~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ, એક જ દિવસ પછી, બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર કર્યો હતો. (આવું કેમ કર્યું હશે તે અલગથી વિચારવા જેવો મુદ્દો છે. કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મારી આદતો અને વ્યસ્તતાને ધ્યાનમાં લેવી જ જોઇએ.)
~ ચલો, રમેશભાઇને ગમ્યું એ થયું એમ માની ને વાત આગળ વધારું.. (કોઇ તો વિચારતું હશે કે આ રમેશભાઇ કોણ છે!!.. જુઓ, મને પણ ખબર નથી; એટલે મને તો પુછવું જ નહી.)
~ હા તો અમે અટક્યા હતા બેંગ્લોરમાં, હવે જવાનુ હતું Bannerghatta નેશનલ પાર્કમાં..
~ આ પાર્કના નામનું શુધ્ધ ઉચ્ચારણ શું થાય તે વિશે ચોક્કસ ન હોવાથી તેને અંગ્રેજીમાં જ રહેવા દીધું છે. (લગભગ “બૅનરગટ્ટા નેશનલ પાર્ક” કહેવાય. પણ ચોક્કસ ખબર ન હોય તે વિશે હોંશીયારી ન બતાવવી જોઇએ એવું અમારા ગુરુ શ્રી બાબા બગીચાનંદજીએ શીખવ્યું છે. #આજ્ઞાકારી_શિષ્ય)
~ છોકરાંઓની ઇચ્છાને વશ અને કંઇક નવું જોવાની આશાએ અમે નેશનલ પાર્ક તરફ નીકળ્યા. બેંગ્લોરથી વધુ દુર નથી પણ તે જ દિવસે સાંજે મૈસૂર માટે નીકળી શકાય તે વિચારે અમે સવારે થોડા વહેલા નીકળ્યા. સ્થળ પર સમયસર પહોંચી ગયા અને સૌથી પહેલું કામ સફારીમાં એન્ટ્રી લેવાનું કર્યું.
~ બાળકો સાથે મોટાને પણ ગમે તેવું સ્થળ છે. કદાચ ગુજરાતમાં આવી જગ્યા કોઇ નથી જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓને જંગલમાં જોઇ શકાય. ખુંખાર વન્ય જીવો ને આટલા નજીકથી આઝાદ ફરતાં પહેલી વાર દેખ્યા. વ્રજ માટે પણ આવો પ્રથમ અનુભવ હતો એટલે તેને પણ મજા આવી. (પહેલા આવા પ્રાણીઓને માત્ર પીંજરામાં પુરાયેલા દેખ્યા છે.)
~ આ નેશનલ પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે અને તેમાં ફરવા માટે બસની સુંદર વ્યવસ્થા છે (જેથી વન્ય પ્રાણીઓને ખલેલ કર્યા વગર અમે સામાજીક પ્રાણી બંધ બસમાં ફરી શકીયે.)
~ ત્યાં બટરફ્લાય પાર્ક ઠીક-ઠીક છે અને ઘણું વિશાળ પ્રાણી સંગ્રહાલય પણ છે! (જે જોવામાં અમે થાકી ગયા અને અધુરું મુકીને પરત થયા.)
~ ઘણાં ફોટો ક્લિક કર્યા છે પણ તે પછી કયારેક અલગ અપડેટ્સમાં દેખાશે..
# અત્યારે આ ફોટો જોઇ લો..
~ આજે આટલું ઠીક લાગે છે. હવે પછીના અપડેટ્સમાં મૈસૂરની વાતોને ફોટો સાથે નોંધવામાં આવશે. (આ વખતે સમય નક્કી નથી કરવો. પોતાની નજરમાં ખોટા પડવાની પણ હદ હોય યાર..)
# સાઇડટ્રેકઃ આ બગીચા થકી જેમના પરિચયમાં છીએ તેવા શ્રી ચંદ્રકાંતભાઇ સાથે ફોન પર મુલાકાત કરીને સંતોષ માન્યો. તેમના શહેરમાં હોવા છતાં રૂબરુ મળવા જઇ શકાય એટલો સમય મારી પાસે નહોતો; વળી અમે કોઇ એક જગ્યાએ અટકતા ન હોવાથી તેમને કોઇ ચોક્કસ જગ્યાએ મળવા બોલાવી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. આશા છે કે ક્યારેક અમદાવાદમાં જ મુલાકાત થશે.