નવો નિયમ

હવે દિવસે પણ ટુ-વ્હિલર્સમાં લાઇટ ઑન રહેશે!

~ મને તો આ નિયમ પાછળ જે લોજીક આપવામાં આવે છે તે જરાયે પચતું નથી. (હા ભાઇ, હાજમોલા પણ કામ ન આવી.)

~ ઓકે.. યુરોપમાં આવા નિયમ વર્ષો પહેલાથી બનેલા છે પણ અહી જે કારણ આપવામાં આવે છે તે મને તો ગળે નથી ઉતરતું. જ્યાં વર્ષ દરમ્યાન ધુમ્મસ, વરસાદી કે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય ત્યાં આવા નિયમો સમજાય પણ ભારત જેવો દેશ જે મુખ્યત્વે વિષુવવૃત્ત પર છે તેની માટે સમગ્ર દેશમાં પશ્ચિમના ઠંડા દેશોના નિયમોની સમજ્યા વગર કોપી ન કરવી જોઇએ. (કદાચ કાશ્મીર કે હિમાચલના કોઇ ભાગમાં આ નિયમ અમલમાં મુકી શકાય.)

~ ફોર-વ્હીલર્સના પ્રમાણમાં ટુ-વ્હીલર્સના અકસ્માત વધારે થાય છે કારણકે તેની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. પણ તે બધા અકસ્માત થવાના અનેક કારણોમાંથી અજવાળામાં પણ ન દેખાવું  તેવું કેટલા કિસ્સામાં બનતું હશે? (ચલો વિચારી જુઓ થોડી વાર…)

~ સાંભળ્યું છે કે સુપ્રિમ કોર્ટની દેખરેખમાં કાર્ય કરતી કોઇ સમિતિએ આ સુચન કર્યું હતું અને સરકારે તેને સ્વીકારીને તરત અમલમાં મુકવા નોટીફિકેશન પણ આપી દીધું. આ નિયમ ફોર વ્હીલર્સ માટે પણ આવી શકે છે. અંધેર નગરી અને…..


# સાઇડટ્રેક: કોઇને વિષુવવૃત્ત એટલે શું -એ ન સમજાતું હોય તો કોઇ ગુજરાતી પ્રવાહના વિજ્ઞાનના શિક્ષકને પર્સનલી મળી લેવું. ના, ગુજરાતી વીકીપીડિયામાં તેનું પાનું ઉપલબ્ધ નથી. (શ્રીમાન કાર્તિકભાઇ નોંધ લે.)

# મથાળુંચિત્રઃ શ્રી google.co.in ના સહયોગથી શ્રી thekriegers.in ના ઠેકાણેથી વગર રજાએ મેળવેલ.

Sep’12 : અપડેટ્સ

. . .

– મારા ટેણીયાનું નામ નક્કી થઇ ગયું છે. આમ તો રાશી પ્રમાણે નામ રાખવાનો કોઇ આગ્રહ નહોતો પણ તેની રાશીને અનુરૂપ એક નામ પર સર્વસંમતિ સર્જાતા આખરે મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. નક્કી થયેલ નામ છે – “ વ્રજ (કેવું લાગ્યું ? -જવાબમાં ‘સરસ છે’ એવું કહેવું ફરજીયાત છે.)

– વ્રજ જયારે મારા ખોળામાં રમતા-રમતા સુઇ જાય છે ત્યારે હું સૌથી વધુ નસીબદાર હોઉ એવું લાગે. આજે તેનો જન્મનો દાખલો કઢાવવાનું ફોર્મ મેળવવામાં આવ્યું છે જે એક દિવસ પછી જમા કરાવવાનું છે. (પછી તે પણ આ દેશ અને દુનિયાનો એક કાયદેસર સભ્ય ગણાશે!)

– આજકાલની નવી સમસ્યા : ટેણીયાના કારણે સવાર-સાંજ, ખાવા-પીવા અને સુવા-ઉઠવાના ટાઇમટેબલ ખોરવાઇ જવાથી દિનચર્યા ઘણી અસ્તવ્યસ્ત થઇ ગઇ છે. (હવે એટલો તો ફરક આવે જ. ‘બાપ’ બનવું કંઇ એટલું સરળ પણ નથી, સાચુ ને?)

