પવાર, FDI, આંદોલન, લોકપાલ અને મફત સલાહ

. . .

# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…

– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)

– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)

– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)

– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.

– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)

– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.

– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)

. . .

આજની વાત

તાઃ ૧૭-૯-૨૦૧૧

. . .

– આજે મોદી સાહેબનો બર્થ ડે છે એટલે મારા બગીચા માંથી “લોંગ લીવ મોદી” કહી દઉ…. ( ખબર છે કે મારી વાત તેમના સુધી નહી પહોચે અને તે પોતે કોઇ દિવસ અહી જોવા નથી આવવાના… તો પણ.. ) શ્રીમાન નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી આજે લગભગ ૬૦ વર્ષના થયા.

– આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં સત્તાપક્ષ (એટલે મોદીજી) અને વિપક્ષ (એટલે કોંગ્રેસ) બન્ને ઉપવાસની સ્પર્ધામાં ઉતર્યા છે. આજે અણ્ણાજી ના ઉપવાસ વાળા દિવસો યાદ આવી ગયા. આમ તો મને ભાજપ-કોંગ્રેસ કે અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે કાંઇ ખાસ મતલબ નથી, પણ મોદીજી અંગત રીતે મને વ્હાલા ખરા. (આક્ષેપો તો દરેક સામે થતા રહે છે અને બની શકે કે તેમાં થોડીક સચ્ચાઇ પણ હોય.)

– ફેસબુક મિત્રોને (ખાસ સ્ત્રીઓ અને છોકરીઓને) મારા અંગત જીવન અંગે ગેરસમજ ન થાય તે હેતુથી પ્રોફાઇલમાં Relationship Status ઉમેર્યુ છે. (પહેલા તે અંગે કંઇ જ નહોતુ લખ્યું, હવે ત્યાં “Married” નું પાટીયુ લટકે છે !) આમ તો હજુ સુધી તેના કારણે કોઇ સમસ્યા ઉદભવી નથી પણ આ તો પાણી પહેલા પાળ બાંધવી સારી.. (એક-બે વાર ગેરસમજ થઇ તો છે પણ તે બધાને ના કહેવાય…. એ તો સમજનારા… સોરી..  સમજનારી સમજી ગઇ હશે.. 🙂 )

– ઘણાં મિત્રો મારી આ હરકતને બેવકુફી ગણાવશે… હોય એ તો.. જૈસી જીસકી સોચ !!! ( ‘બાઘા’ની સ્ટાઇલમાં.. 😀 )

– આ સોસીયલ નેટવર્કીંગ સાઇટ્સ જેવા ઝડપી માધ્યમની સુવિધાના કારણે લોકો કોઇ પણ ઘટના પ્રત્યે બહુ જલ્દી પ્રત્યાઘાત આપતા થઇ ગયા છે. (ક્યારેક તો આ પ્રત્યાઘાત ઘટનાની એડવાન્સમાં પણ હોય છે !!)

– બુધવારે સલમાન ખાનની (કરીના તો તેમાં નામ માત્ર ગણાય) “બોડીગાર્ડ” જોઇ. મને તો સ્ટોરીમાં કંઇ ખાસ ન લાગ્યું. (તોય બોકસઓફિસ કહે છે કે ફિલ્મ સુપરહિટ છે, ભગવાન જાણે આ લોકોની ગણતરી કેમ ચાલતી હશે !)

– પેટ્રોલના ભાવ ફરી વધ્યા. કયાંય મોટા આંદોલન કે વિરોધ થયાના સમાચાર નથી એટલે સમજીએ કે લોકોએ આ વધેલા ભાવને સ્વીકારી લીધા છે. (એ સિવાય બિચારા લોકો પાસે કોઇ વિકલ્પ પણ નથી ને..)

– આવતી કાલે રજા છે એટલે ફુલ ટાઇમ આરામ કરવાનો અને ટીવી પર ફિલ્મો જોવાનો પ્લાન છે. (મારા ઇંટરનેટ કનેકશનને પણ કાલે આરામ પર જ રાખીશ.)

. . .