હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે

હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે..
હરિને ભજતાં…

વહાલે ઊગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે..
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે..

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે..
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે…

વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે,
પાંચાલીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે..
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે..

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે,
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે..
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે..

~ પ્રેમળદાસ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *