~ ગુલ પનાગ યાદ આવી ગઇ ને? (ના આવી? ઓકે. તમે કદાચ તેના ફેન નહી હોવ એટલે..)
~ પણ આજે વાત ગુલની નથી કરવાની; આજે વાત છે તેના એક ફેનની. (ના. શાહરુખભાઇની જેમ ગુલપનાગની ‘ફેન’ નામથી મુવી નથી આવી રહી. #ચોખવટ)
~ ઓકે.. ગુલ પનાગની કોઇ નવી ફિલ્મનું પ્રમોશન અહીયાં નથી કરવાનું; અહી એક ફેનની વાત, એટલે કે, હું મારી પોતાની વાત કરું છું. (જી હાં, હું ગુલ પનાગનો મોટો પંખો છું! બસ, તેને શરદી ન થાય એવી આશા.)
~ હવે આપને થશે કે હું ગુલ પનાગનો કેટલો મોટો ફેન છું તેવી બધી વાતો આજે કરવાનો છું તો કેજરીવાલની કસમ, તમે ખોટું વિચારી રહ્યા છો! (આ કસમ પર વિશેષ ટિપ્પણી પર નહી જઇએ.)
~ સો, મેઇન પોઇન્ટ ઓફ ઓલ ધીસ ટોક ઇઝ… ગઇ ૧૫ મે ના શુભ દિ’એ અમોને આ માયા ભરેલી દુનિયામાં આવ્યાને ત્રીહ-ત્રીહ વરહના વાણા વાઇ ગ્યા! તે દિવસે ટેકનીકલી ટ્વેન્ટીઝ માંથી થર્ટીઝ તરફ અમારું પ્રયાણ થયું. (આ વાક્યમાં ભાષાની ભેળસેળ બદલ વિવેચકો માફ કરે.)
~ આ વર્ષે હું ૩૦ વર્ષનો થયો. જો કે ઉંમરના વર્ષ બદલાયા કરે એમ મન બદલાતું નથી હોતું, પણ આ વખતે એમ લાગે છે કે હું મોટો થઇ ગયો છું! (ઉંમરમાં મોટો હોં, એમ તો હજુયે નાનો માણસ છું.)
~ આંકડાઓની માયાજાળમાં ન પડીએ ત્યાં સુધી સારૂં છે, પણ ક્યારેક કોઇ-કોઇ આંકડાઓ આપણને આકર્ષતા હોય છે. આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ તેના બંધનને તોડી નથી શકતા.
~ જન્મ દિવસની શુભેચ્છા આપતા કોઇએ પુછયું કે, ‘કેટલા પુરા થયા?‘ -તેને જવાબ આપતા અચાનક ગંભીર બની જવાયું. ચોક્કસપણે હજુ એટલી ઉંમર ન કહેવાય પણ હવે કોઇ અમને નાના પણ ન ગણી શકે. આસપાસના લોકો હવે આપણી તરફથી સંયમિત વર્તનની આશા રાખી શકે છે. (નાની ઉંમરમાં જે ભુલ કરવાની આઝાદી હોય તે હવે છીનવાઇ જાય તે સ્વાભાવિક છે.)
~ ઉંમરના આ પડાવ બાદ લાગી રહ્યું છે કે હવે બેફિકર યુવાનમાંથી ગંભીર યુવાન બનવા તરફ મને કોઇ ખેંચી રહ્યું છે. આ ઉંમરના એક સામાન્ય માણસના જીવનમાં બને એમ મારૂં જીવન પણ સ્થિર ગતિથી આગળ વધી રહ્યું છે. લગભગ આ ઉંમરે દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં સેટ થઇ ચુક્યો હોય છે જેની ગણતરી કૌટુંબિક, સામાજીક અને આર્થિક રીતે જવાબદાર વ્યક્તિમાં થઇ શકે.
~ આગામી દસ વર્ષ ગૃહસ્થીમાં વિતશે એવું જણાય છે. બાળકો, વ્યવસાય, પરિવાર, ભવિષ્યની ચિંતાની આસપાસ મારી દુનિયા પુરી થઇ જાય એવી સુખરૂપ અને સરળ જીંદગી જીવવાનું ક્યારેય વિચાર્યું ન’તું. જો કે મારા શાંત સ્વભાવની પાછળ છુપાયેલો મારો બળવાખોર સ્વભાવ મને એક સાવ સરળ જીવનમાં કેદ થવા દે એમ નથી લાગતું અને કદાચ હું તે સરળ રસ્તા પર જવા માટે બન્યો પણ નથી. (મન હવે ચકરાવે ચઢે છે કે હું કયાંક ભટકી તો નથી ગયો ને.. આ વિશે ક્યારેક શાંતિથી વિચારવું પડશે.)
# હવે તો જન્મદિવસ વિતી ચુક્યો છે છતાંયે કોઇ મિત્રો-વડીલો ઇચ્છે તો આજે પણ તેમની શુભેચ્છાઓ સ્વીકારવામાં મને એટલો જ આનંદ થશે. અહી ઘણાં વર્ષોની સફરમાં આપણે સાથે ચાલ્યા છીએ અને હજુ પણ સાથે રહીશું તેનો વિશ્વાસ છે.
Turning 30 સાથે ગુલ પનાગનું કનેક્શન જેઓને ન સમજાયું હોય, તેઓ પ’લીઝ એકવાર ગુગલ-દેવ કે વીકી-ભાઇ ના શરણે જઇ આવે. અસ્તું.