નાગર નંદાજી ના લાલ
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..
કાના જડી હોય તો આપ
કાના જડી હોય તો આપ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..
નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,
નથણી ને કારણે હું તો નિત્ય ફરું છું જોતી;
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપોને બેની સુભદ્રા ના વીરા;
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય;
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર,
રાધાજીની નથણી નો શામળિયો છે ચોર;
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..
નથણી આપોને પ્યારા નંદના કુમાર,
નરસૈયા ના સ્વામી ઉપર જાવું હું બલિ હાર;
નાગર નંદાજી ના લાલ,
રાસ રમંતા મારી નથણી ખોવાણી..