ક્રમશઃ

દરિયામાં ઉછળતા મોજા

– છેલ્લી વાત ઉમેરતી વખતે વિચાર્યું’તું કે તે જ દિવસે રાત્રે અહીયાં કંઇક તો લખીશ. ખૈર, ત્યારે તો તે શક્ય ન બન્યું પણ આજે ચોઘડીયા સરસ છે. (જો બકા, આપણું મન માળવે હોય ને એ બધા ચોઘડીયા ઉત્તમ જ કહેવાય.)

  • સાઇડટ્રેકઃ ચોઘડીયા કઇ રીતે જોવાય એવું ઘણાં સમય પહેલા (લગભગ ૧૬-૧૭ની ઉંમરે) એક જોષી પાસેથી શીખ્યો’તો, હવે ઉપયોગના અભાવે અને આદતવશ તે જ્ઞાન ક્ષીણ બની ગયું છે. જો કે તેનો કોઇ અફસોસ નથી. (મને હજુયે યાદ છે કે આ જ્ઞાનના કારણે તે સમયમાં હું એટલો અંધશ્રધ્ધાળું બની ગયો’તો કે ઉઠવા-સુવાના, રમવા-ભણવા અને ખાવા-પીવાના સમય પણ ચોઘડીયાથી નક્કી કરતો.)
  • જ્ઞાનની એક સરળ વ્યાખ્યા એવી છે કે તે અજ્ઞાનના અંધકારને દુર કરે છે! પણ થોડા અંગત અનુભવોના આધારે મારું માનવું છે કે કોઇ-કોઇ જ્ઞાન અંધકાર દુર કરવાને બદલે વધુ અંધકારમાં ખેંચી જાય છે. (એમ તો જ્ઞાન કોને કહીશું અને અજ્ઞાન કોને કહેવાય તે એક મોટી ચર્ચાનો વિષય છે, પણ આપણે અત્યારે તેની ચર્ચામાં ન પડીયે.)

– આ સાઇડટ્રેક લાંબો ચાલ્યો ને?… ક્યાં હતો હું?…. હા, કંઇક લખવાની વાત થતી હતી ને…  પણ લખતા પહેલા હજુ એક વાંચનની વાત ઉમેરી લઉ… મારો બગીચો લગભગ છેલ્લા એક વર્ષથી ઘણી અવ્યવસ્થિત અવસ્થામાં છે. મુળ ઉદ્દેશ જે હતો તેમાં માત્ર રોજબરોજની અપડેટ્સ સિવાય કંઇ ખાસ ઉમેરી શકાતુ નથી. (અને એ અપડેટ્સમાં પણ પુરતો સમય આપી શકાયો નથી.)

– અઘરા વિષયો અને મોટી-મોટી વાતોની વચ્ચે હું મારી સરળતા ખોઇ રહ્યો છું.  વિચિત્રતાઓ તો અંદર ઘણી છે છતાંયે મારી સરળતા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે. (કોઇ કોઇ જગ્યાએ તો હું મને પોતાને જ અઘરો લાગી રહ્યો છું!)

– જયારે અહી લખવાનું શરૂ કર્યું હતું તે સમય અને આજના સમય વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક મુખ્ય કારણ છે. છતાંયે આજે પણ એક ઇચ્છા એવી જ છે કે શરૂઆતના એ સમયની સ્થિરતા હું જાળવી રાખું. (મને મારી અંદરનો એ વ્યક્તિ ખોવો નથી.)

– સમય પ્રમાણે બદલાવું જોઇએ એ ઠીક છે પણ આજે પહેલા જેવા બનવાની ઇચ્છા થાય છે. દરેક ને જેમ મોટા થયા પછી જેમ બાળપણ પાછું મેળવવાની ઇચ્છા જાગે એવી આ વાત છે. ના ભઇ, મને એમ બાળક નથી બનવું પણ બે-ત્રણ વર્ષ પહેલા જેવો હતો એવા જ બનવું છે એટલે એ અશક્ય છે એવું તો ન કહેવાય. (ટ્રાઇ કરને મે ક્યા જાતા હૈ..)

– ગમે તેટલું મેળવી લો તોયે કોઇ અવસ્થા પછી જુનું જીવન ફરી પાછું મેળવવાની ઇચ્છા કેમ થતી હશે? -અઘરો સવાલ છે ને.. (મને તો સ્કુલની પરિક્ષાઓમાં પણ બધા સવાલ કાયમ અઘરા જ લાગ્યા છે.)

કંઇક..

– માર્ચ મહિનો આખો જાણે માર્ચિંગમાં ગયો અને હવે એપ્રિલમાં હું અહી આવ્યો છું. ગયા મહિનામાં માત્ર એક ફોટો સિવાય અન્ય કંઇ જ નોંધ ઉમેરવામાં નથી આવી. (અંદર કી બાત: આ વખતે તો કોઇ પ્રાઇવેટ પોસ્ટ પણ નથી ઉમેરાઇ.)

– વ્યસ્તતા હોવી અને સમય ન મળવો એ બંને અલગ-અલગ અવસ્થા છે. આ અવસ્થાઓના નાનકડા ભેદ વચ્ચે ચિંતન કરીએ તો કેટલીકવાર આ અવસ્થા પણ જાણે માનસિક હોય એવું લાગે છે. (મારું મજબુત મન અત્યારે ચકરાવે કેમ છે તે શંસોધન કરવું પડશે.)

– દર વખતે હું કોઇને કોઇ બહાના આપીને મારી જાતને સમજાવી તો લઉ છું પણ હવે આ ધીમી પડતી રફ્તાર એક ચેતવણી સુચક છે. અહી આત્મનિરિક્ષણ કરવું જરૂરી જણાય છે.

– ભુતકાળના કોઇ કાર્યો અધુરા મુકી દિધા નો અફસોસ હંમેશા દરેકના દિલમાં રહેતો હોય છે અને અહી લખતા રહેવું એ મારો શોખ જ નથી, એક જરુરિયાત પણ છે. એટલે આ કાર્ય આમ અધવચ્ચે અટકે તે ચલાવી લેવાય તેમ નથી. (શોખને ટાળી શકાય, જરુરિયાતને તો પુરી કરવી પડે.)

– લાગે છે કે મારા વર્તન-વિચાર-વ્યવહાર પર આસપાસની દુનિયા વધુ પ્રભાવી બની રહી છે. શોખની સામે સ્વાર્થ જીતી રહ્યો છે. લાગણીઓ જાણે ગુંગણામણ અનુભવી રહી છે. કંઇક છે જે બદલાયું છે. જેના સાથે રહેવું’તું તે છુટી રહ્યું છે. સમજવું પડશે. વિચારવું જ પડશે.

– એકબાર જો દિલ કેહ રહા હૈ વો સુનો…. ફરી જલ્દી જ અહી આવીશ એ આશા સાથે..

– આવજો.