– હમણાંથી તબિયત પણ થોડી નરમ-ગરમ રહે છે. (સિઝનની અસર હોઇ શકે.)

– આવતા શનિવારે લગભગ બે વર્ષના સમયગાળા બાદ ગુજરાતથી થોડા દુર જવાનો પ્રોગ્રામ બન્યો છે. (આ થોડી અંગત મુલાકાત છે એટલે વધુ માહિતીની નોંધ એક પ્રાઇવેટ પોસ્ટમાં કરવામાં આવશે.)

– ઘણાં લાંબા ટાઇમ પછી આટલી લાંબી ટ્રેન મુસાફરીનો લાભ લેવામાં આવી રહ્યો છે અને ‘એ.સી.’માં વેઇટીંગ લાંબુ હોવાથી ‘સ્લીપર’માં ટીકીટ બુક કરવાની બહાદુરી બતાવી છે. જોઇએ, શું હાલ થાય છે. (એ.સી.કોચમાં ૮૯ વેઇટીંગ હોય અને સ્લીપર કોચમાં ૧૪૮ સીટ ખાલી બતાવે તે ઘટના મને થોડી આશ્ચર્યજનક લાગે છે.) હા, IRCTC ની ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવાનો અનુભવ સારો રહ્યો.

– મારું બેન્ક એકાઉન્ટ જે બ્રાન્ચમાં છે તે SBI બ્રાન્ચ મેનેજરના અતિઆગ્રહને વશ થઇને ચાર દિવસ પહેલા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવામાં આવ્યું છે. આમ તો ક્રેડિટ કાર્ડ ઉપયોગી હોવા છતાં તેને હું એક ‘બલારૂપ’ ગણું છું. જો કે તેનો સમજી-વિચારીને ઉપયોગ કરનારને તે કયારેય ‘બલારૂપ’ લાગ્યું નથી એવું પણ સાંભળ્યું છે! (હવે, ભગવાન મને પણ તેનો સદઉપયોગ કરવાની થોડી સદબુધ્ધિ આપે એટલી વિનંતી..)

– સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ગાડીના કાચ ઉપરની બ્લેક-ફિલ્મ દુર કરવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. કોઇ સમયે ગાડીમાં ‘RTO માન્ય ફિલ્મ’ લગાવવામાં આવી હતી, જે હવે માન્ય ગણાતી નથી બોલો..!! (આ નુકશાનના વળતર અંગે RTO સામે દાવો માંડી શકાય?) મારી ગાડી અત્યાર સુધી તો ટ્રાફિક પોલિસની નજરથી બચેલી છે પણ આ ‘સફેદ કપડાવાળા’ પકડે તે પહેલા કાચ ઉપરની બ્લેક ફિલ્મને જાતે જ કાઢી નાખવી ઠીક રહેશે. (ન ગમે તો પણ કાયદાને માન આપવું એ દરેક નાગરિકની ફરજ છે.)

. . .

પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ બદલ સોરી…

– મારા બગીચાના મુલાકાતીઓ ને મારી છેલ્લી પોસ્ટ “માત્ર અંગત મિત્રો માટે જ” ની વાતો માણવા નહી મળે તે બદલ હું દિલગીર છું. (જો કે તેને થોડા સમય બાદ ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે તેની ખાતરી આપુ છું.)

– થોડાક ગણ્યાં-ગાઠ્યા મિત્રો અને વડીલોને અત્યારે તે જોવાની પરવાનગી આપી છે. છતાંપણ અન્ય કોઇને એમ લાગે કે તેમને પણ અત્યારે જ જાણવાનો હક છે; તેઓ મને મારી ફેસબુક પ્રોફાઇલ પર અથવા ઇમેલ દ્વારા આદેશ મોકલી શકે છે. તેમને ટુંક સમયમાં જ પાસવર્ડ મોકલી દેવામાં આવશે. (હું પણ છુ તો આખરે એક પામર જીવ જ ને…. કયારેક ભુલ પણ થઇ જાય.)

ફેસબુક પ્રોફાઇલ : facebook.com/bagichanand

ઇમેલ : mail@marobagicho.com


અન્ય મુલાકાતીઓને સોરી… દિલથી..

🙏