– ત્રણ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેરની મુલાકાત લેવામાં આવી અને પુસ્તકોની વિશાળ દુનિયાના દર્શન કર્યા.
– આગળના વર્ષે ઘણી ઇચ્છા હોવા છતાં આ પુસ્તક મેળા સુધી પહોંચી નહોતુ શકાયું એટલે આ વખતે નક્કી કર્યું હતું કે જેમ બને તેમ જલ્દી જ જઇ આવવું.
– આમ તો આ પુસ્તક મેળામાં જવા માટે કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને પુસ્તકો ગમે એટલે ત્યાં જવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. (અને આ બહાને બે-ચાર નવા પુસ્તકો ખરીદી લેવાય તેવી છુપી ઇચ્છા પણ ખરી.)
– એક પછી એક ઘણાં સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને ફરતાં-ફરતાં કુલ દસેક પુસ્તક પસંદ કરવામાં આવ્યા. (આ બધા પુસ્તકનો એકસાથે ફોટો લેવો હતો પણ ઘરે આવ્યા પછી બધા પુસ્તકો ઘરના વ્યક્તિઓમાં આપોઆપ વહેંચાઇ ગયા, એટલે…)
– એક પુસ્તક કે જેને મેડમશ્રીના આગ્રહથી લેવામાં આવ્યું તેનો ફોટો નીચે જોઇ લો. (તેને ત્યાં આ વિષયના પુસ્તકોમાં જ રસ હતો એટલે આવા અન્ય બે પુસ્તકો પણ ખરીદવામાં આવ્યા.)
– આપણે ત્યાં સામાન્યરીતે સરકારી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો ખુબ ઓછા હોય છે અને જો હોય તો તેની વ્યવસ્થામાં સરકારી ટચ આંખે ઉડીને દેખાતો હોય છે; પણ આ ‘બુક-ફેર’ને સંપુર્ણ રીતે પ્રોફેશનલ ટચ આપવા બદલ અને સુવિધા-સરળતાનો સુંદર ખ્યાલ રાખવા માટે આયોજકોને અભિનંદન અને દિલથી આભાર. (જો કે આ માટેની ક્રેડિટ તો મુખ્યમંત્રી મોદીને પણ આપવી પડે, તેમણે સરકારી ખાતાને ‘પ્રાઇવેટ સ્ટાઇલ’માં આયોજનો કરતા શીખવી દીધું ખરું!)
– હવે તો બે જ દિવસ બાકી છે છતાંયે જો પહોંચવું શક્ય હોય અને પુસ્તક સાથે થોડો પણ પ્રેમ હોય તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી. પુસ્તકમેળા અંગેની માહિતી આ પોસ્ટની અંતમાં છે.
– પુસ્તકમેળાની કેટલીક છબીઓ : (ત્યાં અંદર ફરતી વખતે અમે પુસ્તકો જોવામાં એટલા વ્યસ્ત હતા કે ફોટો ક્લીક કરવાનું યાદ જ ન આવ્યું.)
જુઓ ઉપરનો ફોટો; સરકારી અધિકારીઓ તેમની સ્વામી ભક્તિ જતાવવાનો એક પણ મોકો ન ચુકે ! 😀