– ભારતના સંવિધાનમાં દેશના નાગરિકના હકની સાથે-સાથે ફરજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (જેને કમનસીબે કોઇ પુછતું-જાણતું નથી અથવા પુછવા-જાણવા ઇચ્છતું નથી.)
– આપણે સૌ દેશવાસીઓ ધીરે-ધીરે પોતાના હક પ્રત્યે ઘણાં જાગૃત બની રહ્યા છીએ; તો હવે દેશ પ્રત્યે એક નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજો પણ જાણી લેવી જોઇએ. (ઘણાંને થશે કે આ દેશ પ્રત્યેની ફરજ એટલે શું?)
– લગભગ ખબર તો બધાને હશે કેમ કે શાળાના દરેક પુસ્તકોમાં આ છાપવામાં તો જરૂર આવતું, પણ તેને જોવાની કે સમજવાની દરકાર વિદ્યાર્થી તરીકે આપણે કયારેય કરી નથી અને તેને જણાવવાની કે સમજાવવાની તસ્દી શિક્ષક તરીકે અધ્યાપકોએ લીધી નથી. (આપણે ત્યાં પરિક્ષામાં પુછાતું ન હોય તેવા જ્ઞાનને કોઇ ન પુછે એવો રિવાજ છે ને!!)
ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે:
(ભારતનું સંવિધાન: કલમ 51-क અનુસાર)
क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવાની;
ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
ग. ભારતનાં સાર્વભૌમત્વ, એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
ङ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;
च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;
छ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની;
ज. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
Header Image: copied from myindiapictures.com with the help of google!