– ગઇ વખતે જયાં અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ.
– આમ તો આપણે કમુરતામાં માનવાવાળા ગુજરાતીઓ! પણ અમે જરાં વિચિત્ર ગુજરાતી અને વળી સ્પેશીયલ-સર્ટીફાઇડ હિન્દુ છીએ એટલે અમને કમુરતા કે શુભ-અશુભ નડતા નથી. (ચોખવટ: સર્ટીફિકેટ જોવા માટે RTI હેઠળ અરજી કરી શકાશે નહી.)
– લગભગ દિવાળીથી નવી ગાડી ખરીદવા વિશે વિચારતા હતા તે આખરે ના-ના કરતાં પણ લઇ જ લીધી. (જો કે ‘ગાડી હમણાં લેવી કે પછી’ તે જ વિચારતા હતા પણ કઇ લેવી તે અંગે વિચાર્યું નહોતું.)
– અને જયારે નક્કી કરવાનું આવ્યું ત્યારે નિર્ણય બે કલાકમાં લેવાઇ ગયો. સવારે કંપની અને મોડલ નક્કી કરીને બપોરે તે ગાડી જોવા ગયા અને ત્યાં જ નિર્ણય લઇ લીધો. (મારી સાથે આવું ઘણીવાર બન્યું છે કે કોઇવાર નિર્ણય લેવામાં દિવસો વિતી જાય, તો કયારેક તરત નિર્ણય લેવાઇ જાય.)
– આગળ કોઇએ(કદાચ નિરવભાઇએ) ફોટો મુકવાનું કહ્યું’તુ અને મેં પણ સંમતિ દર્શાવી’તી એટલે અહી ફોટો મુકુ છું. (નોંધ: અહી કોઇ કંપની/ગાડીની જાહેરાત કરવાનો મારો કોઇ આશય નથી પણ છતાંયે જો જે-તે કંપની મને તે માટે બે-પૈસા ચુકવવા ઇચ્છે તો તે હું તેમને નિરાશ નહી કરું.)
– જોઇ લીધા હોય તો હવે ફોટોવિધિ પુરી કરીએ અને આગળ વધીએ. આમ તો આ નાનકડી-સી-ગાડી છે પણ શહેરની ટ્રાફિકમાં રેગ્યુલર ચલાવવાના અને પાર્કિંગમાં સરળતાના માપદંડને ધ્યાનમાં રાખીને પસંદગીનો ફુવારો આ ગાડી ઉપર ઢોળવામાં આવ્યો. (આવી ઠંડીમાં પસંદગીનો કળશ ઢોળીયે તો ઠરી જાય એટલે ફુવારાંથી પતાવ્યું!)
– મૉડલ/મેન્યુફેક્ચરર/Type: Chevrolet BEAT 1.0 LT Diesel
– આવતીકાલે આખો દિવસ ગાંધીનગરમાં વિતાવવાનો છે. ના ભાઇ, કોઇ ચુટણીલક્ષી કાર્યક્રમ નથી. આ તો બિઝનેસ સેમિનાર, સામાજીક ચિંતન-ચર્ચાસભા અને સંગીત-સમાગમ જેવું આયોજન છે. ત્યાં શ્રીમાન જય વસાવડા ઉપરાંત બીજા કેટલાક સારા-સારા વ્યક્તિઓની મુલાકાત થશે. (આયોજકોમાં અમે પણ કોઇ એક ખુણે સામેલ છીએ એટલે બધાને પર્સનલી મળવાનો લ્હાવો મળશે.)
– બે દિવસ પછી પતંગનો તહેવાર આવી રહ્યો છે અને આ વખતે લાગતા-વળગતાં ઘણાંબધાને ધાબા ઉપર ભેગા કરીને ઉજવવાનો વિચાર છે. આમ જોઇએ તો ઉત્તરાયણ માથે આવી ગઇ છે અને દોરી-પતંગ હજુ દુકાનવાળાના ગોડાઉનમાં પડ્યા-પડ્યા મારી રાહ જોઇ રહ્યા છે. (મતલબ કે ખરીદવાના બાકી છે.)
– આ વર્ષે ઠંડી અગાઉનો રેકોર્ડ તોડી નાખશે એવું લાગે છે. બીમારીનો કાયમી શિકાર એવો હું આ વર્ષે સંપુર્ણ સ્વસ્થ છું પણ વ્રજને થોડી શરદી-ખાંસી થઇ છે. ઉત્તરાયણ પછી વ્રજના ટકાટક ફોટોવાળી એક પોસ્ટ આવવાની સંભાવના પણ છે.
– આખી પોસ્ટમાં હજુ સુધી કોઇ રાજકીય વાતો નથી આવી એટલે હવે ઉમેરીને આ પોસ્ટને જનરલ અપડેટ બનાવવા કરતા પર્સનલ અપડેટ્સ પુરતી સિમિત રાખવી ઠીક રહેશે. (ચલો, એ બહાને જે બે-ચાર લોકો મારી વાતો વાંચે છે તેમને આ વખતે બોરીંગ રાજકીય વાતો વાંચવાથી છુટકારો મળશે.)
– તો મળીયે ઉતરાયણ પછી… આવજો.