એક હતો છોડ અને એક હતું પંખી (બાળવાર્તા)

ઉનાળાના દિવસો હતા. એક સવારે પંખી ઊડતું ઊડતું સીમ તરફ ગયું. ત્યાં એણે એક છોડ જોયો. આસપાસ ન હતાં ઝાડ કે ન હતું ઘાસ. બિચારો છોડ કરમાવાની તૈયારીમાં હતો. પંખીને દયા આવી ગઈ. છોડને કહે, “છોડભાઈ, અહીં ક્યાં ઊગ્યા? અહીં તો બધું ઉજ્જડ છે.”

છોડ કહે, “પંખીભાઈ, હું અહીં જાતે ઊગ્યો નથી, પણ તમે મને અહીં લાવ્યા હતા.” આ સાંભળી પંખીને નવાઈ લાગી. તે બોલ્યું, “એ કઈ રીતે બને?”

“સાંભળો, તમે ગામને પાદર પેલા ઝાડનાં ફળ ખાવ છોને? એ ખાધાં. પણ ફળની અંદરનાં નાનાં બી પચે નહીં. એક દિવસ તમે આ બાજુ આમ જ ફરવા આવ્યા ને હગાર કરી એમાં હું નીકળ્યો બહાર. એ પછી માવઠું થયું. વરસાદ પડયો. અહીં થોડું પાણી ભરાયું એટલે મને ફણગો ફૂટયો. ને પછી આવડો થયો. આમ મારા જન્મદાતા તમે છો. સમજ્યાને પંખીભાઈ?”

પંખીભાઈ તો વિચારમાં પડી ગયા. કહે, “સાચી વાત હોં, પણ હવે શું કરવું? આમ તો તમે મરી જવાના.”

“પંખીભાઈ, એક વિનંતી કરું? તમે મને મૂળસોતું ઉખાડી લો. પછી ચાંચમાં લઈ ગામ બાજુ લઈ જાવ.”

પંખીને છોડની વાત ગમી. તેણે ચાંચ વડે છોડની આસપાસ ખોદકામ કર્યું. છોડ મૂળસોતો ઉખાડયો. પંખી તેને ચાંચમાં લઈ ઊડયું. તે ઊડીને ગામના તળાવકિનારે આવ્યું. છોડભાઈ કહે, “પંખીભાઈ, બસ મને તળાવની પાળ પર રોપી દો, એટલે ભયોભયો.”

“છોડભાઈ, મને રોપવાનું કામ નહીં ફાવે. ઊભા રહો, કોઈને બોલાવું.” ત્યાં દૂર ત્રણ છોકરાં રમતાં હતાં. પંખીએ એમને વિનંતી કરી, “ભાઈઓ, એક પુણ્યનું કામ કરવાનું છે. મદદ કરશો?” છોકરાઓએ રમત અટકાવી. એક કહે, “કહો, શી વાત છે?”

“ત્યાં એક છોડ લાવ્યો છું એને રોપવાનો છે.”

“હા, હા. કેમ નહીં? નિશાળમાં અમને સાહેબે તે શીખવ્યું છે.” ને ત્રણે છોકરા છોડ પાસે ગયા. ત્યાં ખાડો કર્યો. છોડને ઊભો રોપ્યો. એક જણ તળાવમાંથી લોટો ભરી પાણી લઈ આવ્યો. છોડને પાણી પાયું. છોડના જીવમાં જીવ આવ્યો. તે ખુશ થયો. છોડ કહે, “મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.” પછી તો છોકરાઓ રોજ આવે. છોડને પાણી પાય. છોડ તો પછી ખીલ્યો. નવાં પાંદડાં આવ્યાં. છોડ પવનમાં લહેરાય ને ખુશ થાય.

એક દિવસ એક બકરીબાઈ આવ્યાં. મસ્ત મજાનો છોડ જોઈ કહે, “વાહ ભૈ વાહ! કેવી મજા! કૂણાં પાન ખાવાની મજા!” આ સાંભળી છોડભાઈના તો હોશકોશ ઊડી ગયા, છતાં આજીજી કરતાં કહે, “બકરી બહેન! બકરીબહેન! જરી થોભો. મને ન ખાવ. હજી તો હું નાનો છું.” પણ બકરી કૂદકા મારતી કહે, “નાનો છે એટલે તો મજાનો છે. હું તો તને ખાઈશ.”

આમ કહી બકરી ખાવા ગઈ. છોડથી ચીસ પડાઈ ગઈ. “ઓ મા! કોઈ બચાવો…!” નજીકમાં પેલા ત્રણ છોકરાં રમતાં હતાં. તેમણે ચીસ સાંભળી. તે દોડતા આવ્યા. બકરી ભાગી. એક જણે તેના કાન પકડી લીધા. “અલી નફ્ફટ બકરી! આ છોડ ખાધો તો તારી ખેર નથી… ભાગ અહીંથી.” બકરી બેં બેં કરતી કહે, “મારી ભૂલ થઈ ગઈ…” ને બકરી ભાગી.

છોડને થયું કે જો મારી ફરતે વાડોલિયું હોય તો…? ત્યાં એક છોકરો બોલ્યો, “મહેશ, આની ફરતે વાડ કરી દઈએ તો કેવું!” આ સાંભળી છોડ કહે, “તમે મારા મનની વાત કહી હોં!” પછી તો ત્રણે જણે છોડ ફરતે વાડોલિયું કરી દીધું. છોડને હવે નિરાંત થઈ ગઈ. ત્રણે મિત્રો રોજ આવે. છોડની ખબર લે. પેલા પંખીભાઈ પણ આવે. છોડ સાથે વાતો કરે.

પછી તો ઉનાળો ગયો ને ચોમાસુ આવ્યું. છોડ તો વધવા માંડયો. બે-ચાર મહિનામાં તો વાડોલિયા બહાર નીકળી ગયો. તે હવે માથોડા જેવડો થઈ ગયો હતો.

સમય વીતવા લાગ્યો. એક વર્ષમાં તો તે ખૂબ મોટો થયો. હવે તે છોડ ન હતો. ઝાડ બની ગયો હતો. એને નવી ડાળીઓ ફૂટી હતી. ત્રણે ભાઈબંધ હવે તેની નીચે રમતા હતા. ડાળ પર રોજ પંખીભાઈ આવતાં. અન્ય પંખીઓય આવતાં. આમ ને આમ બે-ત્રણ વર્ષમાં તો તે છોડ મોટું ઝાડ બની ગયો. હવે તેને કોઈની બીક ના રહી. તે છોકરાઓને કહે, “દોસ્તો, તમારો આભાર. તમે મને ન રોપ્યો હોત તો આજે હું ન હોત… હવે મને કોઈની બીક નથી હોં!”

પણ એક દિવસ નવી નવાઈની વાત બની. એક માણસ હાથમાં કુહાડી લઈને આવ્યો. ઝાડ નીચે આવી તેની સામે ટગર ટગર જોવા લાગ્યો. ઝાડે પૂછયું, “શું જુઓ છો, ભાઈ?” માણસ કહે, “તારી કઈ ડાળી કાપું તો મને વધારે ફાયદો થાય?”

આ સાંભળી ઝાડભાઈ ગભરાયા. તેણે બૂમ પાડી, “ભાઈબંધો, ઓ પંખીભાઈ… બચાવો…!” ત્યાં દૂર ઊડતું પંખી આવી ગયું. ઝાડે તેને પેલા માણસની વાત કરી. પંખી કહે, “ગભરાશો નહીં, હું પેલા ત્રણ છોકરાઓેને બોલાવું છું.” પંખી ઊડયું. પાદરે છોકરાં રમતાં હતાં. ત્યાં ગયું ને બધી વાત કરી. ત્રણે દોડતા ત્યાં આવ્યા. “એ કાકા, આ ઝાડ અમારું ભાઈબંધ છે. એને કાપશો તો અમે ફરિયાદ કરીશું” છોકરાઓએ કહ્યું. પેલો માણસ ગભરાયો. તે હાથ જોડી કહે, “નહીં કાપું હોં.” છોકરા કહે, “ઝાડ રોપવા નથી ને કાપવા નીકળી પડયા છો…!” પેલો માણસ ભાગી ગયો. ફરી ઝાડે પંખી ને ત્રણે છોકરાઓનો આભાર માન્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *