. . .
– અમને બ્લૉગ જગતમાં આવ્યાને બે વર્ષ થઇ ગ્યા એટલે હવે અમે એકાદ સલાહ આપવાની લાયકાત તો ધરાવીએ છીએ. (મારા વધુ અનુભવી વડીલો આ કુચેષ્ઠા બદલ ક્ષમા કરશે એવી આશા છે.) આ મારો બગીચો આમ તો મારા વિચારો અને અનુભવો માટે જ છે છતાંયે અમે કયારેક સલાહ આપવા માટે આ જગ્યાનો દુરૂપયોગ કરી લઇએ તો કોઇને વાંધો તો ન જ હોય ને..
– એક અનુભવીની નજરે જોઇએ તો આ સલાહમાં નવું કંઇ નથી અને તેનો અમલ કરવાથી કોઇ મોટો ફાયદો પણ નથી થવાનો. (જો ફાયદો થતો હોત તો અમે તેને મફત આપતા ન હોત!! 😉 )
– ઓકે, ફાયદો નથી થતો તેનો મતલબ એ નથી કે તેનું કોઇ મહત્વ નથી. ભલે મોટી વાત ન હોય પણ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી બ્લૉગ સુંદર અને લખાણ વાંચનલાયક બને છે. હા, આ વાંચનલાયક લખાણનો મુખ્ય આધાર તો તમે ‘શું’ લખો છો તે ઉપર જ રહેવાનો ! (મારી જેમ કંઇ પણ લખ્યા રાખશો તો કોઇ નહી વાંચે..)
– ચલો હવે, ટીપ્સ ઉર્ફે સલાહ :
1. તમે તમારી પોસ્ટનું ટાઇટલ ભલે ગુજરાતીમાં રાખો પણ તેની લીંક અંગ્રેજી ભાષામાં જ રાખો.
# કારણ – ગુજરાતી ભાષા બ્રાઉઝરના એડ્રેસબારમાં હજુ સર્વ-સ્વીકૃત નથી એટલે જયારે આવી કોઇ પોસ્ટને તેનું url ટાઇપ કરીને બ્રાઉઝરમાં સીધી જ ઓપન કરવી શક્ય નથી હોતી, જે અંગ્રેજીમાં જ શક્ય છે. અંગ્રેજીમાં લીંક રાખવાથી તેને share કરવું સરળ રહેશે અને કોઇ પણ જગ્યાએ જે-તે પોસ્ટની લીંક આપશો તો લીંક ઉપરથી જ લખાણના વિષયનો પણ ખ્યાલ આવી જશે. આ ઉપરાંત લીંકને અંગ્રેજીમાં રાખવાના બીજા પણ ઘણાં ફાયદા છે જે આપને ધીરે-ધીરે સમજાઇ જશે.
# કઇ રીતે કરશો – આમ તો આ ઘણું સરળ છે. વર્ડપ્રેસમાં જયારે તમે ટાઇટલ લખો છો ત્યારે તેના પ્રમાણે જ ઓટોમેટીક લીંક બની જતી હોય છે. દા.ત.: જો તમે ગુજરાતીમાં ટાઇટલ લખશો તો તેની લીંક ગુજરાતીમાં જ બની જશે! પણ ટાઇટલની નીચે જ તેને બદલવા માટે ઓપ્શન આપેલ છે જે નીચે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે.
2. પોસ્ટને પુરી લખ્યા બાદ તેને Full Alignment માં ગોઠવી દો.
# કારણ : બ્લૉગમાં ઉમેરેલી માહિતીને સુંદર દેખાવ આપવા માટે !!
આપ જાણો છો કે વાંચનારને કંઇક સુંદર દેખાશે તો જ તે વધારે સમય ત્યાં રોકાશે. પોસ્ટને full alignment કરવાથી દરેક લાઇનની શરૂઆત અને અંત ચોક્કસ જગ્યાએ ફિક્ષ થઇ જશે. આ વિશે લખીને સમજાવવું થોડું અઘરું છે એટલે એક બ્લૉગરના મુળ લખાણના અને તેને ‘Align Full’ કર્યા પછીના ફોટો મુકયા છે. (ફોટોને વધુ મોટી સાઇઝમાં જોવા તેની ઉપર કલીક કરશો.)
# કઇ રીતે કરશો : જો ખરેખર રસ જાગ્યો હોય તો જાણી લો. આમ તો આ એક સરળ ઓપ્શનનો જ કમાલ છે (ઘણાં જાણે છે પણ આળસમાં તેને અડતા જ નથી!) જે વર્ડપ્રેસમાં સ્ક્રીન ઉપર જ ઉપલબ્ધ હોય છે. Underline ના ઓપ્શનની બાજુમાં જ Align Full નું બટન શોભી રહ્યું છે તે જોઇ લેજો ! તેનો કી-બોર્ડ શોર્ટ કટ છે – [Alt+Shift+J] અને હજુયે ના મળ્યું હોય તો નીચેનો ફોટો તમારી માટે જ છે સજ્જનો….
. .
– આજે આપવા માટે માત્ર બે જ ટીપ્સ છે. જો કે બીજુ તો ઘણું બધું છે ટીપ્સમાં આપવા જેવું પણ તમે બધા એટલા હોંશિયાર છો કે મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ક-ખ-ગ શીખવવા જેવું લાગશે! એટલે કંઇ નવું કે ખાસ જણાશે તો જ અહી મુકવામાં આવશે.
(*મહાવિદ્યાલય=કૉલેજ)
. . .