~ મારા તરફથી મને અને મારા બગીચાને વિતી ગયેલી દિવાળીની શુભેચ્છાઓ તથા નુત્તન વર્ષાભિનંદન! (નિર્જીવ વસ્તુ/જગ્યા સાથે આવો કોઇ શુભેચ્છા સંબંધ હું રાખું તો મને કોઇ પાગલ ગણી શકે છે. હા પણ.. અહીયાં ક્યાં કોઇ આવે છે તે મારે એટલું વિચારવું પડે!😆)
~ રજાઓમાં કચ્છની ટ્રીપ યાદગાર રહી. પરત આવીને બીજા દિવસે સાસરીયાના ગામની વાટ પકડીને ત્યાં જ વેકેશન પુરું કરવામાં આવ્યું. વ્રજ-નાયરા અને તેની મમ્મી ત્યાં રોકાઇ ગયાં છે, હું એકલો રીટર્ન આવીને ગઇકાલથી ધંધે લાગ્યો છું. (આ લગભગ દરેક વર્ષનો દિવાળી-નિત્યક્રમ છે; છોકરાંઓ નાનીના ઘરે રોકાશે, મેડમજી તેમની સાથે રહેશે અને અમે બધા પાછળ ધંધે લાગેલા રહીશું.)
~ પરત ફરતી વખતે હાઇ-વે પર જાણ્યું કે કેટલી ગાડીઓ અમદાવાદ બહાર વેકેશન કરવા ગઇ હતી! (અને આ દરેક ગાડીમાં કેટલાં વ્યક્તિઓ શહેર બહાર ગયા હશે તે વિશે અમે અંદાજ લગાવવાનો અસફળ પ્રયાસ પણ કર્યો.)
~ દર વર્ષનો અનુભવ છે કે જ્યારે આવો રજાનો માહોલ હોય અને રસ્તા પર ભારે ટ્રાન્સપોર્ટ/ટ્રક/ટ્રાવેલ્સ ઓછા હોય ત્યારે હાઇવે જાણે રેસીંગ ટ્રેક હોય તેમ પ્રાઇવેટ કાર દોડતી હોય છે. (લખનાર પોતે પણ હાઇવે પર સ્પીડના ચાહક હોવાથી આ વિશે કોઇ વિશેષ ટીપ્પણી નહી કરે. 🤐)
~ આ તો વચ્ચે દિવાળી આવી ગઇ એટલે થયું કે એક સીજનલ પોસ્ટ થઇ જાય. એમ તો ધ્યાનમાં જ છે કે શહેર-મુલાકાત અપડેટ્સની ચેઇનમાં હજુ એક પોસ્ટ બાકી છે જે ડ્રાફ્ટમાં હજુ બે દિવસ કાઢે એમ છે. (કારણમાં તો આળસ, આળસ અને માત્ર આળસ જ છે સાહેબ.)
~ આગળની પોસ્ટ ચેક કરતાં જાણ્યું કે તેમાં મૈસૂરની જગ્યાએ મસૂરી થઇ ગયું હતું. આખું શહેર બદલાઇ ગયું બોલો! હવે તો સુધારી લીધું છે. કદાચ મુળ મુળાક્ષરો સરખા હોવાથી લીમીટેડ કેપેસીટી ધરાવતા મારા મગજમાં જે તે સમયે કોઇ કેમીકલ લોચાના કારણે કન્ફ્યુઝન થયું હોઇ શકે છે. (હા તો એમ કંઇ બધે અમારી ભુલ ન હોય. #સેલ્ફ_રીસ્પેક્ટ)
મથાળું છબીઃ “સુર્યોદય” (નખત્રાણા, કચ્છ)
છબીકારઃ બગીચાનો માળી