ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!

~ નમસ્તે, આજે આપણે જાણીશું.. ફેસબુક પર વધારે લાઇક અને કોમેન્ટ મેળવવાના સૌથી સરળ રસ્તા વિશે!

~ સૌ પ્રથમ ગુગલ દેવતાના શરણે જઇને એકાદ ભગવાનનો ફોટો શોધી લો. (આમ તો ૩૩ કરોડ કહેવાય છે પણ વધુ ફેમસ હોય એવા કોઇને પકડવાથી ચોક્કસ ફરક પડશે.)

~ તેને ફેસબુક પર આપની પ્રોફાઇલમાં અપલોડ કરો. (ધ્યાન રહે કે ફોટો ‘પબ્લીક‘માં સેર થવો જોઇએ.)

~ ફોટો સાથે જે-તે ‘ભગવાનની જય…..’ લખો અને સાથે ખાસ ઉમેરો કે ‘લાઇક કરશે તો તમારી બધી મનોકામના પુર્ણ થશે; અને જે લાઇક નહી કરે તેની સાથે સાંજ સુધીમાં કોઇ ગડબડ થશે.’ (આવું લખવાથી ઘણો ફાયદો થશે, તેની અમે ૧૦૦% ખાતરી આપીએ છીએ!)

~ ભગવાનના ફોટોમાં ભલે કયાંય ન દેખાતા હોય, તો પણ તમારા નજીકના ફ્રેન્ડ અને સગાઓને ફોટોમાં જયાં-ત્યાં ટેગ કરો. અહી ભગવાનના પરમ ભક્તોને ખાસ ટેગ કરવા. તમને વારંવાર ગમે-તેવી પોસ્ટમાં ટેગ કરતા લોકોને પણ ટેગ કરીને બદલો પણ લઇ શકો છો! (ચિંતા ન કરો, અહી લોકો ‘મને ટેગ કેમ કર્યો’ તેવી ફરિયાદ નહી કરે તેનો અમને વિશ્વાસ છે.)

~ બસ, હવે ‘Post‘ ઉપર ક્લિક કરો અને જુઓ ભગવાનનો ચમત્કાર!

~ જય હો…

🙏


પુસ્તક રેફ. : ફેસબુકમાં ફેમસ થવાના ૧૦૧ ‘ચીપ’ રસ્તાઓ
લેખક : અ.જ્ઞાની બાબા બગીચાનંદ

*સર્વ હક આરક્ષિત.

Ending image of post - ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…

કોલેજ કાળની શરુઆત અને મસ્તી

આમ તો હું થોડો શરમાળ ખરો એટલે આજ સુધી કોઇની સાથે મારા હ્રદયમાં છુપાયેલી વાત કરી નથી અને આમ જોઉ તો મને એવું કોઇ મળ્યું પણ નથી કે જેની સાથે પેટ ખોલીને વાત કરી શકાય. કદાચ તેમા મારો સ્વભાવ પણ કારણભુત હોઇ શકે કેમ કે મને હંમેશા ડર રહે છે કે જો હુ મારી વાત કોઇને કહીશ અને તે તેની મજાક ઊડાવશે તો ? જો તે મારી વાત બીજા બધાને કહી દેશે તો ?…

આ બધી શંકાઓના કારણે જ આજે કોલેજ પુરી કર્યાના પાંચ વર્ષે પણ હું મને એકલો જ મહેસુસ કરું છું, હું મારી વાત માત્ર મને જ કહું છું. પણ હવે મને એકલતા કોરી ખાય છે, મારી અંદરની લાગણીઓ અને યાદો બહાર આવવા ઝંખે છે. આ બ્લોગ કંઇક એ જ હેતુથી લખુ છું… વિચારું છુ કે કોણ વાંચતુ હશે ? પણ એ બધી માથાકુટમાં પડયા વગર મને તો લખીને મારી વાત કોઇની સાથે વહેંચ્યાનો આનંદ આવે છે અને મારે મન તો એ જ ઘણું છે.

કોલેજ-કાળ દરેકના જીવનનો એક સુંદર સમય છે. ઘણાંખરા મિત્રોની જીંદગી એ સમયમાં જ ઘડાય છે. ભવિષ્યના ઘણાં સંબંધો આપણે બનાવીએ છીએ પણ તેમાં કોઇ ચાલાકી કે પ્લાન હોતો નથી.. બસ, સંબંધો બની જાય છે.

