અપડેટ્સ – 52

# 2016 ના વર્ષની આ ચોથી પોસ્ટ છે. (એમ ગણવા જશો તો આ પાંચમી લાગશે.) પાચમાં મહીનામાં ચોથી પોસ્ટ! (બહોત નાઇન્સાફી હૈ ના?)

# સમયના કોઇ કાળમાં ‘રાજકારણ વિશે ન લખવું‘ એવું નક્કી કર્યું’તુ અને તે નક્કી કર્યા પછી ‘શું લખવું‘ એ જ નક્કી નથી થતું. એમ તો વિષય અને ઘટનાઓની કમી નથી પણ કેમ જાણે અહી કંઇ ઉમેરવા માટે મેળ જ નથી આવતો. (writer’s block આ સ્થિતિને જ કહેતાં હશે, પણ હું તો કોઇ એંગલથી writer પણ નથી! તો પછી આ block મને કેમ નડતો હશે? 🤨)

# ઘણીવાર થયું કે કંઇક લખવામાં આવે તો આ જગ્યા પણ જીવંત રહે. ખૈર, આજે કલમ (એટલે કે કી-બોર્ડ) હાથમાં લીધી જ છે તો બે-ચાર લીટી ચોક્કસ લખીશ. (એમ લખવા બેસીયે તો પાછું કંઇક લખાઇ પણ જાય હોં! 😊)

# અમારે કોઇ રીતે વેકેશન જેવું ન હોય તો પણ વ્રજના કારણે અત્યારે વેકેશન ટાઇમ ચાલી રહ્યો છે. એ સાહેબ તો નાના‘ના1 ઘરે જલ્સા કરે છે તથા મેડમજી પણ તેમને ત્યાં જ સાથ આપી રહ્યા છે. અમે અહીયાં એકલાં રહેવાની મજા ઉઠાવી રહ્યા છીએ. (એકલાં રહેવાની પણ એક મજા હોય છે; પણ જાહેરમાં જતાવાય નહી.🤫)

# ગામમાં રખડવાના શોખીન હોવા છતાં અત્યારે સોલિડ ગરમીની મૌસમના કારણે ઓફિસમાં ભરાઇ રહેવું ઠીક હોય છે. મારી માટે ગરમી સહન કરવી એટલી અઘરી ન હોય પણ આ વખતે કંઇક વધારે જ છે, એટલે સાચવવું સારું. (સાંજે ૭ વાગ્યા સુધી પણ લૂ લાગતી હોય છે!)

# એમ તો આ ગરમી શરૂ થાય એ પહેલા અમે રાજસ્થાનમાં જયપુરનો પ્રવાસ કરી આવ્યા’તા. ગરમીની શરૂઆત હતી ત્યાં એટલે ફરી શક્યા, હવે જવાની હિંમત ન કરાય. (અરે, આ પ્રવાસ વિશે એક આખી પોસ્ટ બની શકે એમ છે! કાલે જ વાત.)

# વ્રજની નર્સરી સ્કુલ જૂન મહિનાના પ્રહેલા અઠવાડીયામાં જ સ્ટાર્ટ થઇ જશે, એટલે તે પહેલા તેને લેવા માટે મને સાસરે જવું પડશે. (સાસુએ પણ આમંત્રણ આપ્યું છે કે – કુછ દિન તો ગુજારીએ સસુરાલ મેં!)

# મારી કોલેજ પુરી થયા પછી ઘણાં મોટા બ્રેક પછી સ્કુલીંગ સાથે મારો પરિચય થઇ રહ્યો છે. વ્રજની સ્કુલ-બુક્સ અને સ્કુલના નખરાંઓ જોઇને લાગે છે કે અમે ભણતાં’તા એ આ દેશ નહોતો! (સાલું, બઉ બદલાઇ ગયું છે બધું!)

# બસ આજે આટલી વાતો ઠીક રહેશે. આગળની (એક્સ્ટ્રા) નાનકડી પોસ્ટ માત્ર સ્પાર્ક માટે જ હતી અને તેનો ફાયદો પણ થયો. (ખરેખર આ ‘બ્લોક‘ જેવું કંઇક હોય છે ખરું!)

સાઇડટ્રેક: આ writer’s block નું ગુજરાતી શોધવા પ્રયત્ન કર્યો પણ કોઇ નક્કર જાણકારી ન મળી. ગુગલભાઇના મતે તેને ‘લેખક માતાનો બ્લોક‘ કહેવાય એવું જાણવા મળ્યું! શું તેને ‘લેખન શૂન્યતા‘ કહી શકાય?

writer's block in gujarati

પવાર, FDI, આંદોલન, લોકપાલ અને મફત સલાહ

. . .

# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…

– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)

– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)

– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)

– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.

– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)

– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.

– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)

. . .