શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો..
તમો ભક્તો ના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું છું મંદમતિ, તારી ગહન ગતિ, કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કરી, કંઠે વિષ ધરી, અમૃત આપો..
દયા કરી દર્શન શિવ આપો..
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે,
સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો..
દયા કરી દર્શન શિવ આપો..
હું તો એકલ પંથી પ્રવાસી, છતા આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો..
દયા કરી દર્શન શિવ આપો..
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ રૂપ દેખું,
મારા મન માં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો..
દયા કરી દર્શન શિવ આપો..
ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવા નું શુભ ધન આપો,
ટાળો માન સદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો..
