– છેલ્લી અપડેટ્સ મુક્યાને લગભગ એક મહિનાથી વધુ સમય થયો છે! (આટલા દિવસોમાં લખવા લાયક કોઇ અપડેટ્સ ન હોય એવું તો ન જ બને ને..)
– આજે લખવા બેઠો તો છું, પણ લાગતું નથી કે વધુ ઉમેરી શકાય. કેમ કે કલાક પછી એક વાર્ષિક સમારંભ માટે ગાંધીનગર જવાનું છે અને પછી આખો દિવસ ત્યાં જ સચવાઇ રહેવાનું છે. (આ મારો ફેવરીટ સમારંભ પણ છે એટલે તેને ગુમાવવો મને નહી ગમે.)
– બિમારીના એ દિવસો તો વહેલા જ પુરા થઇ ગયા’તા પણ દવાઓ ચાલું હતી. આગળના વાક્યના અંતમાં ‘હતી’ કહેવાનો મતલબ એ છે કે આજે તે દવાઓનો અંત આવ્યો. સવારે જ તેના આખરી ડોઝ પેટમાં પધરાવ્યો અને એક લાંબી માંદગીમાંથી સફળતાપુર્વક બહાર આવ્યાનો આનંદ મનાવ્યો. (હવે એક છેલ્લો રિપોર્ટ કરાવવાનો બાકી રહ્યો પણ તે નોર્મલ જ રહેશે તે નક્કી છે.)
– છ મહિના આરામનો એ સમય કેમ વિતશે તે વિશે હજુ તો વિચાર કરતો હતો; આજે તે સમય પુરો થઇ પણ ગયો! ઘડીયાળ પણ એ જ છે અને તેના કાંટા પણ એ જ ગતિથી ચક્કર કાપી રહ્યા છે છતાંયે સમજાતુ નથી કે આ સમયની ઝડપ આટલી કેમ વધી ગઇ છે! (મને હમણાં બેકગ્રાઉન્ડમાં ‘મહાભારત’નો “મૈ સમય હૂં” -વાળો અવાજ સંભળાઇ રહ્યો છે!)
– પહેલા યાદ કરું છું ટેસ્ટ રિપોર્ટનો એ દિવસ અને પછી આજનો દિવસ, વચ્ચે શું બન્યું કે આ સમય કેમ પુરો થયો તો તે અંગે કોઇ ખાસ યાદગીરીઓ દેખાતી નથી. (મગજ કમજોર બની રહ્યું છે તેની નિશાની!)
– તે દિવસની પહેલી પોસ્ટ અને આજની સ્થિતિને સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યારે કેવો સમય હતો અને આજના વિચારો કેવા છે! (નિયમિત અપડેટ્સ લખતા રહેવાનો મારો સૌથી મોટો ઉદ્દેશ પણ આ જ છે.)
– જો કે આ મારો બગીચો પણ એટલે જ બનાવ્યો છે કે તેમાં મારી બધી યાદગીરીઓ, સંભારણાંઓ અને વિચારો-અનુભવો નોંધાતા રહે કે જેથી હું વિતેલા જીવનને એકવાર ફરી જોઇ શકું અને સારી/નરસી યાદોને જોઇને પોતાની જાત સાથે બે ઘડી વિચાર-વિમર્શ કરી શકું. (આ વિતેલો સમય મને વર્તમાનમાં શાંત અને મજબુત બનાવી રાખવા માટે ઘણીવાર ઉપયોગી બન્યો છે.)
– આ તો થઇ માત્ર મારી વાત; નવા-જુની અને આજકાલ વિશે તો લખવાનું બાકી રહ્યું. પરંતુ તે માટે આજે સમય નથી એટલે એક-બે દિવસમાં નવા અપડેટ્સ નોંધવામાં આવશે. (આ વાત મારી માટે લખાયેલી છે! 🙂 )
લાસ્ટ, અપડેટ ઓફ ધ ડે!
મારો ટીનટીન હવે સરસ રીતે ચાલતા શીખી ગયો છે!
– તો ફરી મળીશું, થોડા જ દિવસોમાં.. આવજો. ખુશ રહો..