છૂટાં પડશું તો વિચારીશ..

છૂટાં પડશું તો વિચારીશ, તમે શું કરશો.
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?

વાંક બંનેનો છે, એ વાત બરાબર છે તો,
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,
આયના નીચે ઉતારીશ, તમે શું કરશો?

આંખ ખુલશે તો ‘ખલીલ’ આંખને ચોળી ચોળી,
રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો?

ખલીલ ધનતેજવી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *