. . .
– આજે ફરી નવી વાત મુકયાને ઘણો સમય થઇ ગયો. શ્રી જગજીતસંહ’જી અને શ્રી સ્ટીવ જોબ્સ ની વિદાય પછી મન થોડુ સુનુ થઇ ગયું હતું. એટલે મનને મનાવવા થોડા દિવસ તેને ધંધામાં વધુ પરોવ્યું હતું.
– નવરાત્રી પુરી થઇ અને દિવાળી ઉંબરે આવીને ઉભી છે. તહેવારો પણ કેવા ઝટ ઉકેલાઇ જાય છે !!!
– નવરાત્રી તો દિલ ભરીને માણી પણ દિવાળી વિશે આવું કહી શકાય તેમ નથી. કામ ઘણું-બધુ છે એટલે આ વખતે દિવાળીની રજાઓ માણવાનું કેન્સલ કરવું પડે તેમ છે.
– જયારે નાના હતા ત્યારે એક દિવાળીથી બીજી દિવાળી સુધીનો સમય ઘણો લાંબો લાગતો. દિવાળી-વેકેશન કયારે આવશે તેની ગણતરી બે મહીના પહેલાથી થવા લાગતી. પણ હવે જીવનમાં કેટલી દિવાળી ઉમેરાઇ તે ગણવાનો સમય પણ નથી મળતો.
– દિવાળીની સિઝન આમ તો જામેલી છે પણ બજારમાં અત્યારે કયાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે. (જો કે કેટલાકને તો બારેમાસ મંદીનો પીરીયડ જ જણાતો હોય છે.)
– વર્ડપ્રેસ દ્વારા ગુજરાતી બ્લોગર માટે gu.wordpress.com નામનું અલગ સ્પેશીયલ નેટવર્ક પણ આપવામાં આવે છે તેની મને બે દિવસ પહેલા જ ખબર પડી. (આ પહેલા મારો બગીચો શાન થી અંગ્રેજી બ્લોગના નેટવર્કમાં સામેલ હતો !!!)
– મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મારા બગીચામાં અન્ય લોકોની જાહેરાત પણ દેખાય છે. તો તેમને સવિનય જણાવવાનું કે શ્રી વર્ડપ્રેસ માલિક દ્વારા આપવામાં આવતી આ ફ્રી જગ્યાનું ભાડું વસુલવાની તે એક ખાસ પધ્ધતિ છે. તે જાહેરાતો સાથે બગીચાના માળીને કાંઇ લાગતુ વળગતુ નથી તેની (ઘણી મોટી) નોંધ લેવી.
(તમે શું કહો છો દોસ્તો ? – આ વર્ડપ્રેસ-વાળા લોકોએ તે બધી જાહેરાત માંથી મળતી આવકનો કમ-સે-કમ ૧-૨ ટકા હિસ્સો તો મને આપવો જોઇએ ને… 😉 પણ તેમને કોણ સમજાવે !!! જવા દો…)
– બ્લોગરની પણ અલગ દુનિયા હોય છે અને તે દુનિયાની અલગ રીતરસમો પણ હોય છે એવું બધુ આજકાલમાં જાણવા મળ્યું છે. (આપણે તો આપણાં મનની જ કરવાના, જો કે બને ત્યાં સુધી કોઇનેય નડવું નથી.)
. . .