દરેક ની જેમ મારી સાથે પણ બન્યું છે કે નવા-નવા કોલેજમાં જવું, નવા-નવા લોકોને જોવાના, ઘરથી કોલેજ થોડી દુર અને તે સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકે તેટલી ઉંમર પુરી ન હોવાથી ઘર માંથી ટુ-વ્હીલર લઇને કોલેજ જઇ શકાય નહી; એટલે અમદાવાદની સરકારી બસ સેવાનો ઉપયોગ શરુ કર્યો. શરુ માં તો અઘરુ લાગ્યું પણ પછી તો બહુ મજા પડવા લાગી. મારા માટે કોલેજ જવું એ પિકનિક જેવુ લાગે. રોજ અમે બધા મિત્રો (લગભગ ૧૦-૧૫) ભેગા મળીને મસ્તી કરતાં-કરતાં કોલેજ પહોંચીએ.

અમે બધા એકબીજાને પહેલાથી ઓળખતા તો ન’તા પણ એક જ બસમાં અને એક જ કોલેજમાં હોવાથી સહજ મિત્રતા બંધાઇ હતી. હજુ એવા કોઇ દિલોજાન મિત્રો મળ્યા ન’તા કે જેમની સાથે બેસીને બધી વાત કરી શકાય.

friends group, મિત્ર વર્તુળ
*સંદર્ભ ફોટો

ઘણાંને મિત્રો બનાવવાની ઇચ્છા થાય અને ઘણાંના મિત્રમંડળ જોઇને ઇર્ષા થાય.. મિત્રો તો બનાવવા જ છે પણ સામેથી કોઇની સાથે વાત કરતાં મારુ શરમાળપણુ મને બહુ નડે.

અરે હા, એક વાતની ચોખવટ હમણાં જ કરી દઉ… હું કોઇ પણ છોકરી સાથે વાત કરતાં તો એટલો ગભરાતો હતો કે મારા માટે તેમની સાથે દોસ્તી કરવી એ તો ઘણી દુ……ર ની વાત હતી. અત્યારે હું માત્ર છોકરાઓના ગ્રુપની વાત કરી રહ્યો છું. જેમતેમ કરીને અડધા વર્ષે મારા મિત્રોનુ એક ગ્રુપ બન્યું, પણ વાત હજુ જામતી નહોતી. કોલેજમાં આવીએ એટલે ફિલ્મો અને લેખકોની કલ્પના સમાન લવ-સ્ટોરી અને સ્ટાઇલની ધુન ચડે. મન સુંદર છોકરીને નીરખવા પાગલ બને…

હવે, હું પણ આખરે છુ તો એક સામાન્ય કોલેજીયન જ ને તો હું તે બધી કલ્પનાઓથી બાકાત કેમ રહી શકું? વિશ્વાસ તો નહોતો છતાંય એમ હતું કે કોઇ તો મળશે જ અને મારી પણ એક સુંદર કહાની હશે. તે સમયે મારો શરમાળ સ્વભાવ થોડો ઓછો થયો હતો એવું હુ માનુ છું. પરંતુ થોડા મહિનાઓમાં જ મારી આશાઓના મહેલ ભુકંપમાં ઇમારત પડે તેમ પડી ભાંગ્યા કેમ કે કોલેજના ઘણાં લાંબા સમય પછી પણ અમારા ગ્રુપમાં કે મારા સંપર્કમાં કોઇ એવી સીંગલ છોકરી નહોતી આવી..

ધીમે-ધીમે વર્ષ પુરુ થવા આવ્યું હતું, પ્રથમ વર્ષની છેલ્લી પરિક્ષાઓ આવી ગઇ હતી.. મારા નશીબમાં મારા મિત્રોથી સાવ અલગ જ એવી કોલેજમાં મારો નંબર આવ્યો હતો. એક તો આખુ વર્ષ કોલેજના પ્રથમ વર્ષના નશામાં જ પસાર કર્યુ હતુ એટલે છેલ્લે એમ હતુ કે કોઇ મિત્ર આજુબાજુમાં આવી જ જશે અને જેમ-તેમ કરીને પણ ‘પાસ’ થઇ જઇશું.. પણ, મારી કમનસીબી કે છેલ્લા સમયે કોઇ સાથે આવી શકે તેમ નહોતું.

હવે… નવી પોસ્ટમાં આગળ જણાવીશ…