિંતાની આસપાસ મારી દુનિયા પુરી થઇ જાય એવી સુખરૂપ અને સરળ જીંદગી જીવવાનું ક્યારેય વિચાર્યું ન’તું. જો કે મારા શાંત સ્વભાવની પાછળ છુપાયેલો મારો બળવાખોર સ્વભાવ મને એક સાવ સરળ જીવનમાં કેદ થવા દે એમ નથી લાગતું અને કદાચ હું તે સરળ રસ્તા પર જવા માટે બન્યો પણ નથી. (મન હવે ચકરાવે ચઢે છે કે હું કયાંક ભટકી તો નથી ગયો ને.. આ વિશે ક્યારેક શાંતિથી વિચારવું પડશે.)

# હવે તો જન્મદિવસ વિતી ચુક્યો છે છતાંયે કોઇ મિત્રો-વડીલો ઇચ્છે તો આજે પણ તેમની શુભેચ્છાઓ સ્વીકારવામાં મને એટલો જ આનંદ થશે. અહી ઘણાં વર્ષોની સફરમાં આપણે સાથે ચાલ્યા છીએ અને હજુ પણ સાથે રહીશું તેનો વિશ્વાસ છે.

Turning 30 સાથે ગુલ પનાગનું કનેક્શન જેઓને ન સમજાયું હોય, તેઓ પ’લીઝ એકવાર ગુગલ-દેવ કે વીકી-ભાઇ ના શરણે જઇ આવે. અસ્તું.

અપડેટ્સ – 52

# 2016 ના વર્ષની આ ચોથી પોસ્ટ છે. (એમ ગણવા જશો તો આ પાંચમી લાગશે.) પાચમાં મહીનામાં ચોથી પોસ્ટ! (બહોત નાઇન્સાફી હૈ ના?)

# સમયના કોઇ કાળમાં ‘રાજકારણ વિશે ન લખવું‘ એવું નક્કી કર્યું’તુ અને તે નક્કી કર્યા પછી ‘શું લખવું‘ એ જ નક્કી નથી થતું. એમ તો વિષય અને ઘટનાઓની કમી નથી પણ કેમ જાણે અહી કંઇ ઉમેરવા માટે મેળ જ નથી આવતો. (writer’s block આ સ્થિતિને જ કહેતાં હશે, પણ હું તો કોઇ એંગલથી writer પણ નથી! તો પછી આ block મને કેમ નડતો હશે? 🤨)

# ઘણીવાર થયું કે કંઇક લખવામાં આવે તો આ જગ્યા પણ જીવંત રહે. ખૈર, આજે કલમ (એટલે કે કી-બોર્ડ) હાથમાં લીધી જ છે તો બે-ચાર લીટી ચોક્કસ લખીશ. (એમ લખવા બેસીયે તો પાછું કંઇક લખાઇ પણ જાય હોં! 😊)

# અમારે કોઇ રીતે વેકેશન જેવું ન હોય તો પણ વ્રજના કારણે અત્યારે વેકેશન ટાઇમ ચાલી રહ્યો છે. એ સાહેબ તો નાના‘ના1 ઘરે જલ્સા કરે છે તથા મેડમજી પણ તેમને ત્યાં જ સાથ આપી રહ્યા છે. અમે અહીયાં એકલાં રહેવાની મજા ઉઠાવી રહ્યા છીએ. (એકલાં રહેવાની પણ એક મજા હોય છે; પણ જાહેરમાં જતાવાય નહી.🤫)

# ગામમાં રખડવાના શોખીન હોવા છતાં અત્યારે સોલિડ ગરમીની મૌસમના કારણે ઓફિસમાં ભરાઇ રહેવું ઠીક હોય છે. મારી માટે ગરમી સહન કરવી એટલી અઘરી ન હોય પણ આ વખતે કંઇક વધારે જ છે, એટલે સાચવવું સારું. (સાંજે ૭ વાગ્યા સુધી પણ લૂ લાગતી હોય છે!)

# એમ તો આ ગરમી શરૂ થાય એ પહેલા અમે રાજસ્થાનમાં જયપુરનો પ્રવાસ કરી આવ્યા’તા. ગરમીની શરૂઆત હતી ત્યાં એટલે ફરી શક્યા, હવે જવાની હિંમત ન કરાય. (અરે, આ પ્રવાસ વિશે એક આખી પોસ્ટ બની શકે એમ છે! કાલે જ વાત.)

# વ્રજની નર્સરી સ્કુલ જૂન મહિનાના પ્રહેલા અઠવાડીયામાં જ સ્ટાર્ટ થઇ જશે, એટલે તે પહેલા તેને લેવા માટે મને સાસરે જવું પડશે. (સાસુએ પણ આમંત્રણ આપ્યું છે કે – કુછ દિન તો ગુજારીએ સસુરાલ મેં!)

# મારી કોલેજ પુરી થયા પછી ઘણાં મોટા બ્રેક પછી સ્કુલીંગ સાથે મારો પરિચય થઇ રહ્યો છે. વ્રજની સ્કુલ-બુક્સ અને સ્કુલના નખરાંઓ જોઇને લાગે છે કે અમે ભણતાં’તા એ આ દેશ નહોતો! (સાલું, બઉ બદલાઇ ગયું છે બધું!)

# બસ આજે આટલી વાતો ઠીક રહેશે. આગળની (એક્સ્ટ્રા) નાનકડી પોસ્ટ માત્ર સ્પાર્ક માટે જ હતી અને તેનો ફાયદો પણ થયો. (ખરેખર આ ‘બ્લોક‘ જેવું કંઇક હોય છે ખરું!)

સાઇડટ્રેક: આ writer’s block નું ગુજરાતી શોધવા પ્રયત્ન કર્યો પણ કોઇ નક્કર જાણકારી ન મળી. ગુગલભાઇના મતે તેને ‘લેખક માતાનો બ્લોક‘ કહેવાય એવું જાણવા મળ્યું! શું તેને ‘લેખન શૂન્યતા‘ કહી શકાય?

writer's block in gujarati