– આજે ન જાણે કોણ ચઢ્યું’તું મારા બગીચાના ઉંબરે.. જેણે મારા બગીચામાં શાયદ એકાદ વેલાને છોડીને બીજા દરેક વૃક્ષો અને છોડવાઓનો પુરેપુરો અભ્યાસ કર્યો છે!! (જયારે જયારે આવા આકસ્મિક મુલાકાતીઓ આવે ત્યારે કાં’તો કોઇ ઉંડી શંકા ઉભી થાય છે અથવા તો કોઇ મજાનો દોસ્ત મળી જાય છે!)
– આજકાલ ઇમેલ-ફેસબુક મેસેજથી કેટલાક લોકો સાથે અંગત વાતચીત પણ થતી રહે છે, જે લોકોને મારી વાતો ગમે છે અને તે સૌ સજ્જનો નો જાહેર આભાર પણ માનુ છું. (જો કે મારી મોટાભાગની વાતો નિજાનંદ હેતુ જ હોય છે તો પણ કોઇ તેને ગમાડે એટલે અનેરો આનંદ થાય.)
– અત્યાર સુધી અજાણ્યા લોકો માટે હું લગબંધ બંધ રહ્યો છું પરંતુ હવે ખુલ્લા બનવાનો પ્રયત્ન છે. બ્લોગમિત્રોમાંથી આજસુધી માત્ર એક વ્યક્તિને રૂબરુ મળ્યો છું. હા, એક અન્ય મિત્રને પણ મળ્યો છું, પણ તેઓ હવે થોડા અંગત લોકોમાં ગણાય છે. (આ એ મિત્ર છે, જે ચાહે તો મારી વિરુધ્ધ કંઇ પણ કરી શકે છે પણ તે કંઇ નહી કરે તેનો વિશ્વાસ પણ એટલો જ છે.)
– વિશ્વાસ ઘણી મોટી ચીજ હોય છે અને એ જ વિશ્વાસથી અંતર્મુખી સ્વભાવ છતાં હવે ધીરેધીરે અજાણ્યા લોકો તરફ પણ હું વિશ્વાસ ધરાવતો બન્યો છું. કોઇએ કયારેક કહ્યુ’તુ કે સામાન્ય રીતે લોકો એટલા ખરાબ નથી હોતા કે તેમની સાથે થોડી દોસ્તી પણ ન કરી શકાય. (કોઇકે કયારેક વિશ્વાસઘાત કર્યો હોય એ તો હવે નાની સી વાત લાગે છે જેને સહેલાઇથી માફ પણ કરી શકુ છું.)
– જેમને મે ભુતકાળમાં મારો સંપર્ક કે વધુ ઓળખાણ ન આપવાની બાબતે નારાજ કરેલા છે તે લોકોની આજે માફી માંગુ છું. શરૂઆતના સમયે નક્કી કર્યું હતુ કે કોઇને અંગત જીવનમાં નહી પ્રવેશવા દઉ પણ હવે તે નિયમમાં હળવો સુધારો કરવાનો વિચાર છે. (આ વિચાર હજુ વિચારણા હેઠળ છે.)
– કેટલાક ઉત્સાહી લોકોના મતે હું કોઇ લેખક બનવાના, કવિ બનવાના, બ્લોગર બનવાના વગેરે વગેરે ગુણ ધરાવુ છું. કોઇ ખોટુ ન લગાડતા..પ્લીઝ પણ..અત્યારે તો હું એક સારો માણસ બની રહેવા ઇચ્છું છું. (અને તે એક ગુણ થોડો પણ મેળવી લઉ તોયે ઘણું છે.)
– જીવનમાં ચિંતા કે સમસ્યાને કયારેય જાત પર હાવી થવા દીધી નથી કેમકે બને ત્યાં સુધી દરેક બાબતે સલામતી પહેલા ચકાસી લઉ છું. કોઇ આપણને મળીને ખુશ થાય એ જ આપણાં જીવનની મોટી મુડી છે. (જીંદાદિલ માણસ હોવું અને કાયમી તેવા બની રહેવું મુશ્કેલ હોય છે તો પણ પ્રયત્ન તો એ જ રહેશે.)
– એક બાબતે આજે જાત પર ગર્વ છે કે જેને મારો દુશ્મન કહી શકું એવો કોઇ માણસ મારા જીવનમાં નથી, બસ ચારે તરફ માત્ર દોસ્તો અને કુટુંબીઓ છે. (સાંભળ્યુ’તું કે, ‘જીવનમાં આગળ વધવા માટે દુશ્મનો હોવા જરૂરી છે’ – પણ તેમાં હું અપવાદરૂપ છું !! છતાં આગળ વધી રહ્યો છું..)
– આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. (કોઇ અણધાર્યા વિધ્નો હવે મને વિચલિત નથી કરી શકતા જેને હું મારી આંતરિક સફળતા ગણી શકું.)
– કોઇ સાથે નથી.. તો હું ખુશ છું અને કોઇ સાથે હોય.. તો ઘણો ખુશ છું, હવે કોઇએ સાથ નિભાવવો કે નહી તે સામેવાળાની સમસ્યા હોય છે. આશા એ છે કે જીવનમાં અત્યારે છે એટલા લોકો તો મારો સાથ નહી જ છોડે અને જો કોઇ છોડી દેશે તો તેનો ડર પણ નથી લાગતો… (આ કોઇ સાધુ બનવાના ગુણ નથી, હું એક સંપુર્ણ સંસારી માણસ છું અને એ જ રહીશ.)
– કેમ જાણે આજે ફિલસુફીભરી વાતો લખવાનો મુડ થઇ આવ્યો હતો એટલે થયું કે આજે પોતાની જાત વિશે કંઇક અધ્યઅન કરી, તેની નોંધ કરી લઉ. (કદાચ અત્યારે એક એવું પુસ્તક વાંચી રહ્યો છું એટલે આવી લાગણીઓ જન્મી હોઇ શકે.)
– ઇશ્વર સૌને સલામત રાખે. ખુશ રહો..
– ॥ અસ્તુ ॥
. . .