~ ટ્વીટરથી જાણકારી મળી હતી કે GSRTC1 એપ્લીકેશન સરસ કામ કરે છે અને સરકારી બસો પણ થોડીક સુધરી છે! (સાચું છે કે ખોટું એ તો રમેશભાઇને ખબર..)
~ વર્ષો બાદ સંયોગ થયો અને મુસાફરીના અન્ય વિકલ્પના અભાવે ચોક્કસ જગ્યાએ જવા માટે એસ.ટી. બસના સ્લીપર ક્લાસમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવ્યું. એપ્લીકેશન પર બુકિંગનો અનુભવ એકંદરે સરળ રહ્યો. (સરકારનો પ્રયાસ સાચી દિશામાં છે! #અભિનંદન)
~ પહેલી વાર સરકારી બસનું ભાડું જોઇને જાણ્યું કે તેનો અને ખાનગી લગજરી બસ વચ્ચે ભાડાંનો તફાવત લગભગ 250% સુધી છે! પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા આમેય તહેવારોની સિઝનમાં પબ્લીકને બહુજ લુંટે છે! (સતર્ક રહે, સાવધાન રહે..)
~ આટલો ફરક કેમ હશે તે જાણવા મુસાફરીનો જાત-અનુભવ કરવો જરુરી હતો, પરંતુ બુકીંગ કર્યાના બીજા દિવસે જ ટ્રેનની ટિકીટ કન્ફર્મ થવાને લીધે એસ.ટી.ની મુસાફરીનો આનંદ ન લઇ શકાયો. એક નવો અનુભવ ચુકી જવાયો. (ક્યારેક આ અનુભવ ચોક્કસ લેવામાં આવશે. કેટલાક અખતરા અમે જીવના જોખમે પણ કરવા તૈયાર હોઇએ છીએ. 😀 )
~ ખબર નહોતી કે એસ.ટી.ની એડવાન્સ બુકીંગ કરેલ ટીકીટ રદ પણ કરાવી શકાય. આ તો કોઇએ એમ જ કહ્યું કે કદાચ થતી પણ હોય. અમે શંકાનું સમાધાન કરીને જાણ્યું કે તે વિકલ્પ પણ અત્રે2 ઉપલબ્ધ છે! #આશ્ચર્ય
~ જો કે આશ્ચર્ય વધુ સમય ન ટકયું. રદ કરવાના વિકલ્પ પર પહોંચતા જ ત્યાં અમારી પાસેથી ટીકીટ અંતર્ગત કેટલીક વિચિત્ર માહિતી ઉમેરવાની માંગણી કરવામાં આવી, જે અમારી પાસે આવી જ નહોતી. મેસેજ-ઇમેલ તપાસ્યા, સ્પામમાં પણ ફરી વળ્યા; કંઇ જ ન દેખાયું.
~ હવે તો લાગ્યું કે ટીકીટ કેન્સલ કરવી એ ચક્રવ્યુહના સાત કોઠા ભેદવા જેવું છે અને અમે અભિમન્યુ જેવી પ્રતિભા ધરાવતા ન હોવાથી હથિયાર ન ઉપાડવામાં જ શાણપણ છે. (જો કે રકમ પણ એટલી ઓછી હતી કે ત્યારે અતિ વ્યસ્તતામાં કિમતી સમય ન બગાડવો ઠીક સમજ્યું.)
~ પણ પણ પણ… ટીકીટ કેન્સલ કરવાનો વિચાર કેન્સલ કર્યા પછી પણ વિચાર આવ્યો કે પ્રયત્ન કર્યા વગર હાર માની લેવી એ તો કાયરનું કામ છે. પોતાને પાનો ચડાવ્યો અને મહાકારગર એવું ગુગલ-શસ્ત્ર ઉપાડીને હું યુધ્ધ મેદાનમાં કુદી પડયો!
# ટીકીટ બુકિંગ તથા કેન્સલ કરવાનો અનુભવ અને જાણકારીની નોંધ;
- સ્લીપર બસમાં ઉપર કે નીચેની સીટ કઇ રીતે ઓળખવી તે સમજાતુ નથી. (એપ્લીકેશનમાં તે વિશે સુધારો જરુરી છે.)
- એકવાર બુકિંગ કન્ફર્મ થયા પછી કોઇ જ એસએમએસ કે ઇમેલ મળતા નથી. એપ્લીકેશનમાં ખાંખા-ખોળા કરીને બધી માહિતી જાતે મેળવવી પડે. (આ થોડું વિચિત્ર કહેવાય.)
- ટિકીટ કેન્સલ કરતી વખતે કોઇ ‘txt password‘ માંગે છે; જે શું હોય તે વિશે જાણવા ગુગલમાં શોધખોળ કર્યા વગર મેળ ન જ પડે અને વળી તે વિશેની ખણખોદ કરતાં-કરતાં નવું જ્ઞાન મેળવ્યું કે તેમાં ઓફીસીયલ એપ્લીકેશન કોઇ જ મદદ નહી કરી શકે. (txt password એટલે ટ્રાન્સેક્શન પાસવર્ડ – આ પણ ગુગલે જણાવ્યું. #થેન્ક્યુ_ગુગલ.)
- મતલબ કે તે માહિતી મેળવવા માટે તમારે વેબ-બ્રાઉઝરમાં જી.એસ.આર.ટી.સી. ની વેબસાઇટ ઓપન કર્યા બાદ થોડીક મથામણ કરીને ઓરીજીનલ ટીકીટ ડાઉનલોડ કરવી પડે અને તેમાંથી ખજાનાની ચાવી મળે! (મતલબ કે પેલો txt password મળે.)
- હા, txt password મેળવ્યા પછી એપ્લીકેશનમાં મુસાફરી-ટીકીટ રદ કરવાની ઉત્તમ વ્યવસ્થા છે. (જોયું કેટલું સરળ છે!)
- ઉપરોક્ત વિધી પતાવ્યા બાદ ટીકીટ કેન્સલ માટેનો મામુલી ચાર્જ કાપીને બાકીના પૈસા 7 દિવસ પછી એકાઉન્ટમાં પરત આવશે તેવી જાણકારી એક રેફરન્સ નંબર સાથે ત્યાં દેખીને અમે સંતોષ મેળવ્યો. (કોઇ SMS મળતા ન હોવાને લીધે તે સ્ક્રીનશોટ સાચવી રાખવામાં અમોને લાભ જણાયો.)
ઉપરોક્ત ઘટનાને આજે ચોથો દિવસ થયો છે; હવે રાહ જોવાય છે કે…
સાત દિવસ પહેલા થશે કે રિફંડ પહેલા થશે?
વધારોઃ ટીકીટ રદ કરતી વખતે એક પોઇન્ટની નોંધ લીધી હતી કે જો કોઇને આપના મોબાઇલ નંબર અને ઇમેલની જાણકારી હોય તો તે GSRTC ની વેબસાઇટ પરથી સરળતાથી ટીકીટ ડાઉનલોડ કરી શકે છે અને એપ દ્વારા કોઇ જ અડચણ વગર તમારી મુસાફરી ટીકીટ રદ પણ કરાવી શકે છે! આ બાબતે સુધારો અતિઆવશ્યક અને પ્રાથમિકતા આપીને કરવો જરુરી ગણાય.
અપડેટ: રિફંડ છઠ્ઠા દિવસે થઇ ગયું હતું. જે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવામાં આવી હઈ તે બેંક દ્વારા SMS થી આ જાણકારી મળી હતી.