. . .
– મારી અંદર અને બાહ્ય વિચારોનો ઘણાં બદલાવમાંથી પસાર થતો એક ઉત્તેજક સમયગાળો ચાલી રહ્યો છે. (એમાં પણ હું મારા વિચારોની નોંધ કરી રહ્યો છું ત્યારથી આ બદલાવ ચોખ્ખા જણાઇ રહ્યા છે.)
– ન કરવાનું ઘણું કરી રહ્યો છું કોણ જાણે હું શું ગડબડ કરી રહ્યો છું…. (અગડમ-બગડમ લાગે છે ને… મને પણ લાગે છે, પણ એ જ હકિકત છે !!) જે હોય તે.. પણ, જીવન જીવવાના એક ઉત્તમ સમયગાળામાંથી હું પસાર થઇ રહ્યો છું એવું લાગે છે. (મને આજકાલ દરેક વસ્તુમાં મજા બહુ આવે છે, બોલો… 😀 )
– આ સમય મને મારી કૉલેજકાળની શરૂઆતની યાદ અપાવી રહ્યો છે.. હા, એ સમય.. જયારે હું કોઇપણ ટેન્શન વગર મને અને મારી આસપાસની વસ્તુ-વ્યક્તિને મનભરીને નીરખતો, જાણતો અને માણી શકતો. (આજકાલ એવી જ મજા આવી રહી છે અને કોઇ પરેશાની મોટી લાગતી નથી.)
– બિઝનેસમાં નજીકના સમયમાં જ એક મોટો પડકાર મારી સામે આવવાનો છે પણ કોણ જાણે હું એકદમ બેફિકર છું. (જયારે મારી સાથેના લોકો એ તે અંગે અને ખાસ તો મને બેફિકર જોઇને વધુ ચિંતિત હોય એવું લાગે છે.)
– ભવિષ્ય અંગે વિચારવું અને ભવિષ્યને પારખવું એ દરેક બિઝનેસમાં સૌથી મહત્વનું હોય છે અને જયારે મુખ્ય નીતિમાં ફરક કરી રહ્યા હોવ ત્યારે કેટલાક પડકારો સહન કરવા માનસિક તૈયારી રાખવી જ પડે છે. (અને અત્યારે માનસિક રીતે હું ઘણો મજબુત છું.)
– જે આવવાનું જ છે કે જે થવાનું નક્કી છે તે અંગે અત્યારે ચિંતા કરવાનો મને કોઇ હેતુ નથી જણાતો. (હા, તેને ટાળવાના યોગ્ય વિકલ્પની શોધ ચાલું છે… પણ જો તે નહી મળે તે ‘પડશે એવા દેવાશે’ એવું તો નક્કી જ છે.)
– કમિટમેન્ટ અને નિખાલસતા જાળવવાના પ્રયત્ન ઉચ્ચ કક્ષાએ છે. (નિખાલસતા ફાવી ગઇ છે પણ દરેક કમિટમેન્ટ જાળવવા ઘણાં અઘરા પણ પડી રહ્યા છે.)
– બિઝનેસમાં એક નવું અને મારી કેપેસીટીથી થોડું વધારે રિસ્ક લેવા જઇ રહ્યો છું, જેનો ફાયદો અત્યારે કેટલો થશે એ તો ભગવાન જાણે પણ ભવિષ્યમાં ચોક્કસ ફાયદાકારક રહેશે તેવું જણાય છે. (“રિસ્ક તો સ્પાઇડર-મેન કો ભી લેના પડતા હૈ…”- રણવીર કપુર, ફિલ્મઃરોકેટસિંઘ)
– બિઝનેસની વધારે વ્યસ્તતાનું સૌથી મોટું નુકશાન હું કૌટુંબિક રીતે ભોગવીશ પણ અત્યારે મારી પાસે જે કંઇ ઇચ્છા-શક્તિ છે તેને અનુરૂપ કામ કરવું વધુ જરૂરી લાગે છે. (એક-બે લગ્નમાં નહી જઇ શકાય અને સાસુ-સાળીની બર્થ-ડે જેવા પ્રસંગને જતા કરવા પડશે તેનો કોઇ ગમ પણ નથી…. ;))
– મારા પરિવારને મારા સમયની ખરેખર જરૂર હોવા છતાં આ વ્યસ્તતાના સમયમાં મને સહાયતારૂપ અને હિંમત આપનારો બની રહ્યો છે. (કોઇના સાથની જરાય આશા નથી છતાં પણ આપણી નજીકના લોકો સાથે હોય ત્યારે હિંમત અનેકઘણી વધી જતી હોય છે.)
– બસ, જેમ હું ખુશ રહું છું તેમ મારી આસપાસ પણ હંમેશા ખુશી ફેલાયેલી રહે એવી નાનકડી આશા છે. (કોઇને કોઇ સળી તો કરતા રહેવાના, પણ તેમની તરફ ધ્યાન આપ્યા વગર પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું હવે ફાવવા લાગ્યું છે.)
. . .