Sep’21 – અપડેટ્સ

એક જમાનામાં અહીયાં નિયમિત લખાતું રહેતું હોવાનું યાદ તો આવે છે પણ તે જમાનો ક્યારે બદલાઈ ગયો તે યાદ નથી આવતું. છેલ્લે અટક્યા ત્યાંથી શરૂઆત કરવી હવે અઘરી છે એટલે નવી અપડેટ્સ તરીકે આજનો દિવસ શુભ ગણીને કંઈક ઉમેરું.

એમ તો શુભ-અશુભ જેવી વાતો મારા મોઢે ન શોભે એવું મને જ લાગી રહ્યું છે! ખૈર, શબ્દો તો હું કોઇપણ ઉપયોગમાં લઈ શકું છું. તે માટે કોઇની પરવાનગીની જરૂર ન હોય. ભાષા એમપણ બધાની સહિયારી છે અને શબ્દો પર કોઈ એકનો હક નથી હોતો. (ઔર ની તો ક્યા)

કોરોના-કાળમાંથી બહાર નિકળીને થોડીક કળ વળી છે; ત્રીજી લહેરની લટકતી તલવાર પણ હજુ માથા ઉપર મંડરાઇ રહી છે. (કોણ જાણે હવે ક્યારે ડર વગર જીવીશું.)

ઓગસ્ટ-સપ્ટેમ્બર આસપાસ કોરોના ફરી દેખાશે તેવું જાણકાર કહેતા હતા પણ મને હજુ એવી સ્થિતિ બનશે એવું જણાતું નથી. આવનારા બે મહિનામાં અસર આવશે તેવું ડોક્ટર મિત્રોનું કહેવું છે. (ન થાય એવી આશા રાખીએ. બધા સાચવજો.)

સરકારી વેક્સીનેશન પ્રક્રિયા એકંદરે ઘણી સારી રહી. જો રસીથી ફરક પડતો હશે તો આશા રાખી શકીએ કે જે દિવસો કોરોનાની બીજી લહેરમાં દેખ્યા હતા તે ફરી દેખવા ન પડે. પહેલો ડોઝ ઘણો વહેલો લીધો હતો એટલે 84 દિવસો મુજબ બીજો ડોઝ પણ એક મહિના પહેલાં લાગી ગયો છે. (બીજી વખતે તો કંઈ ન થયું. મને કોરોનાની રસી આપવાને બદલે પાણી ભરેલું ઇન્જેક્શન નહીં આપ્યું હોય ને? 😉)

કેરળ-મહારાષ્ટ્ર સિવાય બીજે કોઈ ખાસ કેસ નથી રહ્યા. ગુજરાતમાં એકંદરે ઘણી સારી સ્થિતિ છે. લોકો હવે માસ્કને ભૂલી રહ્યા છે. રોડ-રસ્તાઓ સિવાય બીજે ક્યાંય કોરોના દેખાતો નથી એમ લાગે છે! જો કે રસ્તા ઉપર કોરોના કરતાં પોલીસનો ડર વધારે છે; કદાચ એટલે જ લોકો માસ્ક પહેરે છે. (ઓહ, આ તો બધાને ખબર છે.)

શાળાઓ લગભગ ખુલવા લાગી છે. વ્રજની સ્કુલમાં ક્લાસ 6 થી આગળના ધોરણ માટે સ્કૂલમાં વર્ગ શરુ થઈ ગયા છે. વ્રજનો વારો હજુ નથી આવ્યો પણ આવશે તો શું કરવું એ વિશે હજુ અસમંજસ માં છીએ. સ્કુલે મોકલી પણ શકાય અને ન મોકલવા માટે પણ કારણો છે. (જે પણ હોય… આ ઓનલાઇન ભણવાની વ્યવસ્થા કાયમી ન ચાલે. બાળકના વિકાસ માટે ભણતર ઉપરાંત સ્કૂલનું એ વાતાવરણ હોવું ઘણું જરૂરી છે.)

નાયરા માટે સ્કૂલનું શું કરવું તે સમજાતું નથી. કોઈ સમયે પ્લે-ગ્રુપમાં એડમિશન થયું હતું પણ તે કોરોના પહેલાની વાત હતી. તેને પણ બે વર્ષ થવા આવશે. આટલાં નાનકડા ટાબરિયાને ઓનલાઇન ભણવા બેસાડવા મને યોગ્ય નથી લાગતું. હા, જેમ અત્યારે મમ્મીઓ બાજુમાં બેસીને ભણે છે એમ ભણતી રહેશે તો વિદ્યાર્થીને કશું આવડે કે ન આવડે પણ જેમતેમ વર્ષ નીકળી જશે.

ગુજરાતે અચાનક મુખ્યમંત્રી બદલ્યા. કારણ વિશે હું તદ્દન અજાણ છું. રાજકારણથી દૂર રહેવાના નિયમનું પાલન સારી રીતે કરવામાં આવી રહ્યું છે. (રૂપાણીજી એમપણ ઢીલા પડતા હતા એવું અમે ઘણાં વર્ષો પહેલાં કહી ચૂક્યા છીએ. #બડાઈ)

રાજકારણથી દૂર રહેવાના નિયમની આડકતરી અસર રૂપે દરેક સોશિયલ મીડિયાની દૂર છું. ત્યાં લોકો મોટાભાગે એવી જ ચર્ચાઓમાં વ્યસ્ત હોય છે. મારી ગેરહાજરીથી કોઈ એમ માની શકે છે કે હું પણ કોરોનાની ઝપેટમાં આવીને ઉકલી ગયો હોઈશ. પણ ના, હમ અભી જિંદા હૈ! 😎

કોરોના પછી મંદીનું નામ લઈને રડતા લોકોથી તદ્દન વિરુદ્ધ મારો બિઝનેસ સારો રહ્યો છે. કોરોનાની પહેલી લહેર સખત ભારે લાગી હતી, પણ પછી ધંધા ફુલ-ફોર્મમાં ખુલ્યાં હતા. મારે તો બીજી લહેર પછી પણ લીલાલહેર છે. હા, પેમેન્ટ્સ જલ્દી ક્લીઅર નથી થતા એ એક અલગ મુસીબત છે. (‘લીલાલહેર’ કામકાજ સંદર્ભમાં છે; બીજી લહેરમાં કેટલાયે લોકોએ પોતાના અંગતને ગુમાવ્યા છે; તો તેને હવે આખી જિંદગી ભૂલી શકાય એમ નથી.)

દરેક કાચી વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા જાય છે, જેની અસર ભવિષ્યમાં દરેક ધંધામાં વર્તાશે એવું લાગે છે. ચીનથી થતી આયાતમાં જે કાપ આડકતરી રીતે મુકયો છે તે સરવાળે આપણાં સ્થાનિક માર્કેટમાં ઉલ્ટો અસર કરી રહ્યો છે. (સ્વદેશીને સંપૂર્ણ ટેકો છે પણ કેટલાક અનિષ્ટ એવા હોય જેને નિવારી ન શકાય.)

આજે કામકાજ અને કોરોના આસપાસની વાતો ઘણી થઈ. મારી વાતોની અપડેટ્સ માટે કાલે નવું પાનું ઉમેરવાનું ઠીક રહેશે.


આમ તો અહીયાં આ બધું મારા માટે જ લખું છું, પણ કોઈ ભટકતું અહીયાં આવી જાય તો માત્ર જાણકારી હેતુ પૂછવું છે કે કોઈને લેડી-બિઝનેસ પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ ખરો?

મારો ગુજરાતી પ્રેમ અને કોલેજ જીવન

મિત્રો ગુજરાતી એટલે મારી માતૃભાષા તો ખરી જ.. પણ સાથે-સાથે પિતૃભાષા, ભાતૃભાષા, મારી કુટુંબભાષા અને મારી જીવનભાષા પણ છે.

હું હસુ છું ગુજરાતીમાં, રડું છું ગુજરાતીમાં. મારો પ્રેમ વ્યક્ત થાય છે ગુજરાતીમાં.. તો મારો ગુસ્સો પણ ગુજરાતીમાં જ હોય છે! આમ જોઇએ તો ગુજરાતી મારી જન્મભાષા છે અને મૃત્યું પર્યંત તે જ મારી જીવન-ભાષા રહેશે..

મારા ગુજરાતી પ્રેમની શરુઆત કંઇક આ રીતે કહી શકાય..

કોલેજમાં તો કોઇ એવું મળ્યું નહી, એટલે પ્રેમ-બ્રેમના લફડા સાથે આપણને નહી જામે એમ વિચારીને કંઇક અલગ કરવા વિચાર્યું. તે સમયે મને રોજ બસમાં જવાનુ હોવાથી કોલેજના સમય કરતાં અમે થોડા વહેલા પહોંચી જતા, એટલે માત્ર સમય પસાર કરવા કોલેજની લાઇબ્રેરીમાં પહોંચી જતા.

જો કે લાઇબ્રેરી જવાનો હેતુ ભણવાનો તો નહોતો. ત્યાં અલગ-અલગ ઘણાં ન્યુઝ પેપર, સામયિકો, પુસ્તકો વગેરે વાંચીને ટાઇમ-પાસ થઇ જતો. ચિત્રલેખા વાંચવા માટે તો અમારા દોસ્તોમાં રીતસરની પડાપડી થતી.

બસ, આ ટાઇમ-પાસ જ મારો ગુજરાતી પ્રેમ બની ગયો હતો તેની ખબર મને છેક કોલેજ પુરી કરી ત્યારે ખબર પડી. મારી શરુઆત કહુ તો આપણાં સમાચારપત્રોથી કહી શકાય અને તેમાં પણ ખાસ તો બુધવાર – રવિવારની પુર્તિઓ. આહાહા.. (ત્યારે ઇંટરનેટ એટલું વ્યાપક નહોતું.)

સંદેશમાં યુવાનીની સમસ્યા તો ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કરમાં નેટવર્ક, તંત્રી લેખ, સીધુ ને સટ, રણમાં ખીલ્યું ગુલાબ, ડોકટરની ડાયરી, નવલિકા અને બીજુ ઘણું બધું… ઘરે તો દિવ્ય ભાસ્કર વાંચવા મળે પણ રજાના દિવસે પપ્પાની ઓફિસ જઇને બીજા ન્યુઝ પેપરની પુર્તિઓ ઘરે લઇ આવવાની પછી આખુ અઠવાડીયું નિરાંત.

મને વાંચવાના શોખની સાથે ફિલ્મો, હિરો-હિરોઇનો, સ્પોર્ટસ, દેશ-દુનીયા, વિજ્ઞાન, સેકસ જેવા વિષયોમાં પણ વધુ રસ લાગ્યો. અહી એક વાત નિખાલસતાથી જણાવીશ કે સેક્સ અને સ્ત્રીઓ તથા લવ-સ્ટોરીનો વિષય તે સમયે મને ઘણો ગમતો, કદાચ તેમાં તે સમયની ઉંમર અને શારિરિક હોર્મોન્સમાં થતો ફેરફાર કારણભુત હોઇ શકે.(આમ કહી ને હું મારો વાંક નથી એમ સાબિત કરવા માંગુ છું.)

ગુજરાતી

હું કોલેજમાં ગુજરાતી મીડીયમમાં હતો, અમારી કોલેજમાં અને કદાચ આખા ગુજરાતમાં હજી અંગ્રેજી મીડીયમનો વધારે પડતો આગ્રહ છે. ગુજરાતી મિત્રો પણ માત્ર પોતાનો ઉંચો દરજ્જો બતાવવા અંગ્રેજીમાં એડમીશન લેતાં હોય છે.

મને તે સમયે અને ખાસ મારા થોડા-ઘણાં વાંચનના અનુભવ અને સમજણ પછી ગુજરાતમાં ગુજરાતીઓ દ્વારા થતી ગુજરાતી ભાષાની ઉપેક્ષાથી ઘણું દુઃખ થતું. આપણી માતૃભાષા અને તેની આપણ ને જ કદર નહી !!! પણ, બીજુ શું થાય…?

બધાને સમજાવવાની શક્તિ મારી અંદર નહોતી. મેં બીજાની પરવાહ કર્યા વગર મારા પ્રેમને આગળ વધારવાનુ નક્કી કર્યું. આમ આખરે.. ગુજરાતીનો મારો પ્રેમ નિબંધ માંથી કવિતા સ્વરુપમાં પરિણમ્યો. આજે બે-ચાર સુંદર લીટીઓ લખી શકાય છે અને મિત્રોને તે ગમે ત્યારે તો મારુ મન નાચી ઉઠે છે.

જેમ-જેમ વધુ ઉંડો ઉતરતો ગયો તેમ-તેમ મને વધુ મજા આવવા લાગી. બ્લોગ જગતના ઘણાં ગુજરાતી બ્લોગ વાંચીને આનંદ આવે છે.

ભાષા પ્રત્યે મને કેટલાક લેખકોના અને બ્લોગ જગતના મિત્રોના ઇંટરનેટ પર લેખ વાંચીને લાગે છે કે ગુજરાતી ભાષાની આટલી સુંદર સેવા બીજુ કોઇ કરી ન શકે. ગુજરાતી ભાષા સાથે હું ધર્મ-ભાવનાથી જોડાયેલો છું તેથી હું પણ મારાથી બનતા પ્રયાસો જરુર કરીશ.

તે જ હેતુથી મારા આ બ્લોગને મે સંપુર્ણ રીતે ગુજરાતીમય બનાવ્યો છે. મારી માતૃભાષાના વિકાસમાં તથા તેના સન્માનમાં હું જેટલુ કરું તે ઓછું કહેવાશે.

હું ગર્વિષ્ઠ ગુજરાતી અને ગુજરાત મારો દેશ છે, અખંડ ભારતનો હું નાગરિક અને સનાતન મારો ધર્મ છે..

આવજો મિત્રો.. ફરી મળીશું..

બસ એ જ.. આપનો આભારી..

હું.. બગીચાનો માળી.