એક ગામમાં એક ઘરડાં માજી રહેતાં હતાં. એમને કોઈ બાળકો નહોતા. માજી એકલાં રહેતાં હતાં. એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયાં. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજીએ એનું નામ સાંગો પાડ્યું. માજી એને ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજીએ એનું નામ સરવણ પાડ્યું.
ફરી એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું. માજીએ એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું એનું નામ લખમણ પાડ્યું. માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી ફરી એક વાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુકિયો હતો! એનું નામ ટચુકિયા ભાઈ પાડ્યું. માજી અને આ પાંચ દીકરા સુખથી રહેવા લાગ્યા.
એક દિવસ માજી જંગલમાંથી જતાં હતાં ત્યાં સિંહ મળ્યો.
સિંહ માજીને કહે, “માજી, હું તમને ખાઈ જઈશ”.
માજી સિંહને કહે, “અરે ભાઈ, મને ઘરડીને શું ખાઇશ? હું મારા તાજા માજા દીકરા ટચુકિયાને મોકલું છું. એને ખાજે”.
સિંહ કહે, “ભલે, તો મોકલો તમારા ટચુકિયાને”.
માજી જાણતા હતાં કે ટચુકિયો બહુ જ ચાલાક છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે.
માજીએ ઘરે જઈને ટચુકિયા ભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે. એ તમને મળવા બોલાવે છે.
“ટચુકિયા ભાઈ રે, મામા ઘરે જાજો…”
ટચુકિયાભાઈ સમજી ગયા કે સિંહમામા કાંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે,
“ના મા, મામા મને ખાય…”
માજીએ ટચુકિયા ભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાંને સિંહથી બચાવો.
ટચુકિયાભાઈએ માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘરે જ જમવા આવે.
માજી જંગલમાં ગયાં. સિંહે માજીને કહ્યું, “કેમ, તમારો ટચુકિયો ન આવ્યો? હવે હું તમને ખાઉં”.
માજીએ સિંહને કહ્યું કે, “સિંહભાઈ, તમે અમારા ઘરે જ જમવા આવોને? મારે પાંચ દીકરા છે”.
સિંહને થયું, “આ સારું. માજીને ઘરે જઈશ તો માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે”.
સિંહ તો માજીને ઘરે ગયો. પાંચેય દીકરા સાથે ખુબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે, “સિંહભાઈ, તમે શું જમશો?”
સિંહ કહે,
“પહેલાં તો ખાશું સાંગો ને સરવણ.
પછી તો ખાશું લાખો ને લખમણ.
પછી તો ખાશું ટચુકિયા ભાઈને.
છેલ્લે ખાશું ડોહલી બાઈને…”
ટચુકિયાભાઈ સિંહને કહે, “મામા, એટલા જલ્દી અમને ન ખાશો. પહેલાં અમારી એક વાર્તા સાંભળો”. આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે પાંચ ભાઈ ભેગા મળીને કોઈને કેવી રીતે મારીએ અને પછી ગાવા લાગ્યા,
“હાથડા તો જાલશે સાંગો ને સરવણ.
પગડા તો જાલશે લાખો ને લખમણ.
ગળું તો કાપશે ટચુકિયા ભાઈ.
દીવડો તો જાલશે ડોહલી બાઈ…”
સિંહને થયું, “ઓ બાપ રે! આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે. તો ચાલ ભાઈ, ભાગ અહીંથી…”
સિંહ તો જાય ભાગ્યો…
ટચુકિયાભાઈ બુમ પાડીને કહે, “અરે સિંહમામા, જમ્યા વગર કેમ ભાગ્યા?”
પછી માજી અને પાંચેય દીકરા મજાથી રહેવા લાગ્યા.