દર્શિત – પ્રદર્શિત : 2

એક અજાણ્યા ઈમેલને જોઇ-વાંચીને અને હવે તેને જવાબ આપવાનું નક્કી કર્યું ત્યાં સુધીની વાત આગળની પોસ્ટમાં હતી. હવે આગળની વાત..

આમ તો તેમના ઇમેલ પછી મેં મોકલેલો તેનો આખો જવાબ અને તે પછી અમારા વચ્ચે થયેલ ઇમેલની આપ-લે, તે બધી વાતો અહી અક્ષરસઃ મુકવા જેવી છે; પણ તેમ કરવામાં કોણ-જાણે-કેમ મને તેમની આંખોની શરમ નડે છે. એમ તો અંગત જેવું એમાં કંઈ જ નથી. આજે તે ગમે ત્યાં હોય અને બની શકે કે મને વાંચતા પણ હોય! અથવા તો સાવ ભુલી ચુક્યા હોય તો પણ તેમના દ્વારા મને ઉદ્દેશીને લખાયેલા તે શબ્દો મારા સુધી રહે તે ઠીક લાગે છે. (એમપણ તે આખી વાત જોડવા જઈશ તો આ પોસ્ટ લાંબી થઈ શકે અને મૂળ મુદ્દાથી ભટકી જાય એવી સંભાવના પણ છે.)

ટુંકમાં કહું તો તે દિવસે મેં તેમણે જણાવેલ વાતોના અનુસંધાનમાં તથા મને એમ ઈમેલ મોકલવાનો આભાર વ્યક્ત કરતો એક જવાબ મોકલ્યો હતો. ત્યારે અગાઉ કરેલ મનોમંથન અનુસાર જાણી જોઈને મારા જવાબમાં નામ-નંબરવાળી વાત ટાળી દેવામાં આવી હતી. (એમ તો તેમની સાથે કોઈ જ અગાઉનો સંબંધ નહોતો અને કોઈ નવો સંબંધ બનાવવામાં મને રસ પણ નહોતો, તો પણ સીધી જ ‘ના’ કહેવામાં હું અચકાતો હતો.)

ત્યારબાદ સતત કેટલાક મહિનાઓ સુધી અમારી વચ્ચે ઈમેલની આપ-લે થતી રહેતી. જેમાં મુખ્યત્વે મારી જે-તે સમયની પોસ્ટના પ્રતિભાવ અને તે મુજબ તેમના અનુભવ કે વિચારો રહેતા. આ ઉપરાંત તે પત્રાચારમાં તેમના તરફથી વારંવાર મારા નામ-નંબર જાણવાની ઈચ્છા પણ વ્યક્ત થતી રહેતી. (હું તે એક ઇચ્છા સિવાય બીજી દરેક વાતનો નિયમિત પ્રતિભાવ આપતો હતો.)

એકવાર મને માત્ર “બગીચાનો માળી” તરીકે જ ઓળખવા વિશે આગ્રહથી કહ્યું હતું. ગુમનામ રહેવાનો મારો મુખ્ય નિયમ મને નડતો હતો. (સાચું કહું તો તેમની માંગણીમાં હવે વિનંતી કરતા હઠ વધુ જણાતી હતી.)

જ્યારે આપણે કોઈ સાથે નિયમિત વિચારો અને વાતો વહેંચીયે છીએ ત્યારે તેઓ આપોઆપ આપણી ઉપર હક જતાવતા થઈ જતા હોય છે. અજાણ્યાથી જાણીતાં અને ત્યારબાદ મિત્રતા જેવો ભાવ જાતે જ જન્મે છે; આપણે ન ઇચ્છવા છતાં બંધનમાં બંધાતા જઈએ છીએ. કોઈ કેટલું કહી શકે તેવો હક આપણે જ કોઇને આપતા હોઇએ છીએ.

છેવટે એક દિવસ એવો આવ્યો કે મારા માટે વાતને ટાળ્યા વગર એક નિર્ણય પર પહોંચવું જરૂરી થઈ ગયું. વારંવાર થતી વાતચિતમાં કોઈ એક વાતનો જવાબ ન આપવો હવે મને પણ ઠીક ન’તું લાગતું. મેં અમારા વચ્ચે વાતચિતના એ સંબંધનો અંત થવાની પુર્વધારણા સાથે જ તેમને સાફ શબ્દોમાં ‘ના’ કહેવાનું નક્કી કર્યું. (તેઓનું નારાજ થવું મને પણ સ્વાભાવિક જણાતું હતું; પરંતુ મારી પાસે બીજો વિકલ્પ નહોતો.)

સમય ઘણીવાર એવા વળાંક પર લાવીને મુકી દે છે કે તમારે ના-છૂટકે કઠોર નિર્ણય લેવા પડે છે. પરિણામ જાણતાં હોવા છતાંયે તમે મજબૂર હોવ છો. 

મારા એ નિર્ણય બાદ અમારા વચ્ચે બનેલ એક સાહજીક સંબંધ તુટવાનો ભય ચોક્કસ હતો. અહીયાં વધું નુકશાન કોણ ભોગવશે તે નક્કી કરવું મુશ્કેલ હતું. છેવટે તેમને ‘ના’ કહેવા માટે અને તેનું કારણ સમજાવવાના છેલ્લા પ્રયત્ન તરીકે મેં કેટલાક શબ્દો એક ઈમેલ દ્વારા મોકલી આપ્યા. જેનો મુખ્ય ભાગ નીચે વાંચી શકો છો…

[ . . . ] હું સહમત છું કે તમે મારું સાચું નામ જાણવા ઇચ્છો છો અને તે વાતને હું ટાળતો રહું છું. અહીયાં વાત ભરોસા કે વિશ્વાસની નથી, પણ પોતાની જાત સાથે કરેલ એક વાયદાની છે જે વિશે અગાઉ પણ આપણે વાત કરી ચુક્યા છીએ.
જ્યાં નામ આવે ત્યાંથી જ નામના મેળવવાની ઝંખના ઉભી થતી હોય છે. મારે પ્રસિધ્ધ થવું નથી. હું તેને લાયક પણ નથી. અહિયાં મારા શબ્દો જ મારી ઓળખાણ બને એવી મારી ઇચ્છા છે એટલે જ હું મારા નામ-ઓળખનો ઉલ્લેખ કરવાથી દૂર રહ્યો છું. બાકી તો, મારો ચહેરો ભલે ક્યાંય પ્રદર્શિત ન હોય;પણ જો તમે મારી દરેક વાતને ધ્યાનથી વાંચશો તો આપને સમજાઈ જશે કે હું દર્શિત છું.
આ સિવાય આપને વધુ કોઇ ઓળખ હું આપી શકું એમ નથી તો તે બદલ માફ કરશો. આપના આટલા આગ્રહ હોવા છતાં તે વિશે ના કહેવા મજબુર છું.
આશા છે કે આપના તરફથી આ વિષયે ફરી કોઈ આગ્રહ કરવામાં નહી આવે અને કારણ વગર બંધાયેલો આ સંબંધ એમ જ જળવાઇ રહેશે. [ . . . ]

ઉપરના ઇમેલનો સીધો કોઈ જવાબ ન આવ્યો પણ તેઓએ મારી નવી પોસ્ટમાં મને એક નામથી સંબોધન કરીને પ્રતિભાવ આપ્યો. તે પોસ્ટ પર બીજા લોકોએ પણ તે નામને જ પકડ્યું. (મને સમજાઈ ગયું હતું કે તે નામ ક્યાંથી જાગ્યું છે.)

મને ખબર પડી ગઈ કે સંદર્ભ આપવામાં જ નામ વિશે ગૂંચવાડો થઈ ગયો છે. મેં ત્યારે તે વિશે ચોખવટ ન કરવી જ યોગ્ય સમજી અને હું પોતાને અજાણતા જ એક ઓળખ આપી ગયો. (ચોખવટ ન કરવાના કારણમાં એમપણ હતું કે તે નામ એમ જ ક્યારેક ભુલાઇ જશે.)

જેમ પેલી પંદર લાખની એ વાત કોઈ અલગ સંદર્ભમાં કહેવાયેલી હતી પણ તેનો અર્થ કેટલાક લોકો દ્વારા અલગ રીતે કરવામાં આવ્યો અને કોઈ માટે કાયમનો તકિયા-કલામ બની ગયો; એમ વાત-વાતમાં હું દર્શિત થઈ ગયો!

તે વાતને આજે વર્ષો થઈ ચૂક્યા છે. હવે તે સંદર્ભથી મળેલ ઓળખ જ અહિયાં મારી ઓળખ બની ચૂકી છે. તે ઓળખ આપનાર વ્યક્તિ સાથે લાંબા સમયથી કોઈ સંપર્ક નથી, પરંતુ તેઓએ આપેલ નામ કાયમ બની ચૂક્યું છે. મે પોતે પણ તેને અહીયાં મારી ઓળખ તરીકે સ્વીકારી લીધું છે.

અસ્તુ.

[170518] નાયરા અપડેટ્સ

~ આજથી મારા બગીચામાં અપડેટ્સના એક નવા પ્રકારની શરૂઆત થઇ રહી છે. (કદાચ નવો પ્રકાર ન કહેવાય, નવો હિસ્સો કહેવાય.)

~ એમ તો મારા બગીચામાં નિયમિત આવતા મુલાકતીઓને આ નવા ઉગેલાં ફુલ વિશે જાણકારી હશે જ. છતાંયે આ પ્રકારના અપડેટ્સની આ પ્રથમ પોસ્ટ છે એટલે થોડી પુર્વભુમિકા પણ નોંધી લઇએ. (ન નોંધીએ તો પણ કોઇને શું ફરક પડશે યાર… પણ મારો બગીચો છે એટલે મારી મરજી ચાલશે. 🙂 )

~ તો મુળ ઘટના એ છે કે; ચૈત્ર વદ ચોથ ની મધરાત્રે ચલ ચોઘડીયામાં અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. ઓકે. અંગ્રેજીમેં બોલે તો.. ૧૬ એપ્રિલ ૨૦૧૭ના દિવસે અને 1:20am ના સમયે તેનો જન્મ છે. (ગુજરાતી કેલેન્ડર, શાસ્ત્રો અને જ્યોતિષ મુજબ તો તેને ૧૫ તારીખની મધરાત્રે કહેવાય પણ અંગ્રેજી મહિના મુજબ ૧૨ વાગ્યે તારીખ બદલવાના ન્યાયે તેની જન્મ તારીખ ૧૬ એપ્રિલ કહેવાશે.)

~ આ પોસ્ટ વહેલા આવી જાય એમ હતી પણ નામકરણ બાકી હતું એટલે થયું કે નામ નક્કી કરીને જ માહિતી મુકીએ. વ્રજનું નામ અમે હોસ્પિટલમાં નક્કી કરી નાખ્યું’તું પણ આ વખતે એક નામ ફાઇનલ કરવામાં ઘણાં દિવસ લાગ્યા. (કોઇ એક નામ પર સર્વસંમતિ શક્ય ન હોય એટલે આવું જ થાય.)

~ કોઇ શાસ્ત્રો, મુહુર્ત કે ચોઘડીયામાં નથી માનતો છતાંયે કક્કાના કયા મુળાક્ષરથી નામ રાખવું તે નક્કી થઇ જાય એટલે રાશી મુજબ નામ રાખી લેવું એ મુળાક્ષર નક્કી કરવાનો મારો શોર્ટકટ છે. પછી તેની આસપાસ જ નામ સિલેક્ટ કરવું જેથી અસંખ્ય નામમાંથી સિલેક્શન કરવામાં સરળતા રહે. (ધાર્મિક પરિવારજનો પણ ખુશ અને હું પણ ખુશ.)

~ ઘણાં ઓપ્શન બાદ અને સર્વસંમતિના અભાવે છેલ્લે મારા ‘વિટો’ પાવરના દમ પર નામ નક્કી કરી લીધું છે; નાયરા. આગળ એ જ પોસ્ટ હતી પણ મોબાઇલથી પોસ્ટ અપડેટ હતી એટલે આળસમાં ત્યાં બીજી માહિતી ઉમેરી નહોતી તો કોઇને ન સમજાયું હોય એવી શક્યતા છે. (ન સમજાય તો પુછવું જોઇએ ને? એમાંયે શરમાવાનું હોય કે?)

~ હા, નાયરા વિશે કહું તો.. ઘણી શાંત છે. (એકદમ પપ્પા જેવી) રાત્રે જગાડતી નથી અને દિવસે પણ સુવે છે! કુલ ૨૪ કલાકમાં ૧૮ કલાક ઉંઘ કરે છે. બાળકો બાબતે અમે દંપતિ એમ નસીબદાર રહ્યા કે નવજાત બાળકને ઉછેરવામાં શરૂઆતમાં આવતી પરેશાનીથી ઘણાં દુર છીએ. (શરૂઆતમાં બાળકો આખી રાત જગાડે એ સૌથી મોટી તકલીફ હોય છે. અનુભવીઓ અહી સહમત થશે.)

~ ફોટો ઘણાં ક્લિક કર્યા છે. હજુયે રોજ કરું છું. ઉપર હેડરમાં છે તો પણ યાદગીરી તરીકે બીજો એક અહીયા ચિપકાવી દઉ છું…