~ આ રમેશભાઇ કોણ છે અને કેમ વારંવાર મારી વાતોમાં આવે છે, એવો સવાલ આપને થયો હશે. એટલે જ આ પાના સુધી પહોંચ્યા છો! (અને જો ન થતો હોય તો તમે, આ બગીચાના માળી, શ્રી બગીચાનંદની વાતોથી હજુ અજાણ્યા છો, એમ સમજવું. 🙂 )
~ સાચું કહું તો આ એક એવી આભાસી વ્યક્તિ છે જેના નામનો ઉપયોગ હું મનફાવે એમ અને મનફાવે ત્યાં કરું છું. જે છે આસપાસ, પણ ક્યાંય નથી અને ન હોવા છતાં પણ અસ્તિત્વમાં છે! (ગોળ-ગોળ-ગોળ ફરે છે ને બધુ? હા તો, એમ જ સમજાય એવું આ છે પણ નહી.)
~ જ્યાં કોઇ નથી ત્યાં રમેશભાઇ છે અને જ્યાં બધા છે, ત્યાં તો રમેશભાઇ પહેલાથી હોય છે! એ તો અત્ર-તત્ર-સર્વત્ર છે! કાળ-સમયથી પરે અને જીવન-મૃત્યુના ચક્કરથી મુક્ત છે! (યે કુછ જ્યાદા હો ગયા! એમ તો મારા રમેશભાઇ પોતે છે જ એવા મહાન!)
~ ક્યારેક કંઇક કહેવા માટે ત્રીજા વ્યક્તિની જરૂર પડતી હોય છે; ક્યાંક ઉદાહરણ માટે તો ક્યાં દોષ દેવા માટે. તો વળી ક્યાંક આભાર વ્યક્ત કરવા કે કૃપા મેળવવા માટે કોઇ ત્રીજા અકળ પક્ષકારની જરૂર પડતી હોય છે કે જે જનસામાન્ય હોવા છતાં સૃષ્ટીના નિયમોથી પરે હોય! (અઘરું લાગ્યું? ટુંકમાં સમજી લો કે મારી વાતોમાં આવા એક વ્યક્તિની મને જરુર હતી.)
~ આવા સમયે મારી વાતોમાં હું આ રમેશભાઇને હકથી વચ્ચે ઢસડીને લઇ આવું છું. કોઇ ભગવાન-ઇશ્વર તો નથી અમારા, અલ્લા-બલ્લામાં અમે માનતા નથી અને જીસસ-ઇસુના પ્રચારકો પણ અમને વળગી નથી શક્યા; તો હવે ક્યાંક-કંઇ અજુગતું લાગે તો ગાળો આપવા કોઇ તો જોઇએ ને! 😀
~ બસ તો, જે-જે અજુગતું લાગે તેને અમે શ્રી રમેશભાઇના નામે ચડાવી દઇએ છીએ. આમ અમારી વિચિત્ર માન્યતાઓને પણ જેમ-તેમ બચાવી લઇએ છીએ. (યે બાત કીસી કો બતાના મત. 🤫)
~ આપને થશે કે બીજું કોઇ નામ નહી અને રમેશભાઇ જ કેમ? – તો વાત એમ છે કે આ નામ પાછળ એક નાનકડી કહાની છે, પણ તે વિશે પછી ક્યારેક કહીશ.
~ સમજ લો કે પિક્ચર અભી બાકી હૈ, દોસ્ત